શનિવાર, 23 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી સાહિત્ય
  3. ગુજરાતી નિબંધ
Written By કલ્યાણી દેશમુખ|
Last Updated : બુધવાર, 4 માર્ચ 2020 (18:01 IST)

ગુજરાતી નિબંધ - દીકરી ઘરની દિવડી

દીકરી બચાવી કરો ઉદ્ધા ર 

દીકરી એટલે પ્રેમનો સાગર.. એ સૌને વ્હાલી લાગતી હોય છે. ઈશ્વરે દીકરીઓમાં જન્મથી જ મમતા તો છલોછલ ભરીને આપી હોય છે. તેના ઉછેરમાં તમે ધ્યાન આપો કે ન આપો પણ તેની અંદર જે વાત્સલ્ય છે તે  તમને હંમેશા જોવા મળશે.  જો ઘરમાં મોટી પુત્રી હોય તો તે આપમેળે જ મમ્મી-પપ્પાની અડધી જવાબદારી આપમેળે જ ઉઠાવી લે છે. નાના ભાઈ બહેનો માટે તો એ એક માતા જેવી બની જાય છે.  જે ઘરમાં બહેન હોય ત્યાના ભાઈઓમાં સંસ્કાર સીંચવાનુ કામ દીકરી જ કરે છે. ઘરની દીકરી જેટલા ત્યાગ આપે છે એટલુ કોઈ નથી આપતુ. પછી એ ત્યાગ પોતાના ભાઈ-બહેન માટે હોય કે પોતાના માતા-પિતા માટે હોય.  આટલુ હોવા છતા એક દિવસ પરિવાર તુ હવે મોટી થઈ ગઈ છે તારા લગ્ન થઈ જવા જોઈએ. આવા શબ્દો બોલીને ઘરના આ ખૂબ મહત્વના સદસ્યને એક અજાણ્યા વ્યક્તિના હાથમાં સોંપી દે છે અને દીકરી પણ ચાલી નીકળે છે એક ઘરને સ્નેહ.. પ્રેમ અને સંસ્કારોથી સીંચીને બીજા ઘરમાં પ્રેમ અને સેવાનુ અજવાળુ પાથરવા... 
 
દીકરી નાની હોય ત્યારે જુદી જુદી રમાતો રમે. મોટી થતા તે માં ને ઘર ના કામોમા પણ મદદ કરે છે. બાળપણથી જ તેનામાં મમતા, પ્રેમ સહજ રીતે જોવા મળે છે. તે પોતાના નાના ભાઈ ને ખૂબ વહાલ કરે છે તેની કાળજી રાખે છે.
 
દીકરી મોટી થતા શાળાએ જાય. ત્યાં તે ભણે, અન્ય પ્રવૃત્તિઓ માં પણ ભાગ લે. સંગીત,નૃત્ય વિશે તેને ખુબ રસ હોય છે.માબા તેની ઈચ્છા પૂરી કરે છે. અને મોટી થઈ દીકરીઓ માબા ની કાળજી લે છે.
 
એક સમય હતો જ્યારે દીકરી જન્મ થતા જ તેને દૂધ પીતી કરવામાં આવતી.તેને ઘરની બહાર જવાની પરવાનગી પણ નહોંતી. તેને ભણાવવા આવતી નહોતી. તેને નાની ઉંમરે જ  પરણાવી દેવાતી હતી. આજના સમયમાં લોકો સમજદાર થયા છે. આજે દીકરીઓ પણ  ભણીગણીને તૈયાર થયીને ઉંચી નોકરીઓ કરે છે. સંસ્કારી દીકરી સૌને પ્રેમ થી સાથે રાખી આગળ વધે.
 
એટલે કહેવાય છે કે દીકરી ઘરની દિવડી જ્યાં હોય ત્યાં હાસ્ય, ઉલ્લાસ અને ઉત્સાહનો ઉજાશ પાથરી દે છે. .
 
 
દીકરી તમારી એવી પુંજી છે જેને તમે ભલે પારકી થાપણ માનતા  હોય પણ તે ક્યારેય પોતાના મા-બાપનો પ્રેમ અને તેમના પ્રત્યેનુ પોતાનુ કર્તવ્ય ભૂલતી નથી. તેની અંદર એટલી આત્મીયતા અને એટલુ સાહસ છે કે તે પરણ્યા પછી પણ જો ગરજ પડે તો સાસરિ સાથે માતા પિતાને પણ સાચવી શકે છે.  દીકરી જન્મે છે ને ઘરના આંગણે જાણે કોમળ કિરણોની કોમળતા અવતરે છે. આપણી જીવવાની ઝંખનાને પ્રજ્જ્વલિત રાખતી જ્યોત એટલે દીકરી. 
 
દીકરી કેજીમાં ભણતી હોય કે કોલેજમાં ભણતી હોય, કુવારી હોય કે પરણેલી હોય પણ મા બાપ માટે દીકરી સદાય દીકરી જ રહે છે. બાળપણમાં દીકરી ભલે તોફાન મસ્તી કરતી હોય પણ જ્યારે યુવાન બને છે ત્યારે ગંભીરતા ધારણ કરી લેતી હોય છે. લગ્ન પછી જ્યારે દીકરી સાસરે જાય છે ત્યારે સાસરીયાઓ એમ પુછે છે કે વહુ કરિયાવરમાં શું-શું લાવી છે? પરંતું એ નથી સમજતા કે વહુ વહાલના દરીયા જેવા મા બાપ, ઘર, પરિવાર, ગામ....આ બધુ જ છોડીને તમારા હ્ર્દયને જીતી લેવા માટે આવી છે. જ્યારે આ વાતનો સમાજ સ્વીકાર કરે છે  ત્યારે દીકરીના જીવનમાં સુગંધ આવી જાય છે. નવી વહુનું સાસરીયામાં આવવું એ નવા બાળકનો જન્મ થયા બરાબર છે. સાસરિયાઓ વહુ આવતા જ પોતાના ઘરની બધી જવાબદારીઓનો ભાર એ પણ નિયમ સાથે નવી વહુ પર લાદી દે છે પણ તેને પણ સમય તો લાગે ને એક નવા અને અજાણ્યા ઘરમાં અને સૌથી વધુ અજાણ્યા લોકોમાં એડજસ્ટ થવામાં.  છતાય દિકરીની કોશિશ કરે છે સાસરિયામાં સૌનુ દિલ જીતવાનુ.. કોશિશ કરે છે નવા ઘરમાં પોતાનુ સ્થાન બનાવવાનુ અને કોશિશ કરે છે નવા ઘરના લોકો પણ તેને દિકરી સમજીને અપનાવે અને તેના પર પ્રેમના અમી છાંટણા કરે. 
 
 
જ્યા સુધી દીકરી પિયરમાં હોય ત્યા સુધી કોઈ ચિંતા નહી પણ જ્યારે સાસરિયામાં આવે એટલે તે ગમે તેટલી હોશિયાર હોય તો પણ તેને નવેસરથી બધુ શીખવુ પડે છે .. નવી રીત ભાત અપનાવવી પડે છે.. નહી તો તારા પિયર જેવુ અહી નહી ચાલે, અમારે ત્યા આવુ કોઈ નથી ખાતુ, જેવા વાગ્બાણ સંભળાવનારા પણ હોય છે. .  
 
દીકરી પિતા માટે એક ધબકાર હોય છે. જીવનમાં કદી ન રડનાર પુરુષ પણ એક બાપ તરીકે જ્યારે પોતાની દીકરીને વિદાય આપે છે ત્યારે ચોધાર આસુંએ રડે છે. તેથી ઈશ્વર કરે કે ક્યારેય દીકરી પિતાથી એટલી દૂર ન જતી રહે કે પિતાના અંતિમ સમયમાં તેઓ તેને નજર ભરીને જોઈ પણ ન શકે કે એક ચમચી પાણી પણ ન પીવડાવી શકે.