સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી સાહિત્ય
  3. ગુજરાતી નિબંધ
Written By
Last Modified: રવિવાર, 4 જુલાઈ 2021 (07:01 IST)

સ્વામી વિવેકાનંદ પુણ્યતિથિ- માનવ સેવા એ જ સાચી પ્રભુ પ્રાર્થના છે

સમગ્ર ભારત દેશ પોતાના પનોતા પુત્ર સ્વામી વિવેકાનંદની પુણ્યવતિથિ ઉજવવા જઈ રહ્યો છે ત્યારે 12 જાન્યુઆરી 1863માં કલકત્તામાં જન્મ લેનારા નરેન્દ્રનાથ દત્તા એટલે કે સ્વામી વિવેકાનંદના કાર્યો તેમજ ધર્મ પ્રત્યેના દ્રષ્ટિકોણથી ભાગ્યે જ કોઈ અજાણ હશે. માત્ર 39 વર્ષની આવરદા ભોગવી 4 જુલાઈ 1902માં તો દુનિયાને અલવિદા કહી દેનારા સ્વામી વિવેકાનંદ પોતાના સમયથી ઘણું આગળ વિચારનારા તેમજ હિંદુ સંસ્કૃતિનો ઉંડો અભ્યાસ ધરાવતા હતા. જે સમયમાં ભારત ગરીબી, અજ્ઞાનતા તેમજ પછાત અવસ્થામાં સબડતો હતો તે વખતે સ્વામી વિવેકાનંદે દેશના લોકોને ઢંઢોળ્યા હતા અને તેમને ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તી સુધી મંડ્યા રહો તેવો નારો આપ્યો હતો.
 
રામકૃષ્ણએ તેમને એક ગુરૂ તરીકે અદ્વૈત વેદાંત  અને બધા જ ધર્મો સાચા છે તથા માનવ સેવા એજ સાચી પ્રભુપ્રાર્થના છે તેવુ શીખવ્યું હતું.સ્વામી વિવેકાનંદના વિચારો, એમના પ્રવચનો, મુલાકાતો ,પત્રો અને અનેક પુસ્તકોમાં સચવાયેલા છે જેને લાખો લોકો આજે પણ સાંભળે છે વાંચે છે અને તેને ફોલો કરે છે
 
વિવેકાનંદ જે સમયમાં થઈ ગયા ત્યારે ભારતને જાદુગરો અને મદારીઓના દેશ તરીકે ઓળખવામાં આવતો હતો તેવા સમયે વિવેકાનંદે શિકાગોમાં યોજાયેલી વિશ્વધર્મ પરિષદમાં કરેલું સંબોધન ઈતિહાસમાં સોનેરી અક્ષરોએ લખાયેલું છે. પોતાની ધારદાર તેમજ તાર્કિક દલીલોથી સ્વામી વિવેકાનંદે હિંદુ ધર્મની ટિકા કરનારાઓના મો બંધ કરી દીધા હતા.
 
ભારત ભ્રમણ અને ગુજરાતમાં રોકાણ છ ભારત ભ્રમણ પર નીકળેલા સ્વામી વિવેકાનંદ ગુજરાતમાં પણ ખાસ્સો સમય રોકાયા હતા. તેમણે પોતાના ગુજરાત પ્રવાસમાં અમદાવાદ, વઢવાણ, લિંબડી સહિત અનેક સ્થળોની મુલાકાત લીધી હતી. નવાઈની વાત એ છે કે આ હિંદુ સન્યાસીએ ઈસ્લામ તેમજ જૈન કલ્ચરના પોતાનો અભ્યાસ અમદાવાદમાં પૂર્ણ કર્યો હતો. લિંબડીમાં તેઓ ઠાકોર સાહેબ જશવંત સિંહને મળ્યા હતા. ઠાકોર સાહેબ પોતે પણ ઈંગ્લેન્ડ તેમજ અમેરિકા ફરેલા હતા અને તેમણે જ સ્વામીજીને વેદોનો પ્રચાર કરવા માટે પશ્ચિમી દેશોમાં જવાની સલાહ આપી હતી.
 
પોતાના પ્રવાસ દરમિયાન સ્વામીજીએ જુનાગઢનો પણ પ્રવાસ કર્યો હતો જ્યાં તેઓ રાજ્યના દિવાન હરિદાસ વિહારીદાસ દેસાઈના મહેમાન બનીને રહ્યા હતા. હરિદાસ સ્વામીજીના એ હદે ચાહક બની ગયા હતા કે દરરોજ સાંજ પડ્યે તેઓ પોતાના અન્ય અધિકારીઓ સાથે સ્વામીજી પાસે ગોષ્ઠી કરવા ગોઠવાઈ જતા જે મોડી રાત સુધી ચાલતી હતી. અહીંથી સ્વામીજીએ ગીરનાર, કચ્છ, પોરબંદર, દ્વારકા, પાલિતાણા, નડિયાદ મુલાકાત પણ લી ધી હતી. વિહરતા સન્યાસી હોવા છતાં સ્વામી વિવેકાનંદ પોરબંદરમાં તત્વજ્ઞાન તેમજ સંસ્કૃતનો અભ્યાસ કરવા માટે તેઓ પુરા નવ મહિના રોકાયા હતા. આ ઉપરાંત તેમણે પોરબંદરમાં રહીને વેદોનું ભાષાંતર કરવાનું કામ પણ કર્યું હતું.
 
આજે જરૂર છે દેશના આવા યુવાનોની જે રાજકારણની માયાજાળમાં પડવાને બદલે દેશ અને દેશના લોકોને સાચો માર્ગ બતાવે અને ભારતને દુનિયામાં પોતાની સન્માનિત સંસ્કૃતિ સાથે આગળ વધારે.