મંગળવાર, 19 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: બુધવાર, 25 જાન્યુઆરી 2023 (10:07 IST)

કોલ્ડવેવ બાબતે આટલું ધ્યાન વાતોનું રાખો ધ્યાન, જાણો શું-શું કરવું?

cold wave
ગુજરાતમાં કાતિલ ઠંડી પડી રહી છે. સમગ્ર ગુજરાતમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. ત્યારે ઠંડા પવનોના કારણે લોકો ઠુંઠવાયા છે. સામાન્ય રીતે જાન્યુઆરીના મધ્યમાં ઉત્તર ભારતમાં ઠંડીનું જોર ઘટવાની શરૂઆત થતી હોય છે. જો કે આ વર્ષે ચિત્ર ઉંધુ છે. ઉત્તરાયણથી હવામાન વધુ કાતિલ બની રહ્યું છે. ત્યારે કોલ્ડવેવ દરમિયાન આટલી બાબતોનું ધ્યાન રાખવું જરૂરી બને છે... 
 
કોલ્ડવેવ બાબતે આટલું ધ્યાન રાખો
• આગામી થોડા દિવસો દરમિયાન શીતલહેરની સંભાવનાને પગલે લોકો હવામાન વિભાગની આગાહી માટે રેડિયો, ટીવી અને અખબારો જેવા માધ્યમમાં પ્રસારિત સત્તાવાર સૂચનાને અનુસરે
• શિયાળામાં ગરમ કપડાનો પૂરતો જથ્થો રાખવો
• ખોરાક, પાણી, ઇંધણ, બેટરી, ચાર્જર, ઇમરજન્સી લાઈટ અને જરૂરી દવાઓનો પૂરતો જથ્થો રાખવો
• દરવાજા અને બારીઓ યોગ્ય રીતે બંધ કરવાની ખાતરી રાખવી, જેથી ઠંડા પવન ઘરમાં ન આવે
• કોલ્ડવેવમાં વહેતું અથવા ભરેલું નાક અથવા નાકમાંથી રક્તસ્ત્રાવ જેવી વિવિધ બીમારીઓની શક્યતા વધી જાય છે. જે સામાન્ય લાંબા સમય સુધી શરદી રહેવાને કારણે થાય છે. આવાં લક્ષણો જણાય તો તાત્કાલિક આરોગ્યકર્મી અથવા ડોક્ટરની સલાહ લેવી.
 
કોલ્ડ વેવ દરમિયાન શું કરવું?
• હવામાન વિભાગની માહિતી અને કટોકટીની પ્રક્રિયાની માહિતીને અનુસરવું અને સરકારની સત્તાવાર સલાહનું પાલન કરવું
• શક્ય તેટલું ઘરની અંદર રહો અને ઠંડા પવનો, માવઠું અથવા તો હીમવર્ષામાં મુસાફરી કરવાનું ટાળો
• એકથી વધુ પણ ઢીલા ફિટિંગવાળાં કપડાં પહેરો, એક ભારે કપડાના સ્તરને બદલે નાયલોન અથવા કોટન અને અંદરના ભાગે ઉનના કપડા પહેરો, ચુસ્ત કપડા રક્ત પરિભ્રમણ ઘટાડે છે તેથી તે પહેરવાનું ટાળવું
• કપડા ભીના થાય તો તરત બદલી લેવા. માથું, ગરદન, હાથ અને અંગૂઠાને પૂરતા પ્રમાણમાં ઢાંકો
• ફેફસાને સુરક્ષિત રાખવા માટે મોં અને નાકને ઢાંકો, કોવિડ 19 અને અન્ય શ્વસન સંબંધી ચેપથી બચવા માટે બહાર જતી વખતે માસ્ક પહેરો
• શરીરનું તાપમાન જાળવી રાખવા ટોપી અને મફલરનો ઉપયોગ કરો, ઇન્સ્યુલેટેડ અથવા વોટરપ્રૂફ શૂઝ પહેરો
• તાજો ખોરાક લો, પૂરતી રોગ પ્રતિકારક શક્તિ જળવાય તે માટે વિટામિન Cથી ભરપૂર ફળ અને શાકભાજી આરોગો
• નિયમિતપણે ગરમ પ્રવાહી લેવા, કારણ કે ઠંડી સામે લડવા શરીરનું તાપમાન જાળવી રાખવું પડે છે
• તેલ, પેટ્રોલિયમ જેલી અથવા બોડી ક્રીમ વડે નિયમિતપણે તમારી ત્વચાને મોઈશ્ચરાઈઝ રાખો
• વૃદ્ધો, નવજાત શિશુઓ અને બાળકોની વિશેષ સંભાળ રાખો અને એકલા રહેતા પાડોશીઓ ખાસ કરી વૃદ્ધોને સમય સમયે મળતા રહો
• ઊર્જા બચાવો. જરૂર હોય ત્યારે જ રૂમને ગરમ કરવા માટે હીટરનો ઉપયોગ કરવો
• રૂમ હીટર જેવા હીટિંગ ઉપકરણોનો ઉપયોગ કરવાની સાથે પર્યાપ્ત વેન્ટિલેશનની ખાતરી રાખો
• ધુમાડો બહાર નીકળે તેવી વ્યવસ્થા હોય તો જ બંધ જગ્યાઓમાં કોલસો બાળો, કારણ કે કોલસાનું દહન ઝેરી કાર્બન મોનોક્સાઈડ ઉત્પન્ન કરી શકે છે, જે વ્યક્તિ માટે ઘાતક છે
• દારૂનું સેવન ન કરો. શરાબ તમારા શરીરનું તાપમાન ઘટાડે છે અને વાસ્તવમાં રક્તવાહિનીઓને સાંકડી કરે છે જેથી હાઇપોથર્મિયાનું જોખમ વધે છે
• ઠંડા પવન લાગવાના લક્ષણો જેમ કે અંગોની નિષ્ક્રિયતા, આંગળીઓ, અંગૂઠા, કાનની લોબ્સ અને નાકની ટોચ સફેદ અથવા નિસ્તેજ દેખાય તેવા સમયે શરીર પર લાલ ફોલ્લા થઈ શકે છે અથવા ત્વચાનો રંગ કાળો થઈ શકે છે. આ લક્ષણો અવગણવા નહીં, જે ખૂબ ખતરનાક છે. આવા હિમ ડંખના સંકેતો પર તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવો