મંગળવાર, 30 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: બુધવાર, 31 જુલાઈ 2013 (11:36 IST)

વિદેશી અખબારમાં મોદી વિશે જેઠમલાણીનો આર્ટીકલ 'મોદી વિશે આટલુ સત્ય જાણો'

:
P.R
સુપ્રિમ કોર્ટના જાણીતા ધારાશાસ્ત્રી અને ભાજપમાંથી બરખાસ્ત કરાયેલા તથા ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના કટ્ટર સમર્થક એવા રામ જેઠમલાણીએ એક વિદેશી અખબારમાં કોંગ્રેસ અને તેના નેતાઓની ભારોભાર ટીકા કરીને કઇ રીતે મુખ્યમંત્રી મોદીને બહુચર્ચીત ગોધરાકાંડને લઇને બદનામ કરવામાં આવી રહ્યાં છે તેનો ચોંકાવનારો ધડાકો કર્યો છે. તેમણે કોંગ્રેસ પ્રેરિત યુપીએ સરકારની ભારતને લૂંટનાર આક્રમણખોર ગઝની અને પીંઢારાઓની સાથે સરખામણી કરી છે તો કોંગ્રેસ મોદીની રાજકીય હત્યા કરવા માગે છે તેવો આક્ષેપ પણ કર્યો છે.

રામ જેઠમલાણીએ "સન્ડે ગાર્ડીયન" નામના અખબારમાં "Let Truth be known about Modi" (ચાલો મોદી અંગે સત્ય જાણીએ) ના મથાળા હેઠળ એક લેખ લખ્યો છે. જેમા તેમણે ગોધરા કાંડ સંબંધે મોદીનો ભારોભાર બચાવ કરીને એનજીઓ, તીસ્તા સેતલવાડ, સંજીવ ભટ્ટ અને કોંગ્રેસ સામે આક્ષેપો કર્યાં છે. તેમણે લખ્યું છે કે જેમ ભારતને વિદેશી આક્રમણખોરો ગઝની અને પીંઢારાઓએ લુંટુયુ તેમ હવે તે સ્થાન યુપીએ સરકારે લીધુ છે અને ભવિષ્યના ઇતિહાસકારો ભારતનો ઇતિહાસ લખશે ત્યારે કોંગ્રેસ વિષે આ પ્રમાણેનો ઉલ્લેખ કરશે.

તેમણે મુખ્યમુદ્દા અંગે લખ્યું છે કે કોંગ્રેસનો એજન્ડા ભારતના રાજકારણમાંથી નરેન્દ્ર મોદીને કોઇપણ રીતે દુર કરી અથવા કલંકીત કરીને તેમની રાજકીય હત્યા કરવા અંગેનો છે. અને તે માટે કોંગ્રેસ ગોધરા કાંડ, રમખાણોનો ઉપયોગ કરી રહી છે. કોંગ્રેસ થીંક ટેન્ક દ્વારા આ અંગેની પ્રચાર સામગ્રી તથા અન્ય વિગતો તૈયાર કરીને ધીમે-ધીમે તેનો ફેલાવો કરવામાં આવી રહ્યો છે.

રામ જેઠમલાણીએ એવો દાવો કર્યો છે કે 27 ફેબ્રુઆરી 2002ના રોજ ગોધરા રેલવે સ્ટેશન ખાતે સાબરમતી ટ્રેનનો ડબ્બો સળગાવી દેવામાં આવ્યો ત્યારે મુખ્યમંત્રી મોદીએ તાત્કાલીક તાકીદની બેઠક બોલાવી હતી અને સુરક્ષાના તમામ પગલા લીધા હતા. તે વખતે અમદાવાદ કેન્ટોનમેન્ટનું લશ્કરી દળ સીમા પર તૈનાત હોવાથી મોદીએ તત્કાલીન સંરક્ષણમંત્રીને ટેલીફોન દ્વારા જાણ કરીને લશ્કરી બટાલિયનની માંગણી કરી હતી અને તાત્કાલીક લશ્કરી દળો તૈનાત કરવામાં આવ્યા હતા. તેમણે લખ્યું છે કે કોંગ્રેસ એમ કહે છે કે કોમી રમખાણો હિન્દુઓ દ્વારા બદલો લેવા માટે થયા હતા પરંતુ રમખાણોના શરૂઆતના છ દિવસોમાં પોલીસ ફાયરીંગમાં 61 હિન્દુ અને 40 મુસ્લિમો માર્યા ગયા છે. જો હિન્દુઓએ નરસંહાર બદલો લેવાનું કાવતરુ ઘડ્યુ હોય અને તેને સરકારના આશીર્વાદ હોય તો પોલીસ ગોળીબારમાં માર્યા ગયેલાઓમાં 60 ટકા હિન્દુઓ હોય શકે નહી. તીસ્તા સેતલવાડ અને ઝાકીયા જાફરી દ્વારા આ પ્રકારનો આક્ષેપ કરાયો છે કે મોદીના ઇશારે તોફાનો થયા હતા.

રામ જેઠમલાણીએ નરોડા પાટીયા કાંડ, ગુલબર્ગ કેસ વગેરે અંગે કોંગ્રેસ અને એનજીઓ તીસ્તા સેતલવાડ દ્વારા કઇ રીતે જુઠાણાં ફેલાવવામાં આવ્યા તેનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે સીટ દ્વારા મોદીને અપાયેલ ક્લીન ચીટ અંગેનો પણ ઉલ્લેખ કર્યો હતો. મોદી વિરોધીઓને તેમણે ભારત વિરોધી ગણાવીને આક્ષેપ કર્યો છે કે ભારતના આ દુશ્મનો ગુજરાતના રમખાણોને વૈશ્વિક સ્તરે બદનામ કરવા માંગે છે તે દ્વારા મોદી અને ગુજરાતની પ્રતિષ્ઠાને કલંકિત કરવાનું એક સુવ્યસ્થિત ષડયંત્ર હોવા છતાં જ્યારે યુરોપના દેશોને સાચી હકીકત જાણ થઇ ત્યારે ગુજરાત સાથે સંબંધો બનાવ્યા છે. હવે એ સમય આવ્યો છે કે મોદી અને ગુજરાત સામેના ષડયંત્રની જાણ સામાન્ય લોકો "બિનસાંપ્રદાયિક" બુદ્ધિજીવીઓ, મત કેળવનારા અને મીડિયાને થવી જોઇએ.