પાકિસ્તાની આર્મી ચીફ અસીમ મુનીર ફરી એકવાર અમેરિકાની મુલાકાતે, 2 મહિનામાં બીજી મુલાકાત, યુએસ-પાક વચ્ચે શુ રંઘાય રહ્યુ છે ? ?
Pakistan army chief Asim Munir US Visit: એક તરફ, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દુનિયા સામે ટેરિફ વોર છેડ્યું છે, તો બીજી તરફ, પાકિસ્તાન પ્રત્યેનો તેમનો પ્રેમ વધી રહ્યો હોય તેવું લાગે છે. પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીર બે મહિનામાં બીજી વખત અમેરિકાની મુલાકાતે જવાના છે. અગાઉ, મુનીર જૂનમાં અમેરિકાની મુલાકાતે ગયા હતા. અસીમ મુનીર પછી, પાકિસ્તાનના વાયુસેનાના વડા ઝહીર અહેમદ બાબર સિદ્ધુએ પણ અમેરિકાની મુલાકાત લીધી હતી.
આ કારણે અમેરિકા જઈ રહ્યા છે મુનીર
જનરલ અસીમ મુનીર યુએસ સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM)કમાન્ડર જનરલ માઈકલ ઈ કુરિલાના વિદાય સમારંભમાં હાજરી આપવા માટે અમેરિકાની મુલાકાતે જવાના છે. એવું માનવામાં આવે છે કે કુરિલાનો વિદાય સમારંભ ફ્લોરિડાના ટામ્પામાં CENTCOM મુખ્યાલયમાં યોજાશે. સેન્ટકોમ કમાન્ડર જનરલ માઈકલ ઈ કુરિલાએ જુલાઈના અંતમાં પાકિસ્તાનની મુલાકાત લીધી હતી.
શું કુરિલા પાકિસ્તાનના સમર્થક છે ?
યુએસ સેન્ટકોમ કમાન્ડર જનરલ કુરિલાને પાકિસ્તાન પ્રત્યે ઊંડો પ્રેમ છે અને તેઓ આતંકવાદ, ખાસ કરીને ઇસ્લામિક સ્ટેટ - ખોરાસન (ISIS-K) સામેની લડાઈમાં ઇસ્લામાબાદની ભૂમિકાની ઘણી વાર પ્રશંસા કરી ચૂક્યા છે. જોકે, કુરિલાએ દલીલ કરી છે કે અમેરિકાએ ભારત અને પાકિસ્તાન બંને સાથે સારા સંબંધો જાળવવાની જરૂર છે.
મુનીરની 2 મહિનામાં બીજી મુલાકાત
આ વર્ષે જૂનમાં આસિમ મુનીરે અમેરિકાની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે લંચ પણ કર્યું હતું. બંનેની મુલાકાત લગભગ બે કલાક ચાલી હતી. વ્હાઇટ હાઉસના પ્રવક્તા અન્ના કેલીએ જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પે જનરલ મુનીરને મળવા માટે બોલાવ્યા હતા કારણ કે મુનીરે ભારત અને પાકિસ્તાન વચ્ચે સંભવિત પરમાણુ યુદ્ધને રોકવા માટે ટ્રમ્પને નોબેલ શાંતિ પુરસ્કાર આપવાની ભલામણ કરી હતી.
પાકિસ્તાન પર મહેરબાન ટ્રમ્પ
આ દરમિયાન, અમે અહીં એ પણ જણાવી દઈએ કે, અમેરિકા પાકિસ્તાન પ્રત્યે દયાળુ લાગે છે. પાકિસ્તાન પર લાદવામાં આવેલા ટેરિફ આનો સંકેત છે. તાજેતરમાં અમેરિકા દ્વારા લાદવામાં આવેલા ટેરિફમાં પાકિસ્તાનને મોટી રાહત આપવામાં આવી છે. ટ્રમ્પ વહીવટીતંત્રે પાકિસ્તાન પર ટેરિફ 29 ટકાથી ઘટાડીને 19 ટકા કર્યો છે. અમેરિકાએ તાજેતરમાં પાકિસ્તાન સાથે તેલ કરાર પર હસ્તાક્ષર કર્યા છે. એટલું જ નહીં, આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF) તરફથી પાકિસ્તાનને મળેલી મદદમાં પણ અમેરિકાએ મોટી ભૂમિકા ભજવી છે.