શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: રવિવાર, 22 ઑગસ્ટ 2021 (23:00 IST)

તાલિબાન ઉઠાવીને લઈ જાય એના કરતાં મરવું સારું, એ કદાચ રેપ કરશે ને પછી મારી નાખશે- હઝારા વિદ્યાર્થિનીની આપવીતી

કાબુલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓના નવા સત્ર શરૂ થવાનો હાલનો સમય છે. જોકે, જ્યારથી તાલિબાનના લડવૈયાઓએ અહીંના રસ્તાઓ પર પેટ્રોલિંગ શરૂ કરી દીધું છે, કેટલીય વિદ્યાર્થિનીઓ પોતાના જીવનના પુરાવા નષ્ઠ કરવામાં લાગી ગઈ છે.
 
આ વિદ્યાર્થિનીઓ એ લઘુમતી સમુદાયમાંથી આવે છે, જેને તાજેતરનાં વર્ષોમાં તાલિબાન દ્વારા કરાતાં અપહરણ અને હત્યાઓનો સામનો કરવો પડ્યો છે. આ વિદ્યાર્થિનીઓએ બીબીસી સાથે વાત કરી છે.
 
બીબીસીને તેમણે જણાવ્યું કે કઈ રીતે ઉજ્જ્વળ ભવિષ્યનાં સપનાંના ચૂરેચૂરા થઈ ગયા.
 
બીબીસીને તેમણે જે કંઈ પણ જણાવ્યું, એ જાણો એમની જ જુબાનીમાં...
 
આ કંઈક એવું છે કે જેનું વર્ણન હું શબ્દોમાં કરી શકું એમ નથી. મેં જે સપનાં જોયાં હતાં, જેના માટે મેં ક્યારેક કામ કર્યું હતું, મારું ગૌરવ, મારું અભિમાન, એક છોકરી તરીકેનું મારું અસ્તિત્વ, મારું જીવન, બધું જ હવે જોખમમાં છે.
 
કોને ખબર કે તેના ઘરે જઈને તલાશી લેવામાં અને છોકરીઓને ઉપાડી જવામાં કેટલો સમય લાગે-કદાચ એના પર બળાત્કાર ગુજારાય. એ જ્યારે મારા ઘરે આવશે ત્યારે કદાચ મારે મારી જાતને મારી નાખવી પડે. હું મારા મિત્રો સાથે વાત કરી રહી છું- અમે બધાં આવું જ કરવાની યોજના ઘડી રહ્યાં છીએ. એ ઉપાડીને લઈ જાય એના કરતાં તો મરી જવું સારું.
 
કંઈ પણ સામાન્ય નથી રહ્યું હવે
 
બે મહિના પહેલાં મારું ધ્યાન માત્ર મારી ડિગ્રી પર હતું. હું ફૉલ સેમેસ્ટમાં મારા અભ્યાસ અંગે પ્લાન કરી રહી હતી કે શું કરીશ, શું નહીં. શિડ્યુલ બનાવી રહી હતી, બધું જ બરોબર કરવાનો પ્રયાસ કરી રહી હતી. જ્યારે તાલિબાનીઓ કેટલાય પ્રાંતો પર કબજો કરી રહ્યા હતા ત્યારે લોકો ડરી રહ્યા હતા, પણ મને લાગતું હતું કે તેઓ કાબુલ પર ક્યારેય કબજો નહીં કરી શકે.
 
મઝાર-એ-શરીફ (કાબુલના પશ્ચિમ-ઉત્તરમાં આવેલો તાલિબાનવિરોધી ગઢ) પર એમણે કબજો કર્યો એ પહેલાં સુધી મારું જીવન સામાન્ય હતું. પણ જ્યારે તેમણે ત્યાં કબજો કરી લીધો ત્યારે મને અહેસાસ થયો કે હવે અમે ખતમ થવાના છીએ. એ બાદ તેમણે કાબુલ પર કબજો કરી લીધો.
 
શહેરમાં કેટલીક ગોળીઓ છૂટી અને અમે સાંભળ્યું કે તાલિબાનો દરેક શેરી અને વિસ્તારમાં પહોંચી ગયા છે. એ પછી કંઈ પણ સામાન્ય ના રહ્યું.
 
સોશિયલ મીડિયા પોસ્ટથી ભય
 
મારો આખો પરિવાર ઘરે જ રહ્યો. દુકાનો બંધ હતી અને કિંમતો દર કલાકે ઘટી રહી હતી. મુદ્રા વિનિમયનો દર ઝડપથી બદલાઈ રહ્યો હતો.
 
મેં યુનિવર્સિટીના મારા તમામ કાગળો અને દસ્તાવેજો સળગાવી નાખ્યા. તમામ સિદ્ધિઓ, તમામ પ્રમાણપત્રો સળગાવી નાખ્યાં. મારી બાલકનીમાં મેં આ બધું કર્યું. મારી પાસે ઘણાં પુસ્તકો છે, વહાલાં પુસ્તકો, જેને હું વાંચી રહી હતી, મેં એ બધાં જ સંતાળી દીધાં છે.
 
મારું સોશિયલ મીડિયા એકાઉન્ટ મેં ડિઍક્ટિવ કરી નાખ્યું છે. મને જણાવાયું છે કે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવું એટલે સુધી કે એ પ્લૅટફૉર્મ પરની હાજરી પણ હવે ભારે જોખમી હશે. સ્પષ્ટ છે કે તાલિબાન સોશિયલ મીડિયા પોસ્ટ ચેક કરે છે અને ત્યાં કરાયેલી પોસ્ટના આધારે તે અમને શોધી લે છે.
 
મારા માટે ફેસબુક મોટી સમસ્યા છે, કેમ કે હું ત્યાં સક્રિય હતી. મારી જૂની પોસ્ટમાં મેં લખ્યું છે કે તાલિબાન કંઈ કરી શકે એમ નથી. એ પણ લખ્યું છે કે હું એની સામે અડગ રહીશ અને તેઓ મારા ભણવાના અધિકારને આંચકી શકે નહીં.
 
એ મને ઘરમાં કેદ ન કરી શકે. મેં એમને આતંકવાદી કહ્યા છે. ચોક્કસથી, એ તમામ એમના માટે વાંધાજનક પોસ્ટો હતી.
 
એમણે થોડા દિવસમાં જ આ બધું કરી લીધું છે અને હું મારી જાતને બરબાદ, ડરેલી અને ઉદાસ જોઉં છું.
 
તાલિબાને એલાન કર્યું છે કે મહિલાઓએ હિજાબ સાથે રૂઢિવાદી કપડાં પહેરવાં જોઈએ. લોકો ડરમાં બુરખો અને હિજાબ પહેરી રહ્યાં છે.
 
મેં સાંભળ્યું છે કે કેટલીક યુનિવર્સિટીમાં ક્લાસની અંદર છોકરા અને છોકરીઓ વચ્ચે પડદો લગાવી દેવાયો છે. કેટલાક પરિવારો પોતાની દીકરીને ભણવા માટે બહાર જવા નથી દઈ રહ્યા, કેમ કે સૌને ખબર છે કે તાલિબાન હજુ પોતાનો અસલ ચહેરો નથી દેખાડી રહ્યું પણ એ દેખાડશે.
 
મેં તાલિબાનની પત્રકારપરિષદ જોઈ છે. (જેમાં એણે મહિલાઓને અધિકારનો વાયદા કર્યો હતો.) તેઓ ખોટું બોલી રહ્યા છે. મને વિશ્વાસ છે કે તેઓ ખોટું બોલે છે.
 
'અમને ચોક્કસ મારી નાખશે, કદાચ બળાત્કાર કરશે'
 
હું મંગળવારે મારા પિતા સાથે દવા લેવા માટે બહાર ગઈ હતી.
 
બધું જ બંધ હતું. મારે આખો હિજાબ પહેરવો પડ્યો હતો. લોકોએ બુરખો પણ પહેર્યો હતો. 13-14 વર્ષની કિશોરીઓએ પણ. પહેલાં જેવું હવે કંઈ નથી રહ્યું. એ શહેર જ નથી રહ્યું.
 
ચોતરફ તાલિબાનીઓ ફરી રહ્યા છે. એ તમારી તરફ જુએ છે - જ્યારે તમે આખો હિજાબ પહેર્યો હોય ત્યારે પણ- જાણે કે તમે કોઈ સામાન્ય માણસ નથી. જાણે કે તેઓ તમારી જિંદગીના માલિક હોય, જાણે કે તમે કચરો છો અને એને ફેંકી દેવો જોઈએ. એ રીતે તેઓ રસ્તામાં તમારી તરફ જુએ છે.
 
હું જ્યારે ભણતી હતી ત્યારે કેટલાંય સપનાં જોતી હતી. જીવનની યોજનાઓ અને લક્ષ્ય ઘડતી હતી.
 
હવે મને લાગે છે કે દેશ છોડી દેવો પડશે, કેમ કે હું હઝારા છું. તેઓ હઝારા છોકરીઓની શાળા પર હુમલો કરી ચૂક્યા છે. એ વખતે કેટલાયને મારી નાખ્યા હતા.
 
એ ચોક્કસથી અમને મારી નાખશે. કદાચ રેપ કરશે પછી મારશે. એક છોકરી હોવાથી અને એક લઘુમતી હોવાથી મારા માટે હવે મારા જ દેશમાં કોઈ જગ્યા નથી બચી.
 
મારો આખો પરિવાર ડરેલો છે. જ્યારથી તાલિબાને સત્તા સંભાળી છે ત્યારથી અમે અહીંથી બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યા છીએ, પછી તે કાયદાકીય રીતે નીકળી કે અવૈધ રીતે.
 
ઍરપૉર્ટ પર ભારે ભીડ છે. નિકાસ માટે કોઈ ખાલી જગ્યા નથી બચી અને કેટલાંય રાષ્ટ્રો અમને બહિષ્કૃત કરી ચૂક્યા છે, કદાચ તમામ દેશ. બધાં જાણે જોઈ રહ્યાં છે કે જાણે કંઈ નથી થઈ રહ્યું.
 
માનવતા માટે, અફઘાનોને છોડી દો'
 
 
હું વિદેશની સરકારો પાસે, સૌ પાસે એ માગ કરું છું કે તાલિબાનને અફઘાનિસ્તાનમાં સરકારના રૂપે માન્યતા ન આપે. જો એમણે આવું કર્યું તો ચોક્કસથી અમે મરી જઈશું. કદાચ મૃત્યુથી પણ બદતર, કોને ખબર?
 
પણ જે શહેરને હું પ્રેમ કરું છું એનો કબજો કરી લેવાય અને એને જોવાથી વધારે ખરાબ શું હોઈ શકે- હું ભાવુક થવા નથી માગતી, પણ સૌથી વધુ દુઃખ એ આપે છે કે આખું વિશ્વ ચુપ છે. બધેબધા એકદમ મૌન.
 
અને જે લોકોને દરકાર નથી, તેઓ એવી રીતે વર્તી રહ્યા છે, દર્શાવી રહ્યા છે કે જાણે અફઘાન માણસ જ નથી. અને એ જોઈને મારું દિલ તૂટી જાય છે.
 
એવું કહેવાય છે કે - સૌ માટે માનવતા. પણ મને લાગે છે કે કદાચ એવું હોવું જોઈએ- "માનવતા સૌ માટે- અફઘાનોને છોડીને."
 
વિચાર્યું નહોતું કે જીવનમાં ક્યારેય આવી ક્ષણ પણ જોવી પડશે.
 
આ દર્દનાક છે કે કેટલાક દિવસો પહેલાં મેં જે સપનાં જોયાં હતાં, વિચાર્યું હતું કે એ બધું મારી પાસે હશે, જે હવે બધું ખતમ થઈ ગયું છે.
 
(લેખકની સુરક્ષા માટે એમનું નામ જાહેર નથી કરાયું.)