બાંગ્લાદેશમાં ફરી એક વખત હિંસા ભડકી છે. દેશનાં પૂર્વ વડાં પ્રધાન શેખ હસીનાના વિરોધીઓએ બુધવાર રાત્રે તેમના પિતા શેખ મુજીબુર્રહેમાનનું ઢાકા ખાતે આવેલું ઘર ફૂંકી માર્યું હતું. આ હિંસા ભારતમાં ઉપસ્થિત શેખ હસીનાના એક ઑનલાઇન કાર્યક્રમ પહેલાં જ થઈ. બાંગ્લાદેશના પ્રમુખ અખબાર ધ ડેઇલી સ્ટારે લખ્યું છે કે 'સોશિયલ મીડિયા પર વાઇરલ પોસ્ટ મુજબ શેખ હસીનાની બાંગ્લાદેશની વિરોધી ગતિવિધિઓને કારણે આવું કરવામાં આવ્યું.' શેખ હસીનાના વિરોધીઓનું કહેવું છે કે શેખ હસીના ભારતમાં રહીને દેશવિરોધી પ્રવૃત્તિઓ કરી રહ્યાં છે. શેખ હસીનાએ તેમના પિતાના ઘરને સળગાવવાની ઘટનાની પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું છે કે કેટલાક બુલડોઝરોથી દેશની આઝાદીનો ખાત્મો નહીં કરી શકે. તેઓ એક ઇમારતને ધ્વસ્ત કરી શકે છે પરંતુ ઇતિહાસને નહીં. બીજી તરફ બાંગ્લાદેશની વચગાળાની સરકારના 100 દિવસ પૂર્ણ થવા પર સરકારના પ્રમુખ સલાહકાર મોહમ્મદ યુનૂસે કહ્યું છે કે તેઓ ઇચ્છે છે કે શેખ હસીનાને બાંગ્લાદેશ લાવવામાં આવે.