રાષ્ટ્રપતિ ટ્રમ્પે જાહેરાત કરી કે 4 માર્ચથી કેનેડા, મેક્સિકો અને ચીન પર ફરીથી ટેરિફ લાદવામાં આવશે
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડા અને મેક્સિકોથી આવતા ડ્રગ્સ પર પ્રતિબંધ મૂકવા માટે 4 માર્ચથી ફરીથી ટેરિફ લાદવાની ધમકી આપી છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે ચીન પર અમેરિકા દ્વારા વધુ દસ ટકા ટેરિફ ઝીંકવામાં આવશે. ચીન પર પહેલેથી જે ટેરિફ છે તે ઉપરાંત દસ ટકા ટેરિફ નાખવામાં આવશે. આ જાહેરાત કરીને ટ્રમ્પે ટેરિફ વૉરને આગળ વધાર્યું છે.
આ મહિનાની શરૂઆતમાં પણ અમેરિકા દ્વારા ચીન પર ટેરિફ નાખવામાં આવી હતી, જેના કારણે માલ પર ઓછામાં ઓછા દસ ટકા ટૅક્સ લાગે છે. ગુરુવારે ટ્રમ્પે કહ્યું હતું કે તેઓ કૅનેડા અને મૅક્સિકો પર 25 ટકા ટેરિફ ઝીંકવાના પ્લાનમાં આગળ વધવાના છે. 4 માર્ચથી આ ટેરિફ લાગુ પડશે.
મૅક્સિકો અને કૅનેડાના અધિકારીઓ વોશિંગ્ટનમાં મંત્રણા માટે આવ્યા હતા ત્યારે જ ટ્રમ્પે આ જાહેરાત કરી છે.
ટ્રમ્પે કહ્યું હતું કે આ બંને દેશો પોતાની બૉર્ડર સિક્યૉરિટીને ચુસ્ત નહીં બનાવે તો તેમના પર ટેરિફ લાદવામાં આવશે.
ટ્રમ્પે ટેરિફ નાખવા માટે લગભગ એક મહિના સુધી રાહ જોઈ, ત્યાર બાદ બંને દેશો બૉર્ડર ફંડિંગ વધારવા માટે સહમત થયા હતા. જોકે, ટ્રમ્પે સોશિયલ મીડિયા પર જણાવ્યું કે તેમને લાગે છે કે યુએસમાં કેફી પદાર્થની ઘૂસણખોરી રોકવા માટે પૂરતાં પગલાં લેવાયાં હોય એવું તેમને નથી લાગતું.