1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: શનિવાર, 31 માર્ચ 2012 (16:49 IST)

પાકિસ્તાન ન માન્યુ તો અમેરિકા ભારત પાસે મદદ માંગશે

P.R
નાટોએ નવેમ્બર 2011માં પાકિસ્તાનના 24 સૈનિકોને એક હુમલામાં મારી નાખ્યા બાદ પાકિસ્તાને બંધ કરી દીધેલી નાટોની અફઘાનિસ્તાનની સપ્લાય લાઈનને ફરી ન ખોલી તો અમેરિકા ભારત પાસે આ અંગે મદદ માંગી શકે છે તેવો દાવો પાકિસ્તાનના એક ટોચના અખબારે કર્યો હતો.

પાકિસ્તાની અખબાર ધ ડોને જણાવ્યું હતું કે અમેરિકા અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો અંગેની પાર્લામેન્ટરી ભલામણોને આખરી સ્વરૂપ આપવામાં થઈ રહેલા વિલંબને કારણે વોશિંગ્ટનમાં દ્વિધાભરી સ્થિતિ ઉભી થઈ છે જેના કારણે પાકિસ્તાન સાથેના સંબંધો કઈ રીતે સુધારવા તે અંગે ઓબામા વહીવટીતંત્ર નિર્ણય લઈ શકતું નથી.

વ્હાઈટ હાઉસ અને અમેરિકાનું વિદેશ મંત્રાલય પાકિસ્તાન સાથેના સંબંધના રિવ્યૂ કરવામાં ધીરજપૂર્વક રાહ જોવાની નીતિ અખત્યાર કરી રહ્યા છે ત્યારે અમેરિકાના ટોચના લશ્કરી અધિકારીએ જણાવ્યું હતું કે નાટોની સપ્લાય ચેઈન માટે અમેરિકા ભારત પર પણ આધાર રાખી શકે છે.

અમેરિકાના લશ્કરના લોજિસ્ટિક અને ઈન્સ્ટોલેશન શાખાના અધિકારી લેફ્ટનન્ટ જનરલ ફ્રેંક પેન્ટરે જણાવ્યું હતું કે જો પાકિસ્તાન સાથે આ બાબતે સહમતી ન સધાઈ શકી તો અમારે અફઘાનિસ્તાન સ્થિત સૈન્યને માલસામાન પહોંચાડવા ભારત અને નોર્ધન ડિસ્ટ્રિબ્યુશન નેટવર્ક પર જ નિર્ભર રહેવું પડશે. અમેરિકાની કોંગ્રેસમાં આ લશ્કરી અધિકારીએ જણાવ્યું હતું કે આ બંને દરખાસ્ત મોંઘી તેમજ વ્યૂહ રચવા માટે અઘરી છે.

વળી, અન્ય એક લશ્કરી અધિકારીએ જણાવ્યું હતું કે જો પાકિસ્તાનમાંથી પસાર થતો સપ્લાય રૂટ શરૂ ન થયો તો 2014 સુધીમાં અફઘાનિસ્તાનમાંથી નાટોનું લશ્કર હટાવી લેવાની યોજના લંબાઈ શકે છે.