બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 17 ઑક્ટોબર 2016 (07:03 IST)

પાકિસ્તાન આતંકવાદની જન્મભૂમિ છે - મોદી

ગોવામાં ચાલી રહેલી બ્રિક્સ શિખરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે આતંકવાદની સામે જોરદાર વલણ અપનાવ્યું હતું અને બ્રિક્સના મંચથી પાકિસ્તાન પર સીધા પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે, પાકિસ્તાન આતંકવાદની જન્મભૂમિ છે. બ્રાઝિલ, રશિયા, ચીન અને દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપ્રમુખોની સાથે આજે થયેલી બેઠકમાં મોદીએ આતંકવાદને લઇને શરૃઆતથી લઇને છેલ્લે સુધી પાકિસ્તાનને ચારેબાજુથી ઘેરવાના પ્રયાસ કર્યા હતા. મોદીએ આતંકવાદને સમગ્ર દુનિયાની સામે ખતરો તરીકે ગણાવીને તેની સામે કઠોર લડાઈ લડવા માટે અપીલ કરી હતી. મોદીએ સાફ શબ્દોમાં કહ્યું હતું કે, ત્રાસવાદ પર પસંદગીનું વલણ હવે ચાલશે નહીં. બ્રિક્સ કાર્યક્રમની પૂર્ણાહૂતિમાં એક સંયુક્ત ઘોષણાપત્ર જારી કરવામાં આવ્યું હતુ જેમાં આતંકવાદની સામે સંયુક્ત લડાઈની બાબત પર સહમતિ દર્શાવવામાં આવી છે.


 સંમેલનની શરૃઆતમાં મોદીએ આતંકવાદ ઉપર બોલતા કહ્યું હતું કે, ત્રાસવાદના વધતા જતા નેટવર્કના કારણે મધ્ય-પૂર્વ, પૂર્વ, પશ્ચિમ-એશિયા, યુરોપ અને દક્ષિણ-એશિયા માટે ખતરો ઉભો થઇ ગયો છે. આર્થિક સમૃદ્ધિ માટે ત્રાસવાદ સૌથી મોટા ખતરા તરીકે છે. કમનસીબ બાબત એ છે કે, તેના માટે મદરશીપ એક જ છે અને જે ભારતના પડોશમાં છે. સમગ્ર દુનિયાના ટેરર મોડ્યુઅલના સંબંધ આ દેશ સાથે જોડાયેલા છે. આ દેશ માત્ર ત્રાસવાદને જ પ્રોત્સાહન આપી રહ્યું નથી બલ્કે ત્રાસવાદીઓને આશરો પણ આપે છે. સાથે સાથે તેની વિચારધારાને પણ પ્રોત્સાહન આપે છે. તેની વિચારધારા છે કે, રાજકીય ફાયદા માટે આતંકવાદનો ઉપયોગ કરી લેવામાં કોઇ ખરાબી નથી. આ વિચારધારાને અમે વખોડી કાઢીએ છીએ. મોદીએ સાફ શબ્દોમાં કહ્યું હતું કે, બ્રિક્સ દેશોને ત્રાસવાદની સામે મજબૂતી સાથે ઉભા રહેવાની જરૃર છે. કાર્યવાહી પણ કરવાની જરૃર છે. મોદીએ એમ પણ કહ્યું હતું કે, બ્રિક્સ દેશોને સીસીઆઈટીને વહેલી તકે સ્વિકાર કરી લેવાની જરૃર છે. આનાથી આતંકવાદ સામે પારસ્પરિક સહકારને વધારો મળશે. મોડેથી પ્લેનરી સેશનમાં પણ મોદીએ ત્રાસવાદીનો મુદ્દો જ ઉઠાવ્યો હતો. મોદીએ કહ્યું હતું કે, વર્તમાન સ્થિતિમાં આતંકવાદના સ્વરુપને ખુબ જ ખતરનાક તરીકે જોવામાં આવે છે. તેની સીધી અસર વિકાસ ઉપર થઇ છે. વિકાસ અને આર્થિક પ્રગતિને નુકસાન થયું છે. મોદીએ કહ્યું હતું કે, સુરક્ષા અને કાઉન્ટર ટેરેરિઝમના ક્ષેત્રમાં પારસ્પરિક સહકાર જરૃરી છે. આતંકવાદની સામે અમને એકલા અને સાથે મળીને ઉભા થઇ જવાની જરૃર છે. ત્રાસવાદીઓ અને ત્રાસવાદી સંગઠનો સામે પસંદગીનું વલણ નિરર્થક છે. નુકસાનકારક પણ છે. મોદીએ કહ્યું હતું કે, બ્રિક્સ શાંતિ, ફેરફાર અને ઉદ્દેશ્યપૂર્ણ ગતિવિધિની દિશામાં એક અવાજ તરીકે છે. ચીન આતંકવાદના મુદ્દા ઉપર પાકિસ્તાનને સીધીરીતે કોઇ ટિપ્પણી કરવાથી બચતુ રહ્યું છે. રશિયાએ પણ હાલમાં જ પાકિસ્તાન સાથે લશ્કરી અભ્યાસ કરીને તમામને ચોંકાવી દીધા હતા. ભારતે આની સામે વાંધો ઉઠાવ્યો હતો. ભારતના પ્રયાસ આતંરરાષ્ટ્રીય સ્તર પર પાકિસ્તાનને અલગ કરી દેવાના છે. આવી સ્થિતિમાં રશિયા અને ચીનનું વલણ મદદરુપ થઇ શકે છે