બ્લાસ્ટ બાદ શિવરાજ પર વિપક્ષનો વાર  
                                          શિવરાજનાં રાજીનામાની માંગ
                                       
                  
				  				   
				   
                  વિપક્ષી પાર્ટીઓએ શનિવારે યુપીએ સરકાર પર આતંકવાદનો સામનો કરવામાં નિષ્ફળ રહેવાનો આરોપ લગાવ્યો હતો. ભાજપે ગૃહમંત્રી શિવરાજ પાટીલનાં રાજીનામાની માંગ કરી હતી. જ્યારે યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધીએ આરોપીઓને જલ્દીથી પકડી લેવા જણાવ્યું હતું. ભાજપનાં વરિષ્ઠ નેતા વી કે મલ્હોત્રાએ કહ્યું હતું કે વિસ્ફોટની તાજી ઘટનાએ રાષ્ટ્રીય રાજધાનીને હચમચાવી દીધી છે. દેશમાં સતત થઈ રહેલી આતંકવાદી ઘટનાઓ બાદ ગૃહમંત્રીને પોતાના પદ પર રહેવાનો કોઈ અધિકાર નથી.સરકારની આલોચના કરતાં ઓલ ઈન્ડીયા ફોરવર્ડ બ્લોકે કહ્યું હતું કે સરકાર આતંકવાદીઓ વિરૂધ્ધ કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહી છે. પાર્ટીએ કહ્યું હતું કે એક તરફ સરકાર અમેરિકાની સાથે રણનીતિજ્ઞ ભાગીદારીમાં વ્યસ્ત છે, તો બીજી બાજુ આતંકવાદી ઘટનાઓને કારણે સમગ્ર દેશ સળગી રહ્યો છે. ભાજપનાં નેતા લાલકૃષ્ણ અડવાણીએ વિસ્ફોટ માટે કેન્દ્ર સરકારની અક્ષમતાને જવાબદાર ગણાવી હતી. તેમણે જણાવ્યું હતું કે દિલ્હીમાં 15 દિવસમાં બીજી વખત બ્લાસ્ટ થવાથી સાબિત થાય છે કે આતંકવાદીઓનાં ઈરાદા અને તેમનું નેટવર્ક કેટલું મજબુત છે. તેમજ જ્યારે ગૃહમંત્રીને દિલ્હીમાં વિસ્ફોટ થશે તેવી જાણકારી આપવામાં આવે છે, તે એમ કહે છે કે આ તો થવાનું જ હતું અને થતું રહે છે.