મને કોંગ્રેસે 10 પૈસે, 1 રુપિયે તથા નરેન્દ્ર મોદીએ 15 રુપિયે જમીન આપી છેઃ અદાણી

adani
Last Modified સોમવાર, 28 એપ્રિલ 2014 (12:41 IST)

અદાણી ગ્રુપના ચૅરમૅન ગૌતમ અદાણીએ કહ્યું કે ચીમનભાઈ પટેલે ૧૦ પૈસાના ભાવે એક ચોરસ મીટર જમીન આપી હતી, જ્યારે કેશુભાઈ પટેલે એક રૂપિયાનો અને શંકરસિંહ વાઘેલાએ દોઢ રૂપિયાનો ભાવ લીધો હતો : આ સોદા ૧૫થી ૨૦ વર્ષ પહેલાં થયા હતા : નરેન્દ્ર મોદીએ ૧૫ રૂપિયાનો ચાર્જ લગાવ્યો હતો.

લોકસભાની ચૂંટણીમાં ગાંધીપરિવાર, અને અન્ય રાજકીય પાર્ટીઓ તરફથી થઈ રહેલા હુમલાના પગલે ગઈ કાલે અદાણી ગ્રુપના ચૅરમૅન ગૌતમ અદાણીએ સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે નરેન્દ્ર મોદીએ અમને કોઈ સ્પેશ્યલ ફેવર કરી નથી.

રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો હતો કે નરેન્દ્ર મોદીએ ટૉફીના ભાવે અદાણીને જમીન આપી છે, જ્યારે અરવિંદ કેજરીવાલે પણ આરોપ મૂક્યો હતો કે મોદીને અદાણી તથા રિલાયન્સ ગ્રુપના ચૅરમૅન મુકેશ અંબાણી સાથે સાઠગાંઠ છે.

એક મુલાકાતમાં તેમણે કહ્યું હતું કે ‘અમારા ગ્રુપને નરેન્દ્ર મોદીએ કોઈ સ્પેશ્યલ ફેવર કરી નથી. ૧૯૯૩થી અમે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ માટે બન્જર જમીન લઈ રહ્યા છીએ. ખેડૂતો પાસેથી એક પણ ઇંચ જમીન લેવામાં આવી નથી. જ્યારે કોઈ કચ્છ તરફ નજર પણ નાખતું નહોતું ત્યારે અમે ત્યાં જઈને રેતાળ અને કંઈ પાકતું ન હોય એવી જમીન ખરીદતા હતા. આ જમીન ખેતીલાયક નહોતી. ૧૯૯૩માં એ સમયના ચીફ મિનિસ્ટર ચીમનભાઈ પટેલે અમને ૧૦ પૈસા પ્રતિ સ્ક્વેર મીટરના ભાવે જમીન આપી હતી. ૧૯૯૫માં તત્કાલીન કેશુભાઈ પટેલની સરકારે અમને એક રૂપિયો પ્રતિ સ્ક્વેર મીટરના ભાવે જમીન આપી હતી. એ પછી ૧૯૯૬-’૯૭માં શંકરસિંહ વાઘેલાના નેતૃત્વવાળી રાષ્ટ્રીય જનતા પાર્ટીની સરકારે અમને ૧.૫૦ રૂપિયા પ્રતિ સ્ક્વેર મીટરના ભાવે જમીન આપી હતી. નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકાર પાસેથી અમે ૫૦૦૦ એકર જમીન મેળવી હતી અને એ માટે સરકારે પ્રતિ સ્ક્વેર મીટરનો ભાવ ૧૫ રૂપિયા લીધો હતો.’

૫૧ વર્ષના ગૌતમ અદાણીએ કહ્યું હતું કે ‘અમે કુલ ૧૫,૯૪૬ એકર જમીન મેળવી છે અને નરેન્દ્ર મોદીની સરકાર પાસેથી માત્ર એક-તૃતીયાંશ જમીન જ લેવામાં આવી છે. હું રાજકીય આરોપ અને પ્રત્યારોપમાં પડવા માગતો નથી, પણ જે ચીજો રજૂ કરવામાં આવી રહી છે એ તથ્યોથી અલગ છે. ૨૦૦૧માં નરેન્દ્ર મોદી ચીફ મિનિસ્ટર બન્યા હતા. ૨૦૦૬માં UPA સરકારની SEZ (સ્પેશ્યલ ઇકૉનૉમિક ઝોન) નીતિ હેઠળ અમને SEZ બનાવવા માટે ૧૦,૦૦૦ એકર જમીનની જરૂર હતી, પણ મોદી સરકારે અમને માત્ર ૫૦૦૦ એકર જમીન આપી હતી. ૨૦ વર્ષ પહેલાં અમને જે જમીન આપવામાં આવી હતી એ બિનઉપયોગી હતી અને ખેતીલાયક નહોતી. એના પર અમે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બાંધ્યું અને રોડ તથા વીજળી જેવી સગવડો ઊભી કરી. આજે લોકો એને આજના ભાવ સાથે સરખાવે છે. અમે રાજસ્થાન, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, ઓડિશા અને હરિયાણામાં પણ અમારા પ્રોજેક્ટ માટે સરકારો પાસેથી જમીન મેળવીએ છીએ.’આ પણ વાંચો :