મોંઘવારી ભ્રષ્ટાચારના વિરોધમાં આજે ભારત બંધ

વેબ દુનિયા| Last Modified મંગળવાર, 28 ફેબ્રુઆરી 2012 (10:17 IST)

P.R
પહેલી વાર વૈચારિક મતભેદો બાજુએ રાખીને સરકારના કામદારવિરોધી ધોરણ, વધેલી મોંઘવારી, બેરોજગારી, પ્રાઇવેટાઇઝેશન, અને કૌભાંડોના વિરોધમાં આજે દેશવ્યાપી હડતાળનું એલાન કરાયું છે. જેમાં જીવનજરૂરી સર્વિસ સામેલ નહીં કરાય તેમજ નૅશનલાઇઝ્ડ બૅન્કો બંધ પણ એટીએમ ખુલ્લાં રહેશે જ્યારે રિક્ષા, ટૅક્સી અને બેસ્ટની બસો ચાલુ રહેશે.

કેન્દ્ર સરકારના કામદારવિરોધી ધોરણ, વધતી જતી મોંઘવારી, બેરોજગારી, સરકારી એકમોનું પ્રાઇવેટાઇઝેશન, ભ્રષ્ટાચાર અને વિવિધ કૌભાંડોના વિરોધમાં પહેલી વાર રાજકીય પક્ષોના સીમાડા તોડીને આજે યોજાયેલા દેશવ્યાપી એક દિવસીય ઔદ્યોગિક બંધમાં જીવનજરૂરી આવશ્યક સર્વિસોને બાકાત રાખવામાં આવી છે. દૂધ, પાણી, વીજળી, અગ્નિશમન અને હૉસ્પિટલ સર્વિસને સ્ટ્રાઇકમાંથી બાકાત રાખવામાં આવતાં લોકોને હાડમારી ઓછી ભોગવવી પડશે. અનેક કૉલેજોએ આજે યોજાનારી પરીક્ષા હવે પરીક્ષા પૂરી થયા બાદ છેલ્લે લેવાની જાહેરાત કરી દીધી છે.
શિવસેનાએ આ બંધને ટેકો આપ્યો છે; પણ મુંબઈમાં ટૅક્સી, રિક્ષા, બેસ્ટની બસસર્વિસ અને ટ્રેનસર્વિસ નૉર્મલ રહે એવી શક્યતા છે. આ સર્વિસનાં યુનિયનોએ બંધને નૈતિક ટેકો આપ્યો છે, પણ જણાવ્યું છે કે જાહેર પરિવહનની આ સર્વિસને લોકો માટે ચાલુ રાખવામાં આવશે. ગઈ કાલે મધરાતથી આ બંધની શરૂઆત થઈ છે.

બંધમાં બૅન્કોના ૮ લાખ કર્મચારીઓધી ઑલ ઇન્ડિયા બૅન્ક એમ્પ્લૉઇઝ અસોસિએશને નક્કી કર્યું છે કે તેઓ આજના બંધને સર્પોટ આપશે. આઠ લાખ બૅન્ક-કર્મચારીઓ આ બંધમાં જોડાશે જેને કારણે નૅશનલાઇઝ્ડ બૅન્કોના રોજિંદા કામ ચેક-ક્લિયરિંગ, ડિમાન્ડ ડ્રાફ્ટ અને રોજનાં અન્ય ટ્રાન્ઝૅક્શન્સને અસર થશે. જોકે લોકો એટીએમ (ઑટોમેટેડ ટેલર મશીન)ની સુવિધાનો ઉપયોગ કરી શકશે. આ વિશે ઑલ ઇન્ડિયા બૅન્ક ઑફિસર્સ અસોસિએશનના જનરલ સેક્રેટરી એસ. નાગરાજને કહ્યું હતું કે ‘આ સ્ટ્રાઇક સરકારના પ્રાઇવેટાઇઝેશન અને ઉદારીકરણની પૉલિસીની વિરુદ્ધમાં છે.’


આ પણ વાંચો :