મંગળવાર, 30 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: અમદાવાદ: , બુધવાર, 13 જાન્યુઆરી 2016 (15:55 IST)

આવતીકાલે આખ્ખું અમદાવાદ ઉત્તરાયણની મજા લૂંટવા ધાબે ચઢશે

આવતીકાલે આખ્ખું અમદાવાદ ઉત્તરાયણની મજા લૂંટવા ધાબે ચઢશે. શહેરનું આકાશ રંગબિરંગી પતંગોથી છવાઈ જશે અને પતંગશોખીનોની ‘કાઈપો છે’ની બુમોથી ગાજી ઊઠશે પરંતુ છેલ્લા કેટલાક વર્ષથી પવન પતંગ ચગાવવાની મજામાં ‘વિલન’ બનતો આવ્યો છે. આ વખતે હવામાન વિભાગ દ્વારા પવન અનુકૂળ રહેશે તેવી આગાહી કરી છે. જેના કારણે ઉત્તરાયણમાં હવામાન વિભાગની આગામી મુજબ પવન અનુકૂળ રહે તેવી પતંગરસિયાઓને આશા છે.

છેલ્લા કેટલાક વર્ષના ઉત્તરાયણના પવન અંગેની હવામાન વિભાગની આગાહીના પતંગ શોખીનોને કડવા અનુભવ રહ્યા છે. જો હવામાન વિભાગ કહે કે, પવન અનુકૂળ રહેશે તો પતંગ રસિયાઓના ઉત્તરાયણ-વાસી ઉત્તરાયણના દિવસે હાથના બાવડા ઠુમકા મારી મારીને દુઃખી જાય છે.

આડા દિવસોમાં પવન સડસડાટ વાતો હોય છે, પરંતુ દશેરાના દિવસો ઘોડું ન દોડે તેમ ઉત્તરાયણના દિવસે જ પવન પડી જાય છે. હવામાન વિભાગ પણ સારા પવનની આગાહી કરીને ભોઠું પડે છે. સ્થાનિક હવામાન વિભાગની કચેરીના હવામાન શાસ્ત્રી મનોરમા મોહંતી કહે છે, “આવતીકાલના ઉત્તરાયણના દિવસે પતંગ રસિયાઓને ઉત્તર પશ્ચિમથી ઉત્તરની દિશા ધરાવતો આશરે પ્રતિકલાક ૧૦થી ૨૦ કિમીની ઝડપ ધરાવતો પવન મળશે. જ્યારે વાસી ઉત્તરાયણના દિવસે પવનની ગતિ ઉત્તર પૂર્વથી ઉત્તરની રહેશે. વાસી ઉત્તરાયણએ પણ પતંગ રસિયાઓને પ્રતિ કલાક ૧૦થી ૨૦ કિમીની ઝડપ ધરાવતો પવનનો લાભ મળશે.”