ગુજરાતની વિજ કંપની અગ્રેસર
ગતિશીલ ગુજરાતે ઊર્જા ક્ષેત્ર હેઠળ અનેક સિદ્ધીઓ મેળવી દેશમાં શિરમોર સ્થાન પ્રાપ્ત કર્યુ છે.કેન્દ્રના ઊર્જા મંત્રાલય દ્વારા પ્રકાશિત સ્ટેટ ડિસ્ટ્રીબ્યુશન યુટીલીટી ફોર એન્યુઅલ ઈન્ટીગ્રેટેડ રેટીંગ પુસ્તિકામાં જાહેર કરાયા મુજબ, દેશભરની વિવિધ વીજ વિતરણ કંપનીના મુલ્યાંકનમાં ગુજરાતની ચારેય વીજ કંપનીઓ પ્રથમ ચાર સ્થાને આવેલી છે.
જે ગુજરાત માટે એક ગૌરવની વાત કહી શકાય. ગુજરાતની કંપની સિવાય કોઈપણ રાજ્યની કંપનીઓને એ-પ્લસ રેટીંગ મળ્યુ નથી. આ અંગે રાજ્યના ઊર્જા મંત્રી સૌરભ પટેલે જણાવ્યુ હતું કે, આ રેટીંગથી વીજ વિતરણ ક્ષેત્રે ઊર્જાવાન કામગીરી દ્વારા ગતિશીલ ગુજરાતે ફરી એકવખત પોતાની શ્રેષ્ઠતા સાબિત કરી છે.
કેન્દ્રના ઉર્જા મંત્રાલય દ્વારા છેલ્લા ચાર વર્ષથી દેશની વીજ વિતરણ કંપનીઓની આર્થિક સ્થિતિ અને કાર્યક્ષમતાનું મુલ્યાંકન કરીને રેટીંગ આપવામાં આવ્યો હતો. આ મુલ્યાંકન પદ્ધતિમાં ૮૦થી ૧૦૦ની વચ્ચે ગુણ મેળવનાર વિજ વિતરણ કંપનીને એ પ્લસ રેટીંગ આપવામાં આવે છે. જ્યારે ૬૦થી ૮૦ વચ્ચે ગુણ મેળવનાર કંપનીઓને એ રેટીંગ આપવામાં આવે છે.
આ બાબતે વધુમાં ઉમેરતા સૌરભ ભાઈ પટેલે જણાવ્યુ હતું કે, વર્ષ ૨૦૧૩માં કેન્દ્રની યુપીએ સરકારના શાસન સમયે કુલ ૩૯ વીજ કંપનીમાંથી માત્ર ચાર જ વીજ વિતરણ કંપનીને એ પ્લસ રેટીંગ મળ્યુ હતું અને એ પ્લસ રેટીંગ સાથે પ્રથમ ચાર સ્થાન મેળવનાર ચારેય વીજ વીતરણ કંપનીઓ ગુજરાતની હતી. તથા વર્ષ ૨૦૧૪માં પણ ગુજરાતની ચારેય કંપનીઓ પ્રથમ રહી હતી અને આ સિદ્ધીઓની આગેકૂચમાં સતત ત્રીજી વખત એટલે કે વર્ષ ૨૦૧૫માં દેશની કુલ ૪૦ વીજ કંપનીઓમાં પણ ગુજરાતની ચારેય વીજ કંપનીઓએ એ પ્લસ રેટીંગ પ્રાપ્ત કર્યો છે.