ગુજરાત વિઘાનસભા ગૃહમાંથી કોંગ્રેસના સભ્યોને ખેંચી ખેંચીને બહાર કઢાયા
વિધાનસભાગૃહમાં આજે દલિત અત્યાચારના મુદ્દે ચર્ચા પૂર્ણ થયા બાદ કોંગ્રેસના તમામ વિધાનસભ્યોએ સૂત્રોચ્ચાર શરૂ કર્યા હતા. અત્યાચારી જનરલ ડાયર કોણ અમિત શાહ? જેવા સૂત્રો લખેલાં બેનર પહેરીને ગૃહના કામકાજને ખલેલ કરવાનું શરૂ કર્યું હતું. પત્રિકાઓ-બંગડીઓ વગેરે ગૃહની વેલમાં ફેંકવાનું શરૂ કરાતાં અધ્યક્ષ રમણલાલ વોરાએ ગૃહના કામકાજમાં વિક્ષેપ કરવા બદલ તમામ કોંગ્રેસના ધારાસભ્યોને આજના દિવસ માટે સસ્પેન્ડ કર્યા હતા. છેલ્લી મિનિટ સુધી સૂત્રોચ્ચાર ચાલુ રાખતાં પત્રિકાઓ અન્ય સભ્યો પર ફેંકતાં વિપક્ષી ધારાસભ્યોને એક પછી એક ટીંગાટોળી કરી ગૃહની બહાર લઇ જવાયા હતા.
વિધાનસભાના અધ્યક્ષ રમણલાલ વોરાએ જણાવ્યું હતું કે આ ઘટનાની મને ખૂબ વેદના છે. તમે ર૪ કલાકમાં જ મને આપેલી ખાતરી ભૂલી ગયા છો. આજનું કૃત્ય જાણીજોઈને કરાયેલું છે, પૂર્વ આયોજિત છે. સરકારે લીધેલાં પગલાં અંગે ગૃહરાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ વિધાનસભાગૃહમાં આ બાબતે જણાવ્યું હતું કે સરકારે પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો એટલે દલિતોની સભા શાંતિપૂર્વક પૂર્ણ થઇ હતી. રેલીમાંથી પરત ફરતા માણસોના રક્ષણ માટે સુરક્ષિત કાર્યવાહી અર્થે પોલીસને તોફાની ટોળાને કાબૂમાં લેવા ૬ રાઉન્ડ ગોળીબાર, પ૧ ટિયરગેસના શેલ છોડવાની ફરજ પડી હતી. તોફાનોમાં ડીવાયએસપી, પીઆઇ, કોન્સ્ટેબલ, એસઆરપી સહિત કુલ સાત પોલીસકર્મીને ઇજા થઇ હતી. સરકારે સિટની રચના કરી છે. અસરગ્રસ્ત પરિવારોને જમીન અપાઈ છે અને મુખ્યપ્રધાનના ફંડમાંથી વધુ બે લાખની સહાય પણ કરાઈ છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આજે ગૃહને આશ્વાસન આપ્યું હતું કે, ‘દલિતોની રક્ષા કરવી અને તેની લાગણીઓને સન્માન મળે, તેમનું સમાજમાં આદરપૂર્વકનું સ્થાન જળવાઇ રહે તે જોવાની હું ખાતરી આપું છું.’