પાટીદાર આંદોલન - જામીન માટે રાહ જુઓ
પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર અને રાજદ્રોહ કેસના આરોપી એવા દિનેશ, કેતન અને ચિરાગને આજે અમદાવાદની સેશન્સ કોર્ટમાં રજુ કરાયા હતા. જેમાં દિનેશ અને ચિરાગ પટેલે વ્યવસાય અર્થે બહાર જવાનુ હોવાથી જામીનની શરતોમાં છુટછાટ આપવા માટે કરેલી અરજીને કોર્ટે ફગાવી દીધી હતી. તો બીજીબાજુ સતત બીજી વખત સુરત પોલીસ તરફથી જાપ્તો નહીં મળતા સુરતની લાજપોર જેલમાં બંધ પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલને આજે કોર્ટમાં રજુ કરી શકાયો નહતો. આજે આનંદીબેન સુરતમાં હોવાથી પોલીસ સુરક્ષા વ્યવસ્થામાં વ્યસ્ત હતી.
જેથી હાર્દિકનો જાપ્તો અમદાવાદ પોલીસને સોંપી શકાયો નહતો. હાર્દિકની ગેરહાજરીમાં કોર્ટમાં હાજર થયેલા દિનેશ કેતન અને ચિરાગ પટેલે વકિલ રોકવા માટે આજે ત્રીજી વખત સમયની માંગ કરી હતી. જેના પગલે કોર્ટે ૧૭ જુન સુધીનો સમય આપ્યો છે. તેમજ હાર્દિક પટેલને ૧૭ જુને કોર્ટમાં રજુ કરવા માટેની તારીખ આપી છે. આ સમગ્ર મામલે વધુ સુનાવણી આગામી ૧૭ જુને હાથ ધરાશે. આ સમયે ચિરાગ, કેતન અને દિનેશને પોતાના વકિલની નિમણૂંક કરીને તેમના નામ કોર્ટને સોંપવા આદેશ કરાયો છે. જોકે, દિનેશ, ચિરાગ પટેલે જામીનની શરતોમાં સુધાર માટે કોર્ટમાં કરેલી અરજીને કોર્ટે ફગાવી દીધી હતી. દિનેશ અને ચિરાગ પટેલે કામ અર્થે બહાર જવાનુ હોવાથી જામીનની શરતોમાં અમદાવાદ નહીં છોડવાની શરતમાં સુધારો કરવા અરજી કરી હતી.
ઉલ્લેખનીય છે કે, આ કેસમાં હાર્દિક, દિનેશ, ચિરાગ અને કેતન પટેલની સામે એકબીજાની મદદથી પૂર્વ આયોજિત કાવતરુ ઘડી રાજ્ય વિરુદ્ધ પ્રવૃત્તિ કરવા મામલે રાજદ્રોહનો કેસ નોંધવામાં આવ્યો છે.