મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: મંગળવાર, 16 ઑગસ્ટ 2016 (15:40 IST)

પ્રમુખ સ્વામી મહારાજના બહેન ગંગાબા હવે મહંત સ્વામીને રાખડી મોકલશે

પ્રમુખ સ્વામી મહારાજના સંસારી નાના બહેન ગંગાબા આણંદમાં રહે છે હવે તેઓ પ્રમુખ સ્વામીના અનુગામી અને નવા વડા મહંતસ્વામીને રાખડી મોકલશે. ગંગાબાએ બાપાને ૧૮ વર્ષની ઉંમર સુધી રાખડી બાંધી હતી. ત્યારબાદ બાપા રાખડી સ્વીકારતા નહીં અને ઘેર પરત મોકલાવી દેતા હતા. પ્રમુખ સ્વામી મહારાજના સંસારી નાના બહેન ગંગાબહેન પટેલની ઉંમર હાલ ૮૬ વર્ષની થઇ હોય તેમનો પરિવાર લીલી વાડી ધરાવે છે. આખો પરિવાર સાથે જ રહે છે. ગંગાબહેને કહ્યું હતું કે, રક્ષાબંધનમાં તે સમયે તો બહેનને ભેટ આપવાનો રિવાજ નહોતો  પણ તેઓ કોઇને કોઇ ભેટ લઇને આવતાં. રાખડી બાંધ્યા પછી એ ભેટમાં ચોકલેટ કે મીઠાઇ મને આપતા હતા.

પ્રમુખ સ્વામી મહારાજે સંસાર છોડી દીધા બાદ ગંગાબાની રાખડી સ્વીકારતા નહીં અને ઘરે પરત મોકલી આપતા. જોકે પરત આવેલી આ રાખડીને પરિવારના સભ્યો બાપાની પ્રસાદી માનીને સાચવી રાખતા. એ રીતે રક્ષાબંધનની ઉજવણી કરતા. હવે ગંગાબાએ બાપ્સના નવનિયુક્ત વડા મહંતસ્વામીને મોટાભાઇ માનીને પોતે હયાત છે ત્યાં સુધી દર વર્ષે તેમને રાખડી મોકલવાનો સુખદ નિર્ણય લીધો છે. તેઓ કહે છે, મહંત સ્વામીમાં બાપાનો જ વાસ છે, તેમને રાખડી મોકલીશ અને મને લાગે છે કે તે પણ રાખડીને પરત મોકલશે. ગંગાબહેન આજે સાળંગપુર પહોંચશે અને સંસાર છોડીને પ્રમુખસ્વામી મહારાજ બની ગયેલા પોતાના મોટા ભાઇના દર્શન કરશે.