મહેસાણામાં છેડતીથી બચવા વિદ્યાર્થિની રિક્ષામાંથી કૂદી ગઈ, માથામાં ગંભીર ઈજા
મહેસાણાની રાધનપુર ચોકડીથી મંગળવારે રિક્ષામાં બેસીને પાંચોટ તરફ જતી વિદ્યાર્થિની રિક્ષા ચાલક સહિત 3 લોકોએ છેડતી કરતાં રિક્ષામાંથી કૂદી પડી હતી. જેના કારણે તેના માથામાં ઈજા પહોંચી હતી. તે ઘટનાસ્થળે જ ઢળી પડી હતી. આ સમયે તે રિક્ષાની પાછળ આવી રહેલા યુવાને રિક્ષાચાલકને ઝડપી પોલીસને હવાલે કર્યો હતો. જ્યારે અન્ય 2 શખ્સો નાસી ગયા હતા. મહેસાણા તાલુકા પોલીસે ઝડપાયેલા સગીરની પૂછપરછ હાથ ધરી છે. પાંચોટ ગામની ધોરણ-9માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની મંગળવારે સાંજના ચારેક વાગે શાળાએથી છૂટીને રાધનપુર ચોકડીથી અન્ય 2 મુસાફરો સાથે પાંચોટ જવા રિક્ષામાં બેઠી હતી. જેમાં બે વ્યક્તિઓ ડી-માર્ટ આવતાં ઉતરી ગયા હતા. જ્યારે નજીક બેઠેલા અન્ય 2 વ્યક્તિએ રિક્ષાચાલક સાથે મળીને છેડતી કરતાં વિદ્યાર્થિનીએ ભયભીત બની મદદ માટે બૂમરાડ મચાવી મૂકી હતી. જેને પગલે અજાણ્યા 2 વ્યક્તિઓ રિક્ષામાંથી ઉતરી ગયા હતા. જ્યારે રિક્ષાચાલકે નજીકના ખેતર તરફ રિક્ષા દોડાવી મૂકી હતી. આથી ચાલુ રિક્ષાએ કૂદી પડેલી વિદ્યાર્થિનીના માથામાં ગંભીર ઇજા થતાં અર્ધબેભાન અવસ્થામાં ઢળી પડી હતી. આ સમયે રિક્ષાની પાછળ બાઇક લઇને આવી રહેલા પાંચોટ ગામના નારણભાઇ દેસાઇએ રિક્ષાચાલકને પકડી પાંચોટ ગામે લઇ જઇ પોલીસને હવાલે કર્યો હતો. જ્યારે ઇજાગ્રસ્ત વિદ્યાર્થિનીને સારવાર માટે મહેસાણા સિવિલમાં ખસેડાઇ હતી.