મંગળવાર, 30 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: વડોદરા , સોમવાર, 29 જૂન 2015 (14:53 IST)

૧૪૮ કિલોથી વધુનો ગાંજાનો જથ્થો કબજે

યુવાધનને નશાના રવાડે ચડાવી ખોખલું કરવાના ઇરાદે પરપ્રાંત ઓરિસ્સાથી નશીલા ગાંજાનો જંગી જથ્થો લઇ પૂરી-અમદાવાદ એકસપ્રેસમાં આવેલા પરપ્રાંતિય બે સગાભાઇ સહિત ત્રિપુટીને રેલવે એસઓજી પોલીસે વહેલી સવારે રંગે હાથ ઝડપી પાડયા હતા. પ્રાથમિક તપાસમાં છ પેકેટમાં પેક કરાયેલા રૂ.૮.૯૦ લાખના કબજે ૧૪૮ કિલોથી વધુનો ગાંજાનો જથ્થો કબજે લઇ પોલીસે વધુ વિગત મેળવવા ત્રિપુટીના રિમાન્ડી તજવીજ આદરી હતી.

ગાંજાના જંગી જથ્થા સાથે પરપ્રાંતિય બંને ભાઇ સહિત ત્રિપુટી ઝડપાઇ હતી. રેલવે એસઓજી પોલીસે એનડીપીએસ એકટ હેઠળ ગુનો નોંધી ત્રિપુટીના રિમાન્ડ ચક્રો તેજ કર્યા હતા. અદાલતમાંથી રિમાન્ડ મળ્યે માદક દ્રવવ્ય ગાંજા અંગે ચોંકાવનારી વિગત બહાર આવવાની શકયતા સેવાઇ રહી છે.પોલીસ સૂત્રોએ જણાવેલી વિગત એવી છે કે પૂરી- અમદાવાદ એકસપ્રેસ ટ્રેન વહેલી સવારે સાડા પાંચ વાગ્યાના સુમારે પ્લેટ ફોર્મ નંબર છ પર આવી હતી.

દરમિયાન રેલવે એસઓજી પોલીસ ઇન્સ્પેકટર એમએન વાઘેલા સહિત સ્ટાફના પોસઇ આરએમપટેલ, એએસઆઇ અરવિંદ અને પ્રભાકર તથા જવાન રાજેન્દ્ર પેસેન્જરોના ચેકિંગમાં હતા. દરમિયાન ત્રિપુટી સંજય શરદચંદ્ર બહેરા તેના ભાઇ તુફાન બહેરા અને સત્યનારાયણ મુની (ત્રણેય રહે. ગંજામ, ઓરિસ્સા)ની વર્તણુંક પોલીસને શંકાસ્પદ જણાઇ હતી. ત્રણેય પાસેના વજનદાર થેલાની તપાસ પોલીસે પ્લેટફોર્મ પર શરૂ કરી હતી. જેથી થેલામાંથી ગાંજાના છ પેકેટ મળ્યા હતા.

જેથી પોલીસે આ અંગે તત્કાળ એફએસએલને જાણ કરી હતી. જેથી ફોરેન્સીક સાયન્સ લેબની આવેલી ટીમે પ્રાથમિક તપાસમાં જ તમામ પેકેટમાં માદક દ્રવ્ય ગાંજો હોવાનું જણાવ્યું હતું. પરિણામે પોલીસે કુલ મળી ૧૪૮ કિલો ૪૦૦ ગ્રામ ગાંજાનો જથ્થો કબજે લઇ ત્રણેયની અલગ અલગ પૂછતાછ શરૂ કરી હતી.

પ્રાથમિક પૂછતાછમાં રૂપિયા ૮.૯૦ લાખનો ગાંજાનો જથ્થો ઓરિસ્સાથી ત્રિપુટી લઇ પૂરી-અમદાવાદ એકસપ્રેસ ટ્રેનમાં નીકળી હતી. ત્રણેયની અંગઝડતી કરતાં ભરૂચ સ્ટેશનની ટિકીટ મળી હતી. જેથી ત્રિપુટી સુરત-ભરૂચ વચ્ચે ઉતરવાની વેતરણમાં હોવાની શકયતા પોલીસ સેવી રહી છે. પરંતુ અગમ્ય કારણે સુરત-ભરૂચ ખાતે ત્રણેય ઉતરી શકયા ન હતા. પરંતુ વડોદરા ઉતરવા જતાં  ત્રણેય જણાં ગાંજાના જંગી જથ્થા સાથે રંગેહાથ ઝડપાઇ ગયા હતા.