શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: શનિવાર, 22 ઑક્ટોબર 2016 (11:44 IST)

છેલ્લા એક વર્ષમાં 11 સિંહ અને 35 દીપડાનું આંતરિક લડાઈમાં મોત નિપજ્યું

ગુજરાતમાં છેલ્લા એક વર્ષ દરમિયાન એટલે કે વર્ષ 2015-16માં 11 સિંહ અને 35 દીપડા એકબીજા સાથે આંતરિક લડાઈમાં મૃત્યુ પામ્યા છે. ગુજરાત વન વિભાગના સર્વે મુજબ ગીર વન્યજીવ અભયારણમાં મોટી સંખ્યામાં સિંહ અને દીપડાના મૃત્યુ થયા છે.ગત 10 વર્ષોમાં 106 સિંહ અને 161 દીપડા ગુજરાતમાં આંતરિક લડાઈમાં મૃત્યુ પામ્યાં હતાં જેની સંખ્યા આ વર્ષે ઘણી વધુ પણ કહી શકાય. બીજી તરફ ગુજરાત રાજ્યમાં સિંહોની સંખ્યા વધી રહી છે. વર્ષ 2005માં 359 સિંહ હતા જ્યારે 5 વર્ષ પછી તેમની સંખ્યા 411 અને 2015માં 27 ટકાના વધારા સાથે સિંહોની સંખ્યા 523 થઈ ગઈ છે. સિંહોની સંખ્યા વધવા સાથે રક્ષિત વન ક્ષેત્ર પણ વધી ગયું છે. રક્ષિત વન ક્ષેત્ર 14,270થી વધીને 14,387 વર્ગ કિ.મી કરી દેવામાં આવ્યું છે. જોકે સિંહોની સંખ્યાની સામે આ ક્ષેત્ર પણ પુરતું નથી. હાલ પણ ઘણા કિસ્સા સામે આવે છે કે સિંહો પોતાના પરિવાર સાથે જંગલથી નીકળી ગ્રામ્ય વિસ્તારોમાં પ્રવેશ કરતા હોય છે.જોકે સિંહો અને દીપડાઓ વચ્ચેની આંતરિક લડાઈનું કારણ એવું પણ માનવામાં આવી રહ્યું છે કે તેમની વધતી સંખ્યા અને તેની સામે ઓછું રક્ષિત ક્ષેત્ર, સિંહો પોતાનો વિસ્તાર નક્કી કરતાં હોય છે અને આ વિસ્તારોમાં અન્ય પ્રાણીનો પ્રવેશ તેઓ સહન કરી શકતા નથી અને આ બાબત આંતરીક લડાઈમાં પરિણમે છે.