1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: બુધવાર, 21 સપ્ટેમ્બર 2016 (14:39 IST)

શહીદ દિકરો દેશને માટે, શહીદી બાદ પરિવારનું શું, જાણો ગુજરાતના એક શહિદના પરિવારની આપવીતી

ઉરી હુમલા મુદ્દે રાજ્ય સહિત દેશભરમાં લોકોમાં રોષ છે. આ મુદ્દે કારગિલ યુદ્ધના શહીદ મુકેશ રાઠોડની પત્ની રાજશ્રીબેને રોષ વ્યક્ત કરતા કહ્યું હતું કે 'સરકાર શાંત જ બેઠી છે એટલે સૈનિકોના પરિવાર અનાથ થાય છે. જવાનો શહીદ થાય છે, સરકાર શું કરે છે ઊંઘે છે ? આ સરકાર આંધળી છે ? રાજશ્રીબેને કહ્યું હતું કે, 'જે જવાનો શહીદ થાય છે તેના પરિવારનું પાછળથી શું થાય છે તે કોઈ વિચારતું નથી. શહીદોને બે દિવસમાં લોકો ભૂલી જાય છે, પણ આખી જિંદગી તેના દીકરા અને ઘરનાને કાઢવાની હોય છે, તે મુશ્કેલ હોય છે.

સરકારે કડક પગલાં લેવા જોઈએ છે, પાકિસ્તાનને બરાબર જવાબ આપવો જોઈએ.' અમદાવાદના મુકેશ રાઠોડ, 28 જૂન, 1999ના રોજ ટાઇગર હિલ ખાતે શહીદ થયા હતા. શહીદની પત્નીને સરકાર દ્વારા 30 વરસના લીઝ પર જમીન ફાળવાઇ છે અને ભારત પેટ્રોલિયમ દ્વારા પેટ્રોલ પંપની ફાળવણી કરવામાં આવી હતી. 14મી જૂન 2001ના રોજ હાઇકોર્ટ નજીક પેટ્રોલ પંપનું ઉદઘાટન શહીદની પત્નીના હસ્તે કરવામાં આવ્યું હતું. અત્યારે પેટ્રોલ પંપનો વહીવટ શહીદના મોટાભાઇ પરેશ રાઠોડ સંભાળે છે. શહીદના નાના ભાઇ દિનેશ પણ પેટ્રોલ પંપના વહીવટમાં મદદરૂપ થાય છે. તેઓ કુલ 5 ભાઇઓ છે. શહીદ મુકેશના માતાએ કહ્યું હતું કે, 'અમે કારગીલના સૈનિકોએ કહ્યું કે અમે જમ્યા વગર અને પાણી વગર રહેતાં હોઈએ છીએ. મારો પુત્ર મુકેશ શહીદ થયો ત્યારે તેની પત્નીના ગર્ભમાં બાળક હતું. મુકેશ અને તેની પત્ની માત્ર ૩ મહિના જ સાથે રહ્યા હતા અને પછી મુકેશ શહીદ થઇ ગયો. હાલ શહીદ મુકેશનો પુત્ર મૃગેશે ધો-10ની પરીક્ષા આપી છે. નાનપણમાં પિતા ક્યાં છે? તેવા મૃગેશના સવાલથી આખો પરિવાર દુઃખી થઈ જતો અને તેને સમજાવતો.  સરકાર કહે છે કે, અમે આ આપ્યું અને તે આપ્યું પણ સરકાર ૫૦ % વચનો પુરા કરે છે. અમે અમારો દીકરો દેશ માટે આપ્યો છે અને એ જ સરકાર જમીન માટે અમારી પાસે પૈસા માંગે છે, મારા બીજા દીકરા ના હોત તો મારા પરિવારનું શું થાત ? કોઈ નેતાઓને પોતાના ખિસ્સામાંથી આપવાનું નહતું છતાં પણ અમારું ખાઈ જવાનું ?'શહીદ મુકેશના પરિવારના આક્ષેપ મુજબ, 'મુકેશ શહીદ થયા બાદ તત્કાલીન મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ મુકેશના પરિવારની મુલાકાત લેવા માટે આવ્યાં ત્યારે તેમને ૨૦૦ વારના પ્લોટ આપવાની જાહેરાત કરી હતી.  જે હજી સુધી નથી મળ્યો.