સોમવાર, 28 ઑક્ટોબર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: મંગળવાર, 8 નવેમ્બર 2016 (17:44 IST)

ગુજરાતના દરિયા કિનારે 80 બોટને જળસીમા ઓળંગતા અટકાવાઈ

ભારતીય જળસીમા નજીક માછીમારી કરતી 8૦ જેટલી ભારતીય માછીમારી બોટના પાસ તંત્રે જપ્ત કર્યા છે. છેલ્લા એક માસ દરમિયાન આ કાર્યવાહી કરવામાં આવી હતી.પોરબંદર સહિત સૌરાષ્ટ્રના માછીમારો હાલના સમયમાં નજીકના દરિયામાં વધારે પડતા દરિયાઈ પ્રદૂષણને લીધે માછલીઓનો જથ્થો મળતો ન હોઈ દૂર સુધી દરિયામાં માછીમારી કરવા જાય છે. ઘણી વાર ભારતીય જળસીમા સુધી માછીમારી કરવા જતા હોય છે. આવી બોટના પાકિસ્તાન મરીન સિકયુરિટી દ્વારા ભારતીય જળસીમામાં ઘૂસી અને અવારનવાર અપહરણ કરવામાં આવે છે. આથી વિવિધ સીકયુરિટી એજન્સીઓ દ્વારા માછીમારોને ભારતીય જળસીમા નજીક માછીમારી કરવા ન જવા સ્પષ્ટ સુચના અપાઈ છે.

આ ઉપરાંત હાલ ઉરીના હુમલા બાદ ભારત પાકિસ્તાન વચ્ચેના તંગ સંબંધોને ધ્યાનમાં લઈને પણ દરિયા કાંઠના વિસ્તારોમાં એલર્ટ જાહેર કરાયેલ છે ત્યારે આ અંગે સુરક્ષા એજન્સીઓએ માછીમારોને પણ ભારતીય જળસીમાંથી ૩૦ નોટીકલ માઈલ દૂર રહીને જ માછીમારી કરવા સુચના આપી હતી તેમ છતાં અનેક બોટ વિવિધ કારણોસર ભારતીય જળસીમા સુધી માછીમારી કરતી હોવાનું હાલમાં કોસ્ટ ગાર્ડ અને નેવી સહિતની સુરક્ષા એજન્સીઓના ધ્યાને આવ્યું હતું. આથી છેલ્લા એક માસમાં જ આ રીતે ભારતીય જળસીમા નજીક માછીમારી કરતી 8૦ માછીમારી બોટના ડોક્યુમેન્ટ્સ સુરક્ષા એજન્સીઓએ જપ્ત કરી અને તમામ બોટને પરત મોકલી આપી છે.