શનિવાર, 30 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: ગુરુવાર, 24 નવેમ્બર 2016 (17:14 IST)

કચરિયાની ઘાણીમાં બળદનું સ્થાન બાઈકે લેતાં આકર્ષણ જમાવ્યું

શિયાળો આવે એટલે લોકો પોતાના ઘરમાં અલગ અલગ પ્રકારના વસાણા બનાવતાં હોય છે. શિયાળામાં ખાસ કરીને તલ ખૂબજ ઉપયોગી ધાન હોવાથી તેની બોલબાલા વધારે રહે છે અને તેનું તેલ તથા કચરીયું લોકોનાં ભારે માંગ ઉત્પન્ન કરે છે. ત્યારે એક સમયે બળદને કચરીયાની ઘાણીમા જોડવામાં આવતું અને બળદ જેમ ગોળ ગોળ ફરે એમ ઘાણીમાં તલ પીસાતા હતા, આ બાબત અનેક લોકોનો રોજગાર પણ બની ગઈ હતી, ખાસ કરીને ગામડાઓમાં આ બાબત વધુ જોવા મળતી હતી, ત્યાર બાદ મશીનો આવ્યાં અને મશીનોમાંથી કચરીયું તૈયાર થવા માંડ્યું પણ લોકો તો દેશી ઢબના કચરીયાને વધુ પસંદ કરતાં હતાં, હવે આ દેશી ઢબમાં બળદનું સ્થાન બાઈકે લઈ લીધું છે. પાલનપુર શહેરના ડીસા હાઇવે રોડ પર રાજસ્થાની પરિવારો છેલ્લા બે વર્ષથી દેશી પધ્ધતિથી બળદને આંખે પાટા બાંધી ઘાણીમાં જોડીને શિયાળાની ઋતુમાં લોકોના આરોગ્યની સુખાકારી માટે કચરીયું બનાવી પોતાનું ગુજરાન ચલાવે છે. ત્યારે આ વર્ષે રાજસ્થાનના રાયપુર તાલુકાના કોલાસ ગામના શિવરાજ ગુજ્જર દ્વારા બળદની જગ્યાએ જુડા સાથે બાઇકને જોડવામાં આવ્યું હતું. જે ચાલક વગર ગોળ-ગોળ ભમતું હોવાથી પાલનપુર શહેરીજનો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. આ અંગે તેમણે જણાવ્યું હતું કે, આ બાઇકને ચાલુ કરી પ્રથમ ગીયર પાડવામાં આવે છે અને બાઇક સાથે જોડાયેલા જુડાના આધારે તે ગોળ-ગોળ ફરે છે.