ડૉક્ટરના અપહરણનો ભેદ ઉકેલાયોઃ બે કરોડની ખંડણી માંગતા બે ની ધરપકડ
ગુજરાત ATS અને અમદાવાદ ક્રાઇમ બ્રાંચે એક સંયુક્ત ઓપરેશન હાથ ધરીને ડૉ. રાજેશ મહેતાને બે અપહરણકારોની ચુંગાલમાંથી છોડાલી લીધા છે અને બંને અપહરણકારોને ઝડપી લેવામાં આવ્યા છે. પ્રાપ્ત વિગતો પ્રમાણે બે પટેલ યુવકોએ ડો. મહેતાનું અપહરણ કરીને તેમના પરિવાર પાસે બે કરોડ રૂપિયાની માગણી કરી હતી. પાટણની ધારપુર મેડિકલ કૉલેજના પ્રોફેસર ડૉ. રાજેશ મહેતાનું છ દિવસ પહેલા 18મી ઓગસ્ટે અપહરણ થયું હતું. ત્યારે છ દિવસ પછી પોલીસને આ અપહરણનો ભેદ ઉકેલવામાં સફળતાં મળી છે. પોલીસે ઊંઝાથી 12 કિલોમીટર દૂર એક જગ્યાએથી બે અપહરણકારો કલ્પેશ પટેલ અને હિતેશ પટેલની ચુંગાલમાંથી પ્રોફેસરને છોડાવાયા હતા. આ બે અપહરણકારો વિશે વાત કરીએ તો કલ્પેશ પટેલ મહેસાણાનો છે, જ્યારે હિતેશ પટેલ અમદાવાદનો છે. આ બંને પ્રોફેસરનું અપહરણ કરીને તેમના પરિવાર પાસે પ્રોફેસરના બદલામાં બે કરોડની ખંડણી માગી હતી. આ ઘટનામાં ક્રાઇમબ્રાંચના 2 PIને તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. સાથે જ ATSના SP હિમાંશુ શુક્લા પણ તપાસમાં જોડાયા હતા.