આજે ખુશીના અંતિમસંસ્કાર, મૃતદેહ લેવા પરિવારજનો એરપોર્ટ પહોંચ્યા
તુર્કીના ઇસ્તંબુલ ખાતે 31 ડિસેમ્બરની રાત્રીએ ન્યૂ યર પાર્ટીમાં સાન્તાના વેશમાં કરવામાં આવેલા આતંકી હુમલામાં વડોદરાની ફેશન ડિઝાઇનર ખુશી શાહનું ઘટના સ્થળે જ મોત નિપજ્યુ હતુ. આ દુઃખદ સમાચાર મળતા જ ખુશીના બંને ભાઈઓ ઇસ્તંબુલ જવા રવાના થઇ ગયા હતા. જ્યાં તેઓએ ખુશીના મૃતદેહની ઓળખ કરી હતી. બંને ભાઇઓ ભારતીય સમય પ્રમાણે ગઇકાલે રાત્રે 11:30 કલાકે ઇસ્તંબુલથી નીકળ્યો હતો. અને આજે સવારે 5:30 મુંબઇ એરપોર્ટ પર આવી પહોંચ્યો હતો. બપોરે 1 વાગ્યાથી ખુશીના મૃતદેહને અંતિમ દર્શન માટે મૂકવામાં આવશે. અને બપોરે 3 વાગ્યે નિવાસ્થાનેથી ખુશીની અંતિમયાત્રા નીકળશે. અને શહેરના વડીવાડી સ્મશાન ખાતે ખુશીના અંતિમસંસ્કાર કરવામાં આવશે. મૃતદેહને લેવા માટે ખુશીના પરિવારજનો એરપોર્ટ પર પહોંચી ગયા છે. વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ અને ધારાસભ્ય મનિષા વકીલ, જીતુ સુખડીયા અને મેયર ભરત ડાંગર પણ એરપોર્ટ પર પહોંચ્યા છે. આજે વહેલી સવારે ખુશી શાહનો મૃતદેહ મુંબઇ આવી ગયો હતો. જ્યાં સાંસદ કિરિટ સોમૈયા હાજર હતા. બપોરે 3 વાગ્યે સેવાસી ખાતે આવેલા નિવાસ્થાનેથી ખુશીની અંતિમયાત્રા નીકળશે. વડીવાડી સ્મશાન ખાતે ખુશીના અંતિમસંસ્કાર કરવામાં આવશે. ખુશીની અંતિમયાત્રામાં બોલિવૂડ અને ફેશન ક્ષેત્રની હસ્તીઓ આવે તેવી શક્યતા સેવાઇ રહી છે.