1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વેબ દુનિયા|
Last Modified: સોમવાર, 29 એપ્રિલ 2013 (11:03 IST)

જામનગર જિલ્લાના છ ગામડા બારે મહિને મિનરલ વોટર પીવે છે

દરેક ગામને પોતાનો આર.ઓ. પ્લાન્ટ

:
P.R
જિલ્લાના ધ્રોલ તાલુકાના ૬૫૦ માણસોની વસતી ધરાવતા રણજીત૫ર ગામના લોકોને આજથી પીવા માટે મિનરલ વોટર મળશે. જિલ્લામાં અત્યારે છ ગામને આર.ઓ. પ્લાન્ટથી શુદ્ધ પીવાનું પાણી આપવામાં આવી રહ્યું છે.

રાજ્ય સરકારના પાણી પુરવઠા બોર્ડ દ્વારા રૂા.૩ લાખના ખર્ચે રણજીત૫ર ગામે સામૂહિક આર. ઓ. પ્લાન્ટ સિસ્ટમ કાર્યાન્વિત કરવામાં આવી છે. રણજીત૫ર ગામે સ્થાનિક સોર્સ બોરમાં પાણીનું પૃથ્થકરણ કરતાં ૨૩૦૦ ઉ૫રાંત ટી.ડી.એસ. જણાયેલ હતા. જેથી આ પાણી પીવા લાયક ના હોઈ પાણી પુરવઠા બોર્ડ દ્વારા સામૂહિક ધોરણે આર. ઓ. પ્લાન્ટ આ૫વાનો નિર્ણય કરાયો હતો.

આર. ઓ. સિસ્ટમની એક વર્ષ માટે નિભાવણી મરામત રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત એજન્સીએ સંભાળવાની છે. એક વર્ષ બાદ સબંધિત ગ્રામ પંચાયતે જાળવણી અને મરામત કરવાની રહેશે. દર કલાકે ૨૫૦ લીટર પાણી શુધ્ધિકરણ ક્ષમતા ધરાવતા આ પ્લાન્ટમાંથી ગ્રામજનોને ગ્રામ પંચાયત દ્વારા રૂા.૫ લઇ ૨૦ લીટર પાણી આ૫વામાં આવી રહ્યું છે. રૂા.૫નો ચાર્જ ભવિષ્યમાં આર.ઓ. પ્લાન્ટની નિભાવણી અને જાળવણી માટે લેવામાં આવતો હોવાનું રણજીત૫રના સરપંચ લાલજીભાઈ દુધાગરાએ જણાવ્યું હતું.

પાણીમાં ફલોરાઇડની વધુ પડતી હાજરીથી હાડકાના રોગો જેવા કે, ગોઠણના સાંધા ઝલાઇ જવા, કરોડરજ્જુના હાડકાં પોલા થવાની તકલીફ્ો થાય છે. હાર્ડ વોટરને આર. ઓ. સિસ્ટમથી નરમ બનાવી પાણીમાંથી વિવિધ ક્ષાર દૂર થતાં કીડની અને ૫થરીના રોગમાંથી બચી શકાય છે. વિશાળ દરિયાકાંઠો ધરાવતા જામનગર જિલ્લામાં ૫થરીના દર્દીઓની સંખ્યા મહત્તમ છે પરંતુ આર. ઓ. સિસ્ટમનો ઉ૫યોગ કરવાથી તેમાં નિયંત્રણ લાવી શકાય છે તેમ આરોગ્ય અધિકારી ડો. ધમસાણીયાએ જણાવ્યું હતું.

ધ્રોલ તાલુકાનાં ૩૮ ગામ પૈકી રણજીત૫ર ઉ૫રાંત કાતડા, રોજીયા, લીંબુડા, માનસર જાલીયા અને ખાખરા એમ કુલ છ ગામમાં ૧૯ લાખથી વધુના ખર્ચે દર કલાકે ૨૫૦ થી ૫૦૦ લીટર પાણી શુદ્ધ કરતા આર. ઓ. પ્લાન્ટ કાર્યાન્વિત કરવામાં આવ્યા હોવાનું પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઇજનેરે જણાવ્યું હતું. ઉ૫રાંત હાલ ધ્રોલ તાલુકાના કુલ ૩૮ ગામ પૈકી ૪ ગામ આજી-૩, ૧૪ ગામ નર્મદા પાઇ૫લાઇન આધારિત,

૯ ગામ સ્થાનિક સોર્સ તથા ૧૪ ગામમાં ટેન્કર દ્વારા પાણીનું વિતરણ કરવામાં આવે છે તેમ ધ્રોલના નાયબ કાર્યપાલક ઇજનેર ગામીતે જણાવ્યું હતું.

રણજીત૫રનાં રમેશભાઈ માલાણી, દેવરાજભાઈ વસોયા અને નંદુબેન દુધાત્રાએ કહ્યું કે, આ વર્ષે પીવાના પાણી માટે પ્રથમ વખત સારી વ્યવસ્થા કરવામાં આવી છે અમને પીવા માટે આર.ઓ. પ્લાન્ટનું પાણી મળે છે. જ્યારે વા૫રવા માટે ઘરેે-ઘરે ટેન્કર દ્વારા બેરલમાં પાણી ઠાલવવામાં આવે છે.