ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વેબ દુનિયા|

માયા કોડનાની : ડોક્ટરથી લઈને 2002ના રમખાણો સુધીની સફર

P.R
જ્યારે પણ 2002ના ગુજરાતના રમખાણોની વાત આવે છે ત્યારે કેટલાક નામ હંમેશા ઉછળીને સામે આવતા રહે છે અને તેમાંથી એક છે માયા કોડનાની. નરોડા પાટિયા રમખાણોના મામલામાં વિશેષ અદાલતે જે 32 લોકોને દોષિત માન્યા છે તેમાં માયા કોડનાનીનું નામ પણ સામેલ છે.

માયા કોડનાની ભાજપની ટિકિટ પર ત્રણ વાર ધારાસભ્ય બની ચુક્યા છે અને મોદી સરકારમાં મંત્રી પણ રહી ચુક્યા છે. માયા કોડનાની પહેલા મહિલા ધારાસભ્ય છે જેમને ગોધરાકાંડના રમખાણો બાદ સજા ફટકારાઈ છે.

નરોડા પાટિયાની ઘટના 28 જાન્યુઆરી 2002ના ગોધરાકાંડ બાદ થઈ હતી જ્યારે અમદાવાદના નરોડા પાટિયા વિસ્તારને ઘેરી લઈને 97 લોકોની હત્યા કરી દેવાઈ હતી. આરોપ હતો કે આ ટોળાંનું નેતૃત્વ માયા કોડનાનીએ કર્યું હતું. માયા કોડનાની નરેન્દ્ર મોદીના ખાસ પણ મનાતા હતા.

આરએસએસના સભ્ય અને સાથે ડોક્ટર પણ

માયા કોડનાનીનું પરિવાર ભારત પાકિસ્તાનના ભાગલા પહેલા સિંધમાં રહેતું હતું પરંતુ બાદમાં તે ગુજરાત આવીને વસ્યું હતું. વ્યવસાયે ગાયનેકોલોજીસ્ટ એવા માયા કોડનાની આરએસએસના સભ્ય પણ હતાં. તેઓ ડોક્ટર તરીકે નહીં પણ આરએસએસના કાર્યકર તરીકે ઓળખાતાં હતાં.

નરોડામાં તેમની પોતાની મેટરનિટી હોસ્પિટલ હતી પરંતુ તે સ્થાનિક રાજકારણમાં સક્રિય થઈ ગયા હતાં. પોતાના વાકચાતુર્યને કારણે તે ભાજપમાં ખાસ્સાં લોકપ્રિય બન્યા હતા અને અડવાણીના પણ ખાસ બની ગયા હતા. 1998 સુધી તે નરોડાના વિધાનસભ્ય બની ગયા હતકા. પરંતુ 2002ના રમખાણોમાં તેમનું નામ સામે આવતા જ તેમની શાખને ધક્કો વાગ્યો હતો.

2002માં થયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તે વિજયી રહ્યા હતા. 2007ની ચૂંટણીમાં પણ કોડનાની જીતેલા અને ગુજરાત સરકારમાં મંત્રી બનેલા. પરંતુ 2009માં સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત વિશેષ ટીમે તેમને પુછપરછ માટે સમન્સ પાઠવ્યું અને બાદમાં તેમની ધરપકડ કરી લેવાઈ હતી જેના કારણે તેમને રાજીનામું આપવાની ફરજ પડી હતી.

જોકે, તેઓ ટૂંક સમયમાં જ તેઓ જામીન પર મુક્ત થઈ ગયા હતા. આ દરમિયાન તે વિધાનસભા પણ જતા રહ્યા અને નરોડા પાટિયાનો કેસ પણ ચાલતો રહ્યો હતો.

આખરે 29 ઓગષ્ટમાં કોર્ટે તેમને પાટિયા રમખાણોમાં દોષિત કરાર આપ્યો હતો અને 31 ઓગષ્ટના રોજ તેમને 28 વર્ષની કેદની સજા ફટકારાઈ હતી.