1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: અમદાવાદ: , શનિવાર, 20 ફેબ્રુઆરી 2016 (16:25 IST)

‘સ્માર્ટ સિટી મિશન’ની કડવી વાસ્તવિકતા છે ટેન્કર રાજ

મ્યુનિ. કોર્પોરેશનના ભાજપના શાસકો કેન્દ્ર સરકારના ‘સ્માર્ટ સિટી મિશન’માં અમદાવાદનો સમાવેશ થયા બાદ ‘સ્માર્ટ બજેટ’નાં ઢોલ નગારાં વાગી રહ્યાં છે પરંતુ કડવી વાસ્તવિકતા અે છે કે અાજે પણ શહેરીજનોને બે કલાક પૂરતાં પ્રેશરથી પાણી મળતું નથી. સ્માર્ટ સિટી અમદાવાદમાં પાણી વિના ટળવળતા લોકોને તંત્ર ભાડેથી ટેન્કર મગાવીને પાણી પહોંચાડે છે.

અામ તો છેક વર્ષ ૨૦૧૦-૧૧ના બજેટમાં સત્તાધીશોઅે નાગરિકોને ‘ગોલ્ડન ગોલ’નો હથેળીમાં ચાંદ બતાવ્યો હતો. શહેરના સો ટકા વિસ્તારમાં પાણી અને ડ્રેનેજની સુવિધા પૂરી પડાશે તેમ કહેવાતાં ‘ગોલ્ડન ગોલ’ હેઠળ શાસક પક્ષે પ્રજાને ખાતરી અાપી હતી. પરંતુ હજુ પણ શહેરનો ૨૦ ટકા વિસ્તાર પાણી-ડ્રેનેજની સુવિધાથી વંચિત છે. સ્માર્ટ સિટી અમદાવાદમાં ૨૨ હજારથી વધુ ખાળકૂવા છે. પીવાનાં પાણીની ખાનગી ટેન્કરો તો શહેરમાં ધમધમતાં હોય છે પરંતુ ખુદ મ્યુનિ. સત્તાવાળાઅોને ભાડેથી ટેન્કર મેળવીને પ્રજા સુધી પાણી પહોંચતું કરવું પડે છે.

છેલ્લાં છ વર્ષમાં કોર્પોરેશન દ્વારા નાગરિકોને ભાડેથી ટેન્કરો લઈને પીવાનું પાણી પૂરું પાડવા રૂ. ૪.૩૨ કરોડથી વધુનું અાંધણ કરવામાં અાવ્યું છે. જેમાં એકલા દક્ષિણ ઝોનમાં જ રૂ. ૩.૨૦ કરોડ વપરાયા છે. અન્ય ઝોનની વિગત મળવા પામી નથી. શહેરમાં ચોવીસ કલાક પાણીનો પુરવઠો અાપવાની વાતો થાય છે પરંતુ હકીકતમાં જે જે વિસ્તારોમાં સવારે બે કલાક પાણીનો પુરવઠો અપાય છે. ત્યાં પણ પૂરતાં પ્રેશરથી પાણી મળતું નથી દૂષિત પાણીની સમસ્યા ઠેર ઠેર છે. મોટરિંગનું દૂષણ પણ વ્યાપક બન્યું છે.

અમદાવાદમાં ૪૧ ટકા વસ્તી ચાલી અને ઝૂંપડામાં રહે છે. અત્યારે ૬૯૧ જેટલા સ્લમપોકેટ છે. જેમાં ૧.૭૫ લાખ ઝૂંપડાં અને ચાલીઅો છે. શહેરનાં હદમાં ભેળવાયા બાદ તંત્રની ઉપેક્ષાનો શિકાર બનેલાં અનેક ગામડાંઅો છે. અા તમામ વિસ્તારોમાં પાણીનો અસહ્ય કકળાટ છે છતાં તાજેતરમાં મળેલી બજેટ બેઠકમાં શાસકોઅે સ્વયંભૂ પોતાની પીઠ થાબડી હતી!

ફક્ત દક્ષિણ ઝોનમાં છેલ્લાં છ વર્ષમાં રૂ. ૩.૨૦ કરોડ ખર્ચાયા

મણિનગર, કાંકરિયા, બહેરામપુરા, ઘોડાસર, દાણીલીમડા, ઇન્દ્રપુરી, ખોખરા, વટવા અને લાંભા વોર્ડનો સમાવેશ ધરાવતા એકલા દક્ષિણ ઝોનમાં છેલ્લાં છ વર્ષમાં ભાડેથી પાણીનાં ટેન્કરો મેળવવા મ્યુનિ. તિજોરીમાંથી રૂ. ૩.૨૦ કરોડ ખર્ચાયા છે. વર્ષ ૨૦૧૦-૧૧માં કુલ રૂ. ૩૧.૫૦ લાખ, વર્ષ ૨૦૧૧-૧૨માં કુલ રૂ. ૪૬.૫૯ લાખ, વર્ષ ૨૦૧૨-૧૩માં કુલ રૂ. ૫૫.૦૨ લાખ, વર્ષ ૨૦૧૩-૧૪માં કુલ રૂ. ૪૨.૪૫ લાખ, વર્ષ ૨૦૧૪-૧૫માં કુલ રૂ. ૭૯.૫૫ લાખ અને ચાલુ વર્ષે ૨૦૧૫-૧૬માં કુલ રૂ. ૬૫.૩૩ લાખ ટેન્કરો પાછળ ખર્ચાઈ ચુક્યા છે.

ઝોન રકમ                   (લાખમાં)

નવા પશ્ચિમ ઝોન      રૂ. ૩૮.૧૨ લાખ
પશ્ચિમ ઝોન              રૂ. ૧૭.૪૨ લાખ
ઉત્તર ઝોન                રૂ. ૩૨.૬૨ લાખ
દક્ષિણ ઝોન              રૂ. ૬૫.૩૩ લાખ
પૂર્વ ઝોન                  રૂ. ૨૩.૮૪ લાખ
કુલ                           રૂ. ૧૭૭.૩૩ લાખ