રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Updated : બુધવાર, 17 ઑગસ્ટ 2022 (12:28 IST)

શીતળા સાતમ ગુજરાતી વાનગી - દૂધીના મૂઠિયા

આ ઓછા તેલમાં વરાળમાં બાફીને બનનારી સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ગુજરાતી ડિશ છે. સવારે નાસ્તામા કે સાંજે સ્નેક્સમાં તમને જરૂર ભાવશે. 
 
સામગ્રી - દૂધી 2 કપ છીણેલી, ઘઉંનો લોટ 125 ગ્રામ (એક કપ), રવો - 100 ગ્રામ(3/4 કપ)
બેસન - 100 ગ્રામ (3/4 કપ) લીલા મરચા -2, આદુ - 2 ઈંચ લાંબો ટુકડો, હળદર પાવડર -1/4 ચમચી, લાલ મરચાંનો પાવડર - 1/4 ચમચી,  ધાણા જીરુ 1/4 ચમચી, તેલ - 1 ટેબલ સ્પૂન, મીઠુ સ્વાદમુજબ (3/4 નાની ચમચી) ખાંડ - 2 નાની ચમચી (જો તમે ઈચ્છો તો) ખાવાનો સોડા - અડધી નાની ચમચી, લીલા ધાણા -  2 ટેબલ સ્પૂન (ઝીણા સમારેલા) 
વધાર માટે - તેલ - 2 ટેબલ સ્પૂન, જીરુ - 1 નાની ચમચી, રાઈ - 1 નાની ચમચી,  તલ - 1 ટેબલ સ્પૂન, કઢી લીમડો - 10થી 12, હીંગ - ચપટી, મીઠુ - 1/4 ચમચી. લીંબૂ - 1 લીંબૂનો રસ કે અડધી નાની ચમચી આમચૂર પાવડર. 
 
લીલા ધાણા - 1 ટેબલ સ્પૂન ઝીણા સમારેલા
આગળ જાણો કેવી રીતે બનાવશો મુઠિયા 
બનાવવાની રીત - છીણેલી દૂધીમાંથી પાણી નિચોડીને બાજુ પર મુકી દો. જો લોટ બાંધતી વખતે પાણીની જરૂર પડે તો દૂધીમાંથી કાઢેલુ પાણી મિક્સ કરવામાં કામમાં લો.  લીલા મરચા, આદુને ધોઈને તેનુ પેસ્ટ બનાવી લો.  એક વાસણમાં લોટ, રવો અને બેસન ચાળી લો. છીણેલી દૂધી અને આપેલી બધી સામગ્રી મિક્સ કરીને રોટલી જેવો નરમ લોટ બાંધી લો. જો જરૂર હોય તો દૂધીમાંથી નીકળેલુ પાણી નાખીને લોટ બાંધો. બાંધેલા લોટને 10 મિનિટ માટે ઢાંકીને મુકી દો. 
 
હવે હાથ પર તેલ લગાવીને આ બાંધેલા લોટમાંથી થોડો લોટ લઈને વેલણ જેવા આકારના મુઠિયા બનાવી લો. બધા લોટમાંથી આ પ્રકારના મુઠિયા બનાવીને તૈયાર કરો. તમે આ મુઠિયાને ચાયણી પર તેલ લગાવીને મુઠીયા મુકો. એક તપેલીમાં કે કુકરમાં પાણી મુકી તેની પર સ્ટેંડ મુકો અને અને તેની પર મુઠિયાની ચાયણી મુકીને તેને ઢાંકી દો. હવે લગભગ 20-25 મિનિટ સુધી વરાળમાં થવા દો.  મુઠિયા બફાયા છે 
 
કે નહી તે જોવા માટે ચપ્પુ મુઠિયામાં દબાવો. જો ચપ્પુને લોટ ચોંટે તો મુઠિયા કાચા છે અને ન ચોંટે તો મુઠિયા બફાય ગયા છે એવુ સમજવુ.  હવે ગેસ બંધ કરી દો. 
 
આ મુઠિયા ઠંડા થયા પછી તેને અડધો ઈંચ જાડાઈમાં કાપી લો. હવે આને વધાર લગાવવાનો છે.  કઢાઈમાં તેલ નાખીને ગરમ કરો. ગરમ તેલમાં જીરુ, રાઈ, તલ અને હિંગ નાખો. જીરા રાઈના તતડાયા પછી સમારેલા મુઠિયા નાખો. મીઠુ, લીંબૂનો રસ અને લીલા ધાણા નાખીને સારી રીતે મિક્સ કરી દો અને 5-6 મિનિટ સુધી થવા દો. 
 
દૂધીના મુઠિયા તૈયાર છે. ગરમા ગરમ મુઠિયા લીલી ચટણી કે સોસ સાથે સર્વ કરો... આ મુઠિયા તમે પિકનિક પર પણ લઈ જઈ શકો છો. muthiya