સોમવાર, 26 સપ્ટેમ્બર 2022
  1. મનોરંજન
  2. ગુજરાતી સિનેમા
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified શનિવાર, 15 સપ્ટેમ્બર 2018 (15:07 IST)

You Tube ચેનલ હેક કરી ગુજરાતી ફિલ્મનો કલાકાર 800 ડોલર સેરવી ગયો

ઇ મેઇલ આઈ.ડી. હેક કરીને યૂટ્યૂબ ચેનલથી થતી કમાણી બારોબાર પોતાના ખાતામાં જમા કરાવી દઇ 800 ડોલરની ઠગાઇ કરી હોવાના ઘટનાક્રમમાં ક્રાઇમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી છે. સાયબર ક્રાઇમમાં થયેલી ફરિયાદ આધારે તપાસ દરમિયાન પોલીસે એક ગાયકને પકડી પાડ્યો છે. જેણે પરિચિતનું જ મેઇલ આઈડી હેક કર્યું હતું. 

આરોપીએ પરિચિતના મેઇલ આઇડીમાં મોબાઈલ ફોન નંબર નાખીને અખતરો જ કર્યો હતો અને આઈડી ઓપન થઇ જતા ગુનો આચર્યો હતો યૂટ્યૂબ પર ન્યૂ શ્યામ ઓડિયોના નામે ચેનલ ધરાવતા રાજુભાઇ ભરવાડે સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી કે, કોઇએ તેમનું ઇમેઇલ આડી હેક કરી યૂટ્યૂબ ચેનલ સાથે લીંક કરેલા બેન્ક એકાઉન્ટનો નંબર અને પાસવર્ડ બદલીને ૮૦૦ ડોલરની આવક પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવીને ઠગાઇ કરી છે. 

યૂટ્યૂબ માટે હેકિંગની પહેલી ઘટનાને સાયબર ક્રાઇમ ડીસીપી ડો.રાજદીપસિંહ ઝાલાએ ગંભીરતાથી લઇ તપાસ પી.આઈ. જે.એસ. ગેડમને સોંપી હતી. તપાસ દરમિયાન પોલીસે રોહિત નરસિંહભાઈ કળથિયા (ઉં.૨૧, પાટીવાળાની વાડી, ભાવનગર રોડ, બોટાદ)ને પકડી પાડ્યો હતો. પૂછપરછમાં ખુલાસો થયો હતો કે, આરોપી રોહિતે બી.સી.એ. સુધીનો અભ્યાસ કરેલો છે અને ત્રણેક વર્ષથી એક્ટિંગ અને સીંગર તરીકે કામ કરે છે. ગુજરાતી આલ્બમમાં પણ કામ કરેલું છે. તે રાજુ ભરવાડના સંપર્કમાં હતો. 

એક દિવસ તેણે રાજુ ભરવાડના ઇમેઇલ આઇડીમાં પાસવર્ડ તરીકે તેમનો જ મોબાઈલ નંબર નાખીને ખોલવાનો અખતરો કરતા ઇમેઇલ ખુલી ગયો હતો. સાયબર ક્રાઇમ ડીસીપી ડો. રાજદીપસિંહ ઝાલાએ કહ્યું કે, મોટાભાગના લોકો આજે પણ પાસવર્ડ તરીકે તેમનો મોબાઈલ નંબર અને જન્મ તારીખ રાખતા હોય છે. સામે હેકર્સ પહેલા ત્રણ અટેમ્પમાં મોબાઈલ નંબર અને જન્મ તારીખથી જ એકાઉન્ટ ઓપન કરવાનો પ્રયાસ કરતા હોય છે. માટે પાસવર્ડ સ્ટ્રોંગ કરવા પાસવર્ડમાં એક સ્પેશિયલ કેરેક્ટર, એક કેપિટલ અને એક-બે નંબર પણ રાખવા જેથી કોઇ સરળતાથી કોઇ પણ એકાઉન્ટ હેક ન કરી શકે.