ગુજરાતમાં સાર્વત્રિક વરસાદઃ નદી અને ડેમમાં પાણીની આવક થતાં ખેડૂતો ખુશ ખુશાલ
ગઈ કાલ રાતથી સવાર સુધીમાં ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો હતો. છ ઇંચ વરસાદથી ઠેર ઠેર પાણી પાણી થઈ ગયું હતું. વલસાડ જીલ્લામાં રાત્રે 10થી આજે સવારે 7 વાગ્યા સુધીના વરસાદની વાત કરીએ તો વલસાડમાં 2.16 ઇંચ, પારડીમાં 2.52 ઇંચ, વાપીમાં 6 ઇંચ, ઉમરગામમાં 8 ઇંચ, ધરમપુરમાં 5 ઇંચ, કપરાડામાં 8.4 ઇંચ વરસાદ નોંધાયો છે. છોટાઉદેપુરમાં 6 મીમી, જેતપુરપાવી 35 મીમી, કવાંટ 1 મીમી, બોડેલી 11 મીમી, સંખેડા 46 મીમી, નસવાડી 9 મીમી વરસાદ પડ્યો હતો.
ભારે વરસાદ પછી ડાંગની ખાપરી નદી બે કાંઠે વહી રહી છે. ડાંગ જિલ્લાના આહવામાં 98 મીમી, વઘઈમાં 140 મીમી, સુબીર 105 મીમી, સાપુતારા 134 મીમી વરસાદ પડ્યો હતો. અમદાવાદમાં પણ મોડી રાતે વરસાદ શરૂ થયો હતો. એસ.જી. હાઇ-વેના થલતેજ, ઇસ્કોન ચાર રસ્તા, પકવાન ચાર રસ્તા, સાણંદ ચોકડી, બોપલ, ઘૂમા સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો હતો.રાજ્યના ડેમ છલકાતા ખેડૂત સહિત કોલોએ રાહત અનુભવી હતી.
છેલ્લા બે વર્ષ ચોમાસુ નબળુ રહેતા આ વર્ષના ચોમાસામાં વરસાદની અતિ ભારે આશા રાખીને સૌ પ્રતિક્ષા કરી રહયા હતાં. અષાઢ મહિનો કોરો ગયા બાદ લોકો નિરાશાના સાગરમાં ડુબી ગયા હતાં. તેવામાં એકાએક કુદરતે જાણે નવેસરથી ચોમાસાના મંડાણ કર્યા હોય તેમ હાલાર પંથકમાં ગુરૂવારથી વ્યાપક વરસાદ શરૂ થયો હતો. ખાસ કરીને જામનગરના આધાર સમાન ગણાતા ત્રણ મુખ્ય ડેમ રણજીતસાગર, ઉંડ-1 અને સસોઇ વરસાદી પાણીથી માત્ર 12 કલાકમાં જ તરબતર થવા લાગ્યા.
જામનગર શહેરમાં ભલે સામાન્ય વરસાદ પડયો પરંતુ ચારે તરફની નગરની હદથી તમામ દિશાઓમાં 40 થી 50 કિ.મી. વિસ્તારમાં વ્યાપક રીતે 6 થી 8 ઇંચ વરસાદ પડયો તેના કારણે જળાશયોમાં અને નદી નાળાઓમાં ખુબ જ વરસાદી પાણી આવ્યા અને કયાંક કયાંક તો નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા, વિજળી ગુલ થવાની સમસ્યા થઇ, વૃક્ષો પડી ગયા પરંતુ લોકોએ આ મુશ્કેલીઓ એટલા માટે વેઠી લીધી કે, વરસાદ ભલે આવે થોડું નુકશાન થાય તો વાંધો નથી પરંતુ વર્ષ સારુ જાય તેવી લોકોમાં ચેતનાનો સંચાર થયો.