શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. નોકરી અને કેરિયર
Written By
Last Updated : શનિવાર, 12 ઑક્ટોબર 2019 (12:07 IST)

બિનસચિવાલય કલાર્ક, ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષા રદ, હજારો વિદ્યાર્થીઓની મહેનત પર પાણી ફેરવાયું

ગુજરાત રાજ્ય ગૌણ સેવા પસંદગી મંડળે 20મી ઓક્ટોબરનાં રોજ લેવાનારી બિનસચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટ માટેની ભરતી પરીક્ષા રદ રાખવાનો નિર્ણય કર્યો છે. શુક્રવારે સાંજે જાહેર કરવામાં આવ્યું હતું કે આ પરીક્ષા હાલ પૂરતી રદ કરાઇ છે. જોકે, નવી તારીખ અંગે કંઇ જ સ્પષ્ટતા કરવામાં આવી નથી. ત્યારે જેણે આ નિર્ણય જાહેર કર્યો છે તેના અધિકારીઓને પણ આ પરીક્ષા કેમ રદ કરવામાં આવી છે તેના કારણની પણ જાણ નથી. કરાઇ. જેના કારણે રાજ્યભરનાં વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.

ગૌણ સેવા પસંદગી મંડળનાં ચેરમેન, અસિત વોરાને પણ આ પરીક્ષા કેમ રદ થઇ તે પાછળનું કોઇ કારણની જ જાણ નથી. તેમની સાથે અમે વાત કરતાં તેમણે જણાવ્યું કે, 'સરકારનાં આદેશ પ્રમાણે અમને સૂચના મળી હતી તેથી અમે આ પરીક્ષા રદ કરી હતી. સરકાર ફરીથી જ્યારે સૂચના આપશે ત્યારે ઉમેદવારોને પરીક્ષાની તારીખ જાણ કરીશું. સરકાર સંવેદનશીલ છે તેથી આ પરીક્ષા રદ કરવા પાછળ પણ કોઇ નક્કર કારણ હશે.'આ અંગે જન અધિકારી મંચનાં અધ્યક્ષ, પ્રવિણ રામે ગુજરાત સરકાર સામે નિશાનું સાધતા તેમણે કહ્યું કે, 'પરીક્ષા રદ કરવી તે હવે ગુજરાત સરકાર માટે કંઇ જ નવું નથી. 10 લાખથી પણ વધારે વિદ્યાર્થીઓ એક વર્ષથી તૈયારી કરી રહ્યાં હતાં. જે અંગે કંઇ જ કારણ આપવામાં આવ્યું નથી. જેનાથી વિદ્યાર્થીઓમાં ઘણો જ આક્રોષ છે. સરકાર ગુજરાતનાં યુવાનોનું મનોબળ તોડી રહી છે. જો આવું જ ચાલું રહેશે તો ગુજરાતનાં યુવાનોનો આક્રોષ તમારી સામે આવવાનો જ છે.'નોંધનીય છે કે, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા એક વિજ્ઞપ્તિમાં જણાવ્યું હતું કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા આગામી 20/10/2019ના રોજ યોજાનાર જાહેરાત ક્રમાંક 150/201819 બિન સચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટ વર્ગ 3 સંવર્ગની પરીક્ષા હાલ પુરતી રદ કરવામાં આવે છે. જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવી. રાજ્યમાંથી 10.75 લાખ ઉમેદવારોમાંથી સૌથી વધુ 1.50 લાખ ઉમેદવારો અમદાવાદમાંથી પરીક્ષા આપવાના હતા. જ્યારે અમદાવાદ ગ્રામ્યમાંથી 1 લાખથી વધારે ઉમેદવારો પરીક્ષા આપવાના હતા.