વિદેશમાં ઉચ્ચ અભ્યાસના સપનાને ઉડાન આપી રહી છે રાજ્ય સરકારની ‘વિદેશ અભ્યાસ લોન યોજના’  
                                       
                  
				  				   
				   
                  				  વિદેશમાં ઉચ્ચ અભ્યાસની આડે આવતા આર્થિક સંકટને દૂર કરી સરકારે અમારા સોનેરી શમણા સાકાર કર્યા
				  										
							
																							
									  
	 
	અનુસૂચિત જાતિના યુવાઓના સર્વાંગી ઉત્કર્ષ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની નેતૃત્વવાળી રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. વંચિતોના વિકાસના સર્વસ્પર્શી, સર્વગ્રાહી, સર્વસમાવેશક આયોજનને સરકારનો સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ વિવિધ કલ્યાણકારી યોજનાઓના પારદર્શી તથા નક્કર અમલીકરણ થકી સુપેરે પાર પાડી રહ્યું છે. 
				   
				  
	શિક્ષણ એ  સુસંસ્કૃત સમાજનો પાયો છે. આ  પાયાને વધુ મજબૂત બનાવી સુદ્રઢ સમાજની ઈમારત ઊભી કરવા માટે રાજ્ય સરકાર દ્વારા વિશેષ કાળજી લેવામાં આવે છે. વિશેષરૂપથી વંચિતોનું હિત આ સરકારના હૈયે વસેલું છે. અનુસૂચિત જાતિના તેજસ્વી યુવાઓની સિદ્ધિ તથા સફળતા આડે નબળી આર્થિક પરિસ્થિતિ ન આવે તે માટે રાજ્ય સરકારે તેઓના શમણા સાકાર કરવાનું બીડું ઝડપ્યું છે. અને એટલા માટે જ અનુસૂચિત જાતિના યુવાઓને ઉચ્ચ અભ્યાસમાં આવતા આર્થિક અવરોધોને દૂર કરી રહી છે રાજ્ય સરકારની વિદેશ અભ્યાસ લોન યોજના.
				  
	 
	વિદેશ અભ્યાસ માટે રૂ. ૧૫ લાખની લોન સહાય મેળવનાર વડોદરાના જગદીશભાઈ કહે છે કે, સરકારે મારી દીકરીનું વિદેશમાં અભ્યાસ કરવાનું સપનું સાકાર કર્યું છે. જે બદલ હું હંમેશા તેમનો ઋણી રહીશ. જગદીશભાઈની પુત્રી પૂર્વીશા હાલ યુ.કે.માં અભ્યાસ કરી રહી છે. તો, શહેરના સુભાનપુરા વિસ્તારમાં રહેતા દિલીપભાઈ જણાવે છે કે, તેમનો પુત્ર પૂંજન ધોરણ-૧૨ પછી કેનેડામાં ડિપ્લોમા અભ્યાસ કરવાના સોનેરા સપના જોતો હતો. પરંતુ, એ સાકાર કઈ રીતે થશે? તેનો કોઈ રોડમેપ અમારા પાસે હતો નહીં. કોઈના થકી તેમને વિદેશ અભ્યાસ લોન યોજના વિશે માહિતી મળી અને જરૂરી દસ્તાવેજો સાથે એકદમ સરળતાથી તેમને રૂ. ૧૫ લાખની લોન મળી. 
				   
				  
	આજે પૂંજન કેનેડામાં ડિપ્લોમા અભ્યાસ કરી રહ્યો છે. તેઓ કહે છે કે, હજુ પણ આ અવિશ્વસનીય છે. આટલી સરળતાથી વિદેશ અભ્યાસ માટે મળેલી રૂ. ૧૫  લાખની લોન તેમને સરકારની કટિબદ્ધતાની પ્રતીતિ કરાવે છે. વડોદરાના સમતા વિસ્તારમાં રહેતા તેજસ સોનેરા જણાવે છે કે, તેમના ભાઈ સતિષચંદ્ર વિદેશ અભ્યાસ લોન યોજનાની મદદથી હાલ લંડનમાં ઉચ્ચ અભ્યાસ કરી રહ્યા છે. તેમણે સરકારને વંચિતોના બેલી તરીકે સંબોધી ભાવભર્યો આભાર વ્યક્ત કર્યો.
				  																			
						
						 
							
 
							 
																																					
									  
	 
	માત્ર વડોદરામાં આ યોજનાની સિદ્ધિની વાત કરીએ તો, છેલ્લા ૨૨ વર્ષમાં એટલે કે વર્ષ ૨૦૦૦-૨૦૦૧ થી લઈને વર્ષ ૨૦૨૨-૨૦૨૩ સુધીમાં અનુસૂચિત જાતિના કુલ ૩૦૨ વિદ્યાર્થી/વિદ્યાર્થિનીઓએ વિદેશ અભ્યાસ લોન લીધી છે. આ દીકરા/દીકરીઓનું વિદેશમાં અભ્યાસ કરવાનું સપનું કોઈ પણ અવરોધ વગર સાકાર થાય તે માટે રાજ્ય સરકારે કુલ રૂ. ૪૦૭૦ લાખનો ખર્ચ કર્યો છે. 
				  																		
											
									  
	 
	છેલ્લા પાંચ વર્ષમાં વડોદરાના લાભાર્થીઓની વર્ષ વાર આંકડાકીય વાત કરીએ તો, વર્ષ ૨૦૨૨-૨૩ માં  ૨૩ વિદ્યાર્થી/વિદ્યાર્થિનીઓને વિદેશ અભ્યાસ મોકલવા અર્થે સરકારે કુલ રૂ. ૩૪૫ લાખ રૂપિયાનો ખર્ચ કર્યો. આવી જ રીતે વર્ષ ૨૦૨૧-૨૨ માં ૩૨ વિદ્યાર્થીઓને કુલ રૂ. ૪૮૦ લાખ, વર્ષ ૨૦૨૦-૨૧ માં ૪૧ વિદ્યાર્થીઓને કુલ રૂ. ૬૧૫ લાખ, વર્ષ ૨૦૧૯-૨૦ માં ૩૬ વિદ્યાર્થીઓને કુલ રૂ. ૫૨૫ લાખ તેમજ વર્ષ ૨૦૧૮-૧૯ માં ૨૩ વિદ્યાર્થીઓને કુલ રૂ. ૩૪૫ લાખની લોન આપીને અનુસૂચિત જાતિના દીકરા/દીકરીઓના વિદેશ અભ્યાસના શમણાને સોનેરી પાંખ આપીને હકીકતમાં તબદીલ કર્યા છે.
				  																	
									  
	 
	મહત્વનું છે કે, ધોરણ-૧૨ પછી ડિપ્લોમા/સ્નાતક અથવા સમકક્ષ અભ્યાસક્રમો માટે અથવા સ્નાતક પછી અનુસ્નાતક કક્ષાના અભ્યાસ માટે વિદેશમાં અભ્યાસ માટે મહત્તમ રૂ. ૧૫ લાખની વિદેશ અભ્યાસ લોન રાજ્ય સરકાર આપે છે. જેથી અનુસૂચિત જાતિના તેજસ્વી કારકીર્દી ધરાવતા વિદ્યાર્થીઓ નબળી આથિક પરિસ્થિતિના અવરોધ વિના ઉચ્ચ અભ્યાસ અર્થે વિદેશ જઈ શકે. વંચિતોના હિતને કેન્દ્રમાં રાખતી રાજ્ય સરકારે વિદેશ અભ્યાસ લોન માટે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને જટિલ પ્રક્રિયામાંથી પસાર ન થવું પડે તે માટે અનેક સુધારાઓ સાથે નવો ઠરાવ પસાર કરીને સરળતા અને સુગમતાનો માર્ગ મોકળો બનાવ્યો છે.