બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. લોકસભા ચૂંટણી 2019
  3. લોકસભા ચૂંટણી સમાચાર 2019
Written By
Last Modified: શુક્રવાર, 29 માર્ચ 2019 (13:15 IST)

લોકસભા ચૂંટણી 2019- અમદાવાદ જિલ્લાના 719 જેટલા ૧૦૦ કે તેથી વધુ વયના મતદારો મતદાન કરશે

ગુજરાતમાં ૨૩ એપ્રિલે લોકસભાની ચૂંટણી યોજાશે. ગુરુવારથી ઉમેદવારીપત્રકો ભરાવવાનું શરૃ થવાની સાથે જ લોકસભાની ચૂંટણીનો માહોલ જામવા લાગ્યો છે. અમદાવાદમાં કુલ ૫૪.૩૩ લાખ મતદારો નોંધાયા છે. આ પૈકી ૭૧૯ મતદારો એવા છે જેઓ ૧૦૦ વર્ષથી વધુ વયના છે. આમ, આ મતદારો ૧૯૧૯ના હિચકારા જલિયાંવાલા બાગ હત્યાકાંડથી માંડીને હવે યોજાનારી ૧૪મી લોકસભા ચૂંટણી સુધીની વિવિધ ઐતિહાસિક ઘટનાના સાક્ષી રહ્યા છે તેમ કહી શકાય.
અમદાવાદ શહેર-જિલ્લામાં કુલ ૨૧ વિધાનસભા વિસ્તાર આવેલા છે. આ તમામ વિસ્તારોમાં ૭૧૯ મતદારો એવા છે જેમની ઉંમર ૧૦૦ કે તેથી વધુ વયની છે. અમદાવાદ જિલ્લાના વિધાનસભા વિસ્તાર પ્રમાણે ધંધુકામાં સૌથી વધુ ૮૮અને અમરાઇવાડીમાં સૌથી ઓછા ૭ શતાયુ મતદારો છે.મણીનગરમાં રહેતા ૧૦૧ વર્ષીય લીલાબહેન પટેલના અવાજમાં મતદાનના મહત્વનો રણકો છે અને તેઓ કહે છે કે, ' મતદાન તો કરવું જ જોઇએ...ભલે ગમે તે થાય...' હાલ પથારીવશ થઇ ગયેલા લીલાબહેન પટેલે અત્યારસુધી યોજાયેલી તમામ ૧૩ લોકસભા ચૂંટણીમાં મતદાન કર્યું છે. ઘાટલોડીયા વિધાનસભા વિસ્તારમાં ૩૫ શતાયુ મતદારો છે અને તે પૈકીના એક એવા ઉમિયાબહેન કહે છે કે, '૧૯૭૭માં મારા પતિનું અવસાન થયું  તેના બીજા જ દિવસે ચૂંટણી હતી અને હું બેસણાના દિવસે મતદાન કરવા માટે ગઇ હતી. આજે લોકો આળસમાં મતદાન કરવા જતા નથી. પરંતુ મતદાન કરવા જઇએ તો સારો માણસ ચૂંટાય. '
ઈસનપુર રહેતાં શતાયુ મતદાર સીતાબહેન ઠાકોર ચિંતાભર્યા અવાજમાં કહે છે કે, 'અત્યારસુધી યોજાયેલી તમામ ચૂંટણીમાં મેં મતદાન કર્યું છે. લોકો મતદાન કરવાનું શા માટે ટાળે છે તે મને સમજાતું નથી. ' અમદાવાદ જિલ્લાના બાવળાનાં મંગુબહેન પ્રહલાદ પટેલની ઉંમર ૧૦૮ વર્ષ છે અને તેમણે અત્યારસુધીની લગભગ બધી ચૂંટણીઓમાં મતદાન કર્યું છે. સાણંદ વિધાનસભામાં ૨૯ શતાયુ મતદારો છે જેમણે મહતમ ચૂંટણીઓમાં મતદાન કર્યું છે.