શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. લોકસભા ચૂંટણી 2019
  3. લોકસભા ચૂંટણી સમાચાર 2019
Written By
Last Modified: બુધવાર, 22 મે 2019 (14:44 IST)

ચૂંટણી પરિણામ હજી આવ્યું નથી ત્યાં ભાજપે વિજયોત્સવની તૈયારી કરી, કોંગ્રેસ સુમસામ

આવતી કાલે લોકસભાની ચૂંટણીનું મતદાનનું પરિણામ જાહેર થવાનું છે ત્યારે ગુજરાતની 26 બેઠકોમાં શું પરિણામ હશે તેની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. આ પરિણામ પૂર્વે એક્ઝિટ પોલમાં જે રીતે ભાજપના વિજયને એક તારણ રુપે લોકો સુધી પહોંચાડવામાં માધ્યમોએ ભાગ ભજવ્યો તે રીતે ગુજરાતમાં ભાજપનો વિજયોત્સવ મનાવવાની તૈયારીઓ શરુ થઈ ગઈ છે. ભાજપ દ્વારા મિઠાઈ, ફુલ અને ફટાકડાના ઓર્ડર પણ આપી દેવામાં આવ્યા છે. જ્યારે કોંગ્રેસ હજૂ અસંમજસમાં છે. ગુજરાત ભાજપના કાર્યાલય કમલમથી માંડીને દરેક જિલ્લા, તાલુકાના ભાજપના મુખ્ય મથકો પર જીતની ઉજવણી કરવા માટે ભાજપ દ્વારા સ્થાનિક નેતાઓને સૂચનાઓ આપી દેવામાં આવી છે. ખાસ કરીને આ ઉજવણીમાં ભાજપના ધારાસભ્ય અને આગેવાનો દરેક બેઠક પર ઉજવણી સમયે હાજર રહે તે માટેની ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આવતીકાલની જીતની ઉજવણીના ભાગરૂપે તમામ મંત્રીઓ, ધારાસભ્યો, મેયર અને જિલ્લા પંચાયતના પ્રમુખોને પોતાના વિસ્તારમાં મતગણતરી પૂર્ણ થયા બાદ કેવી રીતે ઉજવણી કરવી તેની સૂચના ભાજપ દ્વારા આપવામાં આવી છે. ખાસ કરીને ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે મિઠાઈ, ફટાકડા, ફુલો અને ગુલાલ માટેના કોન્ટ્રાક્ટ પણ આપી દેવામાં આવ્યા છે. તો બીજી તરફ કોંગ્રેસ કાર્યાલય અને કોંગ્રેસના નેતાઓ જીત માટે સંપૂર્ણ આશાવાદી ન હોવાથી ઉજવણી કરવી કે નહીં તે અંગે અવઢવમાં છે. તેથી કોંગ્રેસના નેતાઓ મતગણતરીના સ્થળે પણ કેટલા સમય સુધી અને કોણ રોકાશે તે અંગે પણ હજૂ કોંગ્રેસ ચોક્કસ ગોઠવણ કરી નથી.