શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. લોકસભા ચૂંટણી 2019
  3. લોકસભા ચૂંટણી સમાચાર 2019
Written By
Last Modified: શનિવાર, 6 એપ્રિલ 2019 (15:11 IST)

શું ખરેખર અમિત શાહને હરાવવા માટે પાટીદારો એક થઈ રહ્યાં છે?

આમ તો ગાંધીનગર લોકસભાની બેઠક ભાજપ માટે ગઢ ગણવામાં આવે છે. ભાજપ ગમે તેવા ઉમેદવારને ઉભો રાખે તેની જીત નિશ્ચિત માનવામાં આવે છે. આ વખતની ચૂંટણીમાં પણ તેમાં કોઇ ફેરફાર થવાની શક્યતા ઘણી ઓછી છે. ઉપરાંત ભાજપે તેના ચાણક્ય ગણાતા અને શ્રેષ્ઠ મનાતા નેતા અમિત શાહને મેદાનમાં ઉતાર્યા છે. અમિત શાહ કેટલા માર્જીનથી જીતે છે તે જોવાનું જ મહત્વનું છે. એવું ભાજપ અને કોંગ્રેસના આગેવાનો માની રહ્યા છે. બીજી બાજુ ખુબજ શાંતિથી ગુજરાતના પાટીદારો દ્વારા જનરલ ડાયરને ચૂંટણીમાં હરાવવા માટેની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે.

2015માં આનંદીબેન સરકારના સમયમાં હાર્દિક પટેલના પાટીદાર આંદોલન દરમ્યાન ભાજપના જ કોઇ મોટા માથાની સીધી સૂચનાથી પોલીસ અધિકારીઓએ GMDC ગ્રાઉન્ડમાં ડંડા વરસાવ્યા હતા, ત્યારબાદ રાજ્યભરમાં તોફાનો ફાટી નીકળતા કર્ફ્યું નાખવો પડ્યો હતો. તે સમયે રાજ્યભરમાં એવી ચર્ચા હતી કે આનંદીબેનને ગાદી પરથી ઉતરવા માટે ખાસ કરીને અમદાવાદ અને ઉત્તર ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં રહેતા પાટીદારો પર પોલીસે ત્રાસ વર્તાવ્યો હતો. 
 
લગભગ 12 પાટીદાર યુવાનોના મોત નિપજ્યા હતા. એક તબક્કે પોલીસે અનેક પાટીદારના ઘરમાં ઘૂસી તોડફોડ પણ કરી હતી અને બહેન તથા માતાઓને ગંદી ગાળો બોલી હતી એ સમયે હાર્દિક પટેલે અમિત શાહનું સીધું નામ લીધા વગર તેમના પર ટાર્ગેટ કર્યો હતો કે જનરલ ડાયરની સૂચનાથી જ પોલીસ આવું કરી રહી છે. હાર્દિક પટેલ અમિત શાહને જનરલ ડાયરનું બિરુદ આપ્યું હતું ત્યારબાદ અમિત શાહનું નામ બોલવાને બદલે જનરલ ડાયરથી જ તેમને સંબોધન કરે છે. 
આખરે ભાજપ હાઇકમાન્ડે આનંદીબેન પટેલ પાસેથી રાજીનામું લખાવી લીધું હતું ત્યારબાદ અમિત શાહના વિશ્વાસુ ગણાતા વિજય રૂપાણીને મુખ્યમંત્રી પદે બેસાડાયા હતા. 2017ની ચૂંટણી પછી પણ રૂપાણીને જ ફરીથી મુખ્યમંત્રીની ખુરશી પર બેસાડ્યા છે. બીજી બાજુ અમિત શાહે પાટીદારોનું વર્ચસ્વ ઘટાડવા માટે સંગઠન અને સરકારના મહત્વના હોદ્દા ઉપરથી પાટીદારોને દૂર કરવાનું શરૂ કર્યું હતું એટલું જ નહીં આનંદીબેનની નજીક ગણાતા માણસો ને કે વર્ગ ધરાવતા પાટીદારોને સરકાર અને સંગઠનથી દુર જ રાખ્યા છે. તેઓએ સંગઠનના નેતાઓને એવું કહ્યું હતું કે આપણે પાટીદારો વગર પણ ગુજરાતમાં ચૂંટણીઓ જીતીશું આવી સ્થિતિમાં ગાંધીનગર લોકસભા બેઠક પરથી અમિત શાહે ચૂંટણી લડવાનું નક્કી કર્યું છે. 
આથી અમદાવાદ અને ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં રહેતા પાટીદારોએ જનરલ ડાયરની સામે અત્યાચારનો બદલો લેવાનું નક્કી કર્યું છે અને કોઇપણ ભોગે અમિત શાહને ગાંધીનગર બેઠક પરથી હરાવવા માટેની ગતિવિધિ શરૂ કરી દીધી છે. જેના ભાગરૂપે 23 અપક્ષ ઉમેદવારોને પણ ગાંધીનગર બેઠક માટે મેદાનમાં ઉતાર્યા છે.  બીજી બાજુ કોંગ્રેસના ધારાસભ્ય અને ગાંધીનગર બેઠક પરથી ચૂંટણી લડી રહેલા સી.જે.ચાવડા ચાવડાએ પણ પ્રચાર કાર્ય હાથમાં લીધું છે. તેઓ પણ પાટીદાર સામે ભૂતકાળમાં કરાયેલા અત્યાચારને યાદ કરાવી રહ્યા છે. 
તેમજ પાટીદારો પણ સોશિયલ મીડિયા પર એકબીજાને આ સંદર્ભમાં મેસેજો પણ આપી રહ્યા છે અને પાટીદારો પર કરેલા અત્યાચારના ઘા હજુ રૂઝાયા નથી તે પ્રકારની વાતચીત કરી રહ્યા છે તેમજ જનરલ ડાયરને હરાવવા માટે શું કરી શકાય તે માટેની વ્યુહ રચના પણ ઘડી રહ્યા છે. ઉભા રાખવામાં આવેલા અપક્ષ ઉમેદવારોને નાણાકીય મદદ પણ કરાઇ રહી છે. જેના માટે વિદેશમાં બેઠા કેટલાક પાટીદારો પણ જનરલ ડાયરને માત આપવા માટે નાણાકીય મદદ કરી રહ્યા છે. આમ એક તરફી મનાતો ગાંધીનગરનો મુકાબલો હવે રોમાંચક તબક્કામાં પહોંચ્યો છે. પાટીદારો આ બેઠક પર કોઇ આશ્ચર્યજનક પરિણામ મેળવવાની અપેક્ષા રાખી રહ્યા છે.