1. સમાચાર જગત
  2. લોકસભા ચૂંટણી 2019
  3. લોકસભા ચૂંટણી સમાચાર 2019
Written By
Last Modified: શુક્રવાર, 12 એપ્રિલ 2019 (17:11 IST)

મધુ શ્રીવાસ્તવના નિવેદન ઠેકાણે પાડી દઈશ સામે ચૂંટણી પંચે માત્ર ઠપકો આપ્યો

loksabha 2019
વાઘોડિયાની જાહેરસભામાં મતદારોને ધમકી સાથે આચાર સંહિતાના ભંગ અંગે થયેલી ફરિયાદ તેમજ વાયરલ થયેલા વીડિયો મુદ્દે જિલ્લા કલેક્ટર તેમજ જિલ્લા ચૂંટણી અધિકારી શાલિની અગ્રવાલે વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવને માત્ર ચેતવણી આપી ફરીથી આવો પ્રશ્ન ના ઉદભવે તેનું ધ્યાન રાખવા કહ્યું છે.
ઉલ્લેખનિય છે કે એક સપ્તાહ પહેલા વાઘોડિયાની જાહેરસભામાં ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે  જો બુથમાંથી કમળનું નિશાન ના નીકળ્યું તો ઠેકાણે પાડી દઇશ તેવી ધમકીભરી ભાષા ઉચ્ચારી હતી. આ સભા દરમિયાન ચૂંટણીપંચના અધિકારીઓ ઉપસ્થિત હોવા છતાં પંચે કોઇ કાર્યવાહી કરી ના હતી જ્યારે આ વીડિયો વાયરલ થયો ત્યારે અચાનક પંચ જાગ્યું હતુ અને જિલ્લા ચૂંટણી અધિકારીએ વાઘોડિયા બેઠકના મદદનીશ ચૂંટણી અધિકારી તેમજ આચારસંહિતા ભંગના નોડલ ઓફિસરને તપાસ કરવાનો હૂકમ કર્યો હતો.
બંને અધિકારીઓ દ્વારા તપાસનો અહેવાલ સોંપાયા બાદ જિલ્લા કલેક્ટરે મધુ શ્રીવાસ્તવને શોકોઝ નોટિસ આપી ૪૮ કલાકમાં જવાબ રજૂ કરવા જણાવ્યું હતું. ધારાસભ્ય દ્વારા પોતે ગુજરાતી ભાષા અંગે અજ્ઞાાન છે તે અંગેનો વાહિયાત જવાબ જિલ્લા ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ કર્યો હતો અને આ જવાબને જિલ્લા ચૂંટણી અધિકારીએ ગ્રાહ્ય રાખી માત્ર ચેતવણી આપી ભાજપના ધારાસભ્યને બક્ષ્યા છે. આજે જિલ્લા કલેક્ટરે જણાવ્યુ હતું કે આચાર સંહિતા ભંગ અંગે બંને અધિકારીઓના રિપોર્ટને ધ્યાનમાં રાખી તા.૧૧ના પત્રથી ધારાસભ્યને કડક તાકીદ કરવામાં આવી છે કે ભવિષ્યમાં આવો કોઇ પ્રશ્ન ના ઉદભવે. જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે આ અંગે સમગ્ર અહેવાલ રાજ્ય ચૂંટણી પંચને મોકલી દેવાયો છે જો કે તેમણે એવો બચાવ પણ કર્યો હતો કે ધારાસભ્યનો આ ખુલાસો  ગ્રાહ્ય રાખવાપાત્ર નથી ભવિષ્યમાં આવું ફરી થશે તો કાર્યવાહી કરાશે.  તેમણે કહ્યું  હતું કે અમારા તરફથી માત્ર આચાર સંહિતાના ભંગ અંગે ચેતવણી અપાઇ છે જ્યારે ધમકી અંગે અમે જિલ્લા પોલીસ વડાને પત્ર લખ્યો છે અને તેઓ દ્વારા યોગ્ય તપાસ થયા બાદ પોલીસ દ્વારા આગળની કાર્યવાહી કરાશે.