લોકસભા ચૂંટણી 2019-કોંગ્રેસ મુક્ત ગુજરાત શક્ય બનશે? 2 મહિનામાં 5 ધારાસભ્યોના રાજીનામા

bjp vs congress
Last Modified ગુરુવાર, 11 એપ્રિલ 2019 (11:32 IST)
2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ખૂબ ઓછી સરસાઈથી ચૂંટણી જીતી હતી. પણ હવે ભાજપ કોંગ્રેસના કારણે મજબૂત બની રહ્યું છે. ધીમે ધીમે કોંગ્રેસના ધારાસભ્યોની વિકેટ પડી રહી છે અને અનુભવી કદાવર નેતાઓ ભાજપમાં જોડાવા લાગ્યા છે. આખરે વાતો અને અટકળો વચ્ચે કોંગ્રેસના આધારભૂત એવા ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે પણ રાજીનામું આપી દીધું છે. જો કે અલ્પેશે એ વાત સ્પષ્ટ કહી છે કે તેઓ કોઈ પણ પોલિટિકલ પાર્ટીમાં નહીં જોડાય માત્ર ગરીબોના એજન્ટ બનીને કામ કરશે. જેથી ભાજપમાં જોડાવાના હોવાની વાતો પર પૂર્ણ વિરામ મુકાય ચૂક્યું છે. આ વચ્ચે અલ્પેશના જવાથી કોંગ્રેસ વધારે નબળી પડી ગઈ છે.
 વાત કરીએ જુલાઈ 2018ની. તો આ એ સમય હતો જ્યારે કોંગ્રેસના કદાવર નેતા કુંવરજીભાઈ બાવળિયા કોંગ્રેસમાંથી છેડો ફાડી ભાજપમાં જોડાયા હતા. જે પછી વિધાનસભાની યોજાયેલી પેટાચૂંટણીમાં તેમણે જસદણના અવસર નાકિયાને બહુમતી મેળવી હરાવ્યા હતા. બાવળિયાને મળેલા પદ બાદ કોંગ્રેસમાંથી એક પછી એક વિકેટો પડવાની શરૂઆત થઈ ગઈ. જે પછી આશા પટેલ, વલ્લભ ધારવિયા, પરસોત્તમ સાબરિયા, જવાહર ચાવડા જેવા નેતાઓએ રાજીનામું આપ્યું. અને આજે અલ્પેશ ઠાકોરના રાજીનામા સાથે કોંગ્રેસના ધારસભ્યો લઘુમતીમાં મુકાઈ ચૂક્યા છે.
2 મહિનામાં ટોટલ પાંચ ધારાસભ્યોએ રાજીનામું આપ્યું છે. જેથી કોંગ્રેસની કમર ભાંગી ગઈ છે. ઉપરથી અમરેલીમાંથી સાંસદ સભ્ય તરીકે રાખેલા પરેશ ધાનાણી હવે ચૂંટણી જીતે તો તેમણે ધારાસભ્યના પદેથી રાજીનામું આપવું પડે. એટલે કોંગ્રેસમાં વધુ એક ધારાસભ્ય અને કદાવર નેતા ઓછો થશે. પરિણામે હાલ તો અલ્પેશના રાજીનામથી કોંગ્રેસના 77માંથી 71 ધારાસભ્ય થઈ ગયા છે. હાલ ઉંઝા, ધ્રાંગધ્રા-હળવદ, જામનગર ગ્રામ્ય અને માણાવદર બેઠકની પેટાચૂંટણી ચાલી રહી છે. આમ વિધાનસભામાં ભાજપ-100, કોંગ્રેસ 71, એનસીપીને 1, BTP 2 અને અપક્ષ 3 સહિત 177 ધારાસભ્યો રહ્યા છે. જ્યારે તાલાલાના પૂર્વ ધારાસભ્ય ભગવાન બારડનો મામલો કોર્ટમાં છે.આ પણ વાંચો :