શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી સમાચાર
  2. લોકસભા ચૂંટણી 2024
  3. લોકસભા ચૂંટણી સમાચાર 2024
Written By
Last Modified: ડીસાઃ , , શુક્રવાર, 5 એપ્રિલ 2024 (17:29 IST)

બનાસકાંઠાના કાર્યકરોને પાટીલે કહ્યું, આ વખતે વધુ પડતાં આત્મવિશ્વાસમાં ના રહેતા

CR Patil
ગુજરાતમાં ભાજપે તમામ 26 બેઠકો પર ઉમેદવારો જાહેર કરી દીધા છે. જ્યારે કોંગ્રેસનું હવે પાંચેક સીટો પર કોકડું ગૂંચવાયેલું છે. ગઈકાલે કોંગ્રેસે ત્રણ સીટો પર ઉમેદવારો જાહેર કર્યા હતાં. ત્યારે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ ઉત્તર ગુજરાતના પ્રવાસે છે. તેમણે બનાસકાંઠા અને પાટણમાં બુથ લેવલના કાર્યકર્તાઓને માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું. બનાસકાંઠા બેઠક પર કોંગ્રેસના ગેનીબેન અને ભાજપના રેખાબેન વચ્ચે જંગ જામ્યો છે. હાલમાં બનાસકાંઠા બેઠક પર ગેનીબેનનો પ્રચાર જબરદસ્ત વેગ પકડી રહ્યો છે. જેને જોતાં પાટીલે કાર્યકર્તાઓને કહ્યું હતું કે, વધારે પડતા આત્મવિશ્વાસમાં ના રહેતા, આપણે વિધાનસભામાં સૌથી વધારે બેઠકો બનાસકાંઠામાં હાર્યા છીએ. 
 
પાટીલે હારેલી બેઠકોનું વિશ્લેષણ રજૂ કર્યું
તેમણે કાર્યકર્તાઓને કહ્યું હતું કે, ગત વિધાનસભાની ચૂંટણીનું વિશ્લેષણ તમને ખબર નહીં હોય. ગુજરાતમાં આમ આદમી પાર્ટીને કુલ 40 લાખ મત મળ્યા હતાં. કોંગ્રેસને 80 લાખ મત મળ્યા હતાં. જ્યારે ભાજપને એક કરોડ 68 લાખ મત મળ્યા હતાં. કોંગ્રેસ કરતાં 88 લાખ જેટલા મત વધારે મળ્યા હતાં. પરંતુ ફક્ત ત્રણ લાખ પાંચ હજાર મત માટે આપણે 26 સીટો હારી ગયાં. ગુજરાતમાં અપક્ષોને પણ ખબર છે કે અપક્ષ જીતીને પણ ભાજપ સાથે નહીં રહીએ તો ઘરે આવી જઈશું. આ ત્રણ લાખ પાંચ હજાર મતોથી આપણે 26 સીટો હારી ગયા પણ આપણે કેટલા મતો માટે દરેક સીટ હાર્યા. ખંભાત ત્રણ હજાર, ગારિયાધાર 3700, બોટાદ 3 હજાર, માણાવદર ત્રણ હજાર, પોરબંદર પાંચ હજાર, ચાણસ્મા 1400, ખેડબ્રહ્મા 1600, દાંતા 2 હજાર, વિજાપુર સાત હજાર, 922 મતે ગીરસોમનાથ, આંકલાવ 2700, જિજ્ઞેશ મેવાણીની સીટ ચાર હજાર મત માટે હારી ગયા, આવી 20 સીટો કુલ ત્રણ લાખ પાંચ હજાર મત માટે હારી ગયાં.
 
કાર્યકર્તાઓને ચૂંટણીના પ્રચારમાં લાગી જવા સૂચના આપી
તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસ કરતાં 88 લાખની લીડથી જીત છતાં ત્રણ લાખ મતે 26 સીટ હારી જઈએ તો એને શું કહેવું. તેમણે કહ્યું હતું કે, હું તમારી સામે ભાષણ કરવા નહીં પણ વાત કરવા માટે આવ્યો છું તો તમારે જવાબ તો આપવો પડશે. ગુજરાતમાં આપણે સૌથી વધારે બેઠકો બનાસકાંઠા જિલ્લામાં હાર્યા છીએ. આ તમારા માટે કલંક છે કે નહીં, તો કોઈ પણ જાતના વધારે પડતા આત્મવિશ્વાસમાં ના રહેતા. આ બેઠકમાં બનાસકાંઠા જીલ્લાનાં 2160 બુથ પ્રમુખોએ ચૂંટણીલક્ષી માર્ગદર્શન મેળવ્યું હતું. તેમજ બુથ પ્રમુખોને પ્રદેશ પ્રમુખ દ્વારા ચૂંટણી પ્રચારમાં લાગી જવા માટે કહ્યું હતું.