1. ગુજરાતી સમાચાર
  2. લોકસભા ચૂંટણી 2024
  3. લોકસભા ચૂંટણી સમાચાર 2024
Written By
Last Modified: ગુરુવાર, 4 એપ્રિલ 2024 (18:40 IST)

લીમડી સ્ટેટના રાજવી વંશજે રૂપાલા વિરુદ્ધ માનહાનીની ફરિયાદ કરી, 23 એપ્રિલે સુનાવણી

rupala
રાજકોટ બેઠક પર ભાજપના ઉમેદવાર પુરૂષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ સામે કરેલી ટિપ્પણી મુદ્દે વિવાદ વધુ વકરી રહ્યો છે. લીમડી સ્ટેટના રાજવી વંશજે ગોંડલ કોર્ટમાં રૂપાલા વિરુદ્ધ માનહાનિની ફરિયાદ નોંધાવી છે. તેમનું કહેવું છે કે પુરુષોત્તમ રૂપાલાનાં વાણી-વિલાસથી રાજા-મહારાજાઓનું માન સમાજમાં ઘટ્યું છે. હવે આ ફરિયાદ મુદ્દે આગામી 23 એપ્રિલે વધુ સુનાવણી હાથ ધરાશે. 
 
ગોંડલ તાલુકામાં ચોરડી ગામમાં રહેતા હર્ષદસિંહ ઘનશ્યામસિંહ ઝાલાએ કેન્દ્રીય મંત્રી રૂપાલા સામે ગોંડલ કોર્ટમાં બદનક્ષીની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવાયું છે કે, સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા એક વીડિયોમાં પુરૂષોત્તમભાઈ રાજા-મહારાજા વિશે બદનક્ષીભર્યા શબ્દો વાપરતા હતા. રૂપાલા બોલ્યા કે અંગ્રેજો ભારતમાં ખૂબ રહ્યા. અંગ્રેજોએ દમન કરવામાં બાકી રાખ્યું નહોતું. મહારાજાઓ નમ્યા હતા. મહારાજાઓએ રોટી-બેટીના વ્યવહાર કર્યા પણ મારા રૂખી સમાજે નહોતો ધર્મ બદલ્યો, નહોતો વ્યવહાર કર્યો. તેમણે ફરિયાદમાં જણાવ્યું હતું કે રૂપાલાએ રૂખી સમાજના મત મેળવવા માટે ક્ષત્રિય સમાજને નીચા બતાવ્યા હતા.હીન કક્ષાનાં વાણી-વિલાસને કારણે વીડિયો વાઈરલ થયો હતો.
 
હર્ષદસિંહ ઝાલાએ મીડિયાને જણાવ્યું હતું કે પુરૂષોત્તમભાઈએ રાજા મહારાજાઓ અને ક્ષત્રિય સમાજ વિરુદ્ધ બફાટ કર્યો છે. તેમના નિવેદનથી અમારી ભાવના આહટ થાય છે. નામદાર કોર્ટ દ્વારા અમારું નિવેદન લેવામાં આવ્યું છે. આગામી 23 એપ્રિલના રોજ કેસની વધુ સુનાવણી થશે. આગામી સુનાવણીમાં અમે કોર્ટ સમક્ષ પુરાવાઓ રજૂ કરીશું. રિયાદીના વકીલ દિનેશ પાતરે મીડિયાને જણાવ્યું હતું કે નામદાર કોર્ટે ઈન્કવાયરી મંજૂર કરી વેરિફિકેશન નિવેદન ફરિયાદીનું તથા સાક્ષીઓનાં નિવેદન નોંધ્યાં છે તેમજ આગામી 23 એપ્રિલના રોજ વધુ પુરાવા માટે કોર્ટે તારીખ આપી છે. ત્યારે ફરિયાદી તરફથી પુરાવાના રૂપમાં સીડી અને એવિડન્સ એક્ટ મુજબના સર્ટિફિકેટ રજૂ કરવામાં આવશે.