ગુરુવાર, 19 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. લોકસભા ચૂંટણી 2024
  3. લોકસભા ચૂંટણી સમાચાર 2024
Written By
Last Modified: અમદાવાદ , મંગળવાર, 7 મે 2024 (12:56 IST)

જાણો મતદાન કર્યા બાદ ગુજરાતના દિગ્ગજ નેતાઓએ શું અપીલ કરી?

gujarat leader
gujarat leader
ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનું મતદાન વહેલી સવારથી જ ચાલુ થઈ ગયું છે. લોકોએ સવારથી જ લાઈનમાં ઉભા રહીને મત આપવાની શરૂઆત કરી હતી. ત્યારે રાજ્યના દિગ્ગજ નેતાઓ પણ મત આપવા માટે વહેલી સવારથી મતદાન મથકે પહોંચી ગયાં હતાં. 25 લોકસભા સીટ માટે ભાજપના 25, કોંગ્રેસના 23 અને આપના 2 ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે. આ ઉમેદવારોમાં રૂપાલા, અમિત શાહ અને માંડવિયા 4 કેન્દ્રીય મંત્રી છે.આજે ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો અને દિગ્ગજ નેતાઓએ મતદાન કરીને લોકોને મત આપવા અપીલ કરી છે.
 
મતદાન કર્યા બાદ PM લોકોને શુભેચ્છા પાઠવી
આજે અમદાવાદના રાણીપમાં મતદાન કર્યા બાદ PM લોકોને શુભેચ્છા પાઠવી હતી. PM મોદીએ લોકોને વોટ કરવાની અપીલ કરી હતી. મોદીએ કહ્યું, “હું હંમેશા અહીં મારો મત આપું છું. અમિતભાઈ અહીંથી ભાજપના ઉમેદવાર છે અને ચૂંટણી લડી રહ્યા છે. આપણા દેશમાં દાનનું વિશેષ મહત્વ છે અને આ ભાવનાથી દેશવાસીઓએ વધુમાં વધુ મતદાન કરવું જોઈએ. જો ઉનાળો છે, તો તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. પુષ્કળ પાણી પીવો.
 
અમિત શાહે મતદારોને કરી અપીલ
કેન્દ્રિત ગૃહમંત્રી અમિત શાહે પણ અમદાવાદમાં મતદાન કર્યું હતું. અમિત શાહે લોકોને મત આપવા અપીલ કરી હતી કે, ગાંધીનગર લોકસભાના મારા વ્હાલા ભાઈઓ, બહેનો અને યુવા મિત્રોને ખાસ આગ્રહ કરવા માંગુ છું કે તમારા એક મતમાં મોટી તાકાત છે. અમિત શાહે ટ્વિટર પર લખ્યું કે, તમારો એક મત ગાંધીનગરને ભારતનું સૌથી વિકસિત ક્ષેત્ર બનાવી શકે છે, ભારતને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા સુનિશ્ચિત કરનાર સરકાર બનાવશે, દેશ પર નજર ઉઠાવનારાઓના ઘરમાં ઘૂસીને તેમનો સફાયો કરવાની તાકાતવાળી સરકાર બનાવશે અને વર્લ્ડ ક્લાસ હાઈવે, રેલવે અને એરપોર્ટસ આપવાવાળી સરકાર બનાવશે. એટલે જ તમારા મતની તાકાતને ઓળખો અને અવશ્ય મતદાન કરો તેમજ અન્ય લોકોને પણ મતદાન કરવા પ્રેરિત કરશો.

 
ભૂપેન્દ્ર પટેલે કહ્યું, ભારતના ભાવિ વિકાસને દિશા આપવાનો અવસર
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મતદાન કર્યા બાદ અપીલ કરતાં કહ્યું કે, ગુજરાતમાં આજે લોકસભા ચૂંટણી અંતર્ગત મતદાન છે. લોકશાહીનું મહાપર્વ ગુજરાતના આંગણે આવ્યું છે. ભારતના ભાવિ વિકાસને દિશા આપવાનો આ અવસર છે. મતદાન એ આપણો અધિકાર પણ છે અને ફરજ પણ છે. ગુજરાતના સૌ મતદારો મહત્તમ મતદાન કરીને લોકતંત્રને મજબૂત બનાવવામાં પોતાનું યોગદાન આપે તેવી અપીલ સૌને કરું છું. ખાસ કરીને, યુવા મતદારો - ફર્સ્ટ ટાઈમ વોટર્સ માટે તો મતદાન થકી ભારતનું અને પોતાનું ભવિષ્ય ઘડવાની આ તક છે. આ અમૂલ્ય અવસરને ચૂકશો નહીં.
 
કુંવરજીનો પરષોતમ રૂપાલાની જીત નિશ્ચિત છે તેવો દાવો 
રાજકોટનાં જસદણમાં કુંવરજી બાવળિયાએ મતદાન કર્યું હતું. વીંછીયાની કન્યાશાળાનાં મતદાન કેન્દ્રમાં મતદાન કર્યું હતું. કુંવરજી બાવળિયાએ પરિવાર સાથે મતદાન કર્યુ હતું. પરષોત્તમ રૂપાલાની જીત નિશ્ચિત છે. તેવો દાવો કુંવરજી બાવળિયાએ મતદાન કર્યું હતું.
 
400 પારના નારા સાથે લોકો ઉમટી રહ્યા છેઃવિજય રૂપાણી 
રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અનિલ જ્ઞાન ગંગા શાળા ખાતે પરિવાર સાથે મતદાન કર્યું હતું. આ સાથે મતદાનને લઇ વિજય રૂપાણી કહ્યું કે, વધુમાં વધુ મતદાન માટે પ્રયત્ન કરવામાં આવશે. રૂપાણીએ કહ્યું કે, 400 પારના નારા સાથે લોકો વહેલી સવારથી ઉમટી રહ્યા છે. રાજકોટ બેઠક પર પરશોતમ રૂપાલા જંગી લીડથી જીતશે. આ સાથે તેમણે કહ્યું કે, ગરમી વધુ હોવાથી લોકોને વહેલું મતદાન કરવા અપીલ કરું છું.
 
પરેશ ધાનાણીએ વધુ મતદાન કરવા અપીલ કરી
રાજકોટ લોકસભાના કોગ્રેસના ઉમેદવાર પરેશ ઘાનાણીએ મતદાન કર્યું છે. અમરેલીના બહારપરા કન્યા શાળામાં પરિવાર સાથે મતદાન કર્યું હતું. પરેશ ઘાનાણીએ મતદાતાઓ સાથે લાઇનમા ઉભા રહીને મતદાન કર્યું અને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી છે.
 
મતદાન કરતી સમયે ગેનીબેન ઠાકોર થયા ભાવુક
બનાસકાંઠાનાં કોંગ્રેસનાં ઉમેદવાર ગેનીબેન ઠાકોરે મતદાન કર્યું હતું. માતા-પિતાનાં આર્શીર્વાદ લઈને મતદાન કર્યું હતું. મતદાન કરતા સમયે ગેનીબેન ભાવુક થયા હતા. બહોળા પ્રમાણમાં મતદાન માટે અપીલ કરી હતી