શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી સમાચાર
  2. લોકસભા ચૂંટણી 2024
  3. લોકસભા ચૂંટણી સમાચાર 2024
Written By
Last Modified: રાજકોટ , બુધવાર, 17 એપ્રિલ 2024 (15:58 IST)

વિપક્ષના લોકો ભાજપના કાર્યકરોએ ગાભા મારેલી ખુરશીઓ પર તાજ પહેરી બેઠા છે- ધાનાણી

લોકસભા બેઠક પર પરેશ ધાનાણી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી જંગમાં ઊતર્યા છે. ભાજપના ઉમેદવાર પુરૂષોત્તમ રૂપાલાએ ઉમેદવારી ફોર્મ ભરી દીધું છે અને ક્ષત્રિય આગેવાનો ભાજપ સામે આરપારની લડાઈની તૈયારીઓ હોવાના નિવેદનો આપી રહ્યાં છે. ધાનાણીએ જણાવ્યું હતું કે, ભાજપે રાજકોટને રણમેદાનમાં પરિવર્તિત કરવાનો પ્રયાસ કર્યો છે. ગુજરાતની જનતા વિપક્ષ વિહોણી છે અને વિધાનસભા વાંઝણી રહી ગઈ છે. ગુજરાત ભાજપમાં દાવાનળની સ્થિતિ છે. ગુજરાત ભાજપમાં વિપક્ષમાંથી વટલાવેલા લોકોની બોલબાલા છે. રાજકોટ ભાજપના કાર્યકરો કમલમના કાર્યાલયમાં ખુરશીઓ સાફ કરવાનું કામ કરે છે અને વિપક્ષ ગોત્ર ધરાવતા લોકો ભાજપના કાર્યકરોએ ગાભા મારેલી ખુરશીઓ પર તાજ પહેરી બેઠા છે.
 
રૂપાલા શિક્ષક છે ખૂબ જ્ઞાની છે તેમનાથી આવી ભૂલ ના થાય
ધાનાણીએ વધુમાં જણાવ્યું હતું કે,રંગીલા રાજકોટની ભૂમિને વંદન કરવા આવ્યો છું. રાજકોટના સાંસદ નહીં પરંતુ તેના સાથી બની આવનારા 5 વર્ષમાં ભેડાઈ ગયેલા ખેતરને સાફ કરવા આવ્યો છું. રાજકોટના હૃદયને જીતવા તેમજ દેશના બંધારણને બચાવવા માટે આવ્યો છું. સંવિધાનની સુરક્ષાના સંકલ્પને રાજકોટવાસીઓ વધાવશે તેવો મને વિશ્વાસ છે. આ દરમિયાન ક્ષત્રિય સમાજના આંદોલન અંગે જણાવ્યું હતું કે, પુરુષોત્તમ રૂપાલા શિક્ષક છે, ખૂબ જ્ઞાની છે અને લોકો એવું માને કે તેઓ સારા વાચક પણ હશે. તો હું નથી માનતો કે તેમનાથી આવી ભૂલ થાય. એ ભૂલ નહીં પણ ઇરાદાપૂર્વકનું કૃત્ય ગુજરાતને વર્ગવિગ્રહની આગમાં ભાજપની નીતિ નિરધારણ કરનારા ઈરાપૂર્વકનું કૃત્ય છે. તેમણે ભારતીય જનતા પક્ષને એવો સવાલ કર્યો હતો કે, શા માટે તમારા નેતા નમાલા બની ગયા છે. લોકો પીડાય છે. છતાં સરકારનો જનપ્રતિનિધિ લોકોની સાચી વાત કેમ કહી શકતો નથી. 
 
ભાજપના બે ઉમેદવારોને પાછા ખેંચી લેવા પડ્યા
છેલ્લા 15 વર્ષમાં કોંગ્રેસનો તમામ કકળાટ ભાજપના કમલમ કાર્યાલય ગયો છે. ભાજપના બે ઉમેદવારોને પાછા ખેંચી લેવા પડ્યા અને ત્રીજા ઉમેદવારને પાછા ખેંચવા કે કેમ તે સવાલ લાગે છે. તેમણે દાખલો આપ્યો કે અમરેલીમાં ભાજપ કાર્યાલયમાં ભાજપના જ દંડાથી ભાજપના જ કાર્યકરો એકબીજા સાથે બાખડયા. આ રીતે સત્તાની ખેંચતાણ માટે ભાજપના કાર્યકરો એકબીજા સાથે લડી રહ્યા છે. ક્ષત્રિય સમાજની બહેનોની માત્ર એક ટિકિટ રદ કરવાની માંગ છે, ત્યારે ભારતીય જનતા પક્ષે બહેનોની લાગણીઓને મજાક બનાવી દીધી છે. ક્ષત્રિય સમાજની દીકરીઓએ દેશની દીકરીઓ છે. આજે કોઈની દીકરીઓ ઉપર આંગળી ચિંધતા હશે અને આપણે ચૂપ રહ્યા તો આવતીકાલે આપણા ઘરના ઘોડિયામાં ઊછરતી દીકરી સલામત નહીં રહી શકે. 
 
કોંગ્રેસ ગઠબંધનમાં ચૂંટણી લડશે

તેમણે કહ્યું કે, અમરેલીમાં સૌરાષ્ટ્રની સૌથી પહેલી રેલ આવી, પરંતુ હજુ સુધી બ્રોડગેજ કેમ નથી આવી તે અમરેલીવાળાને પૂછજો. અમરેલીમાં એર સ્ટ્રિપ હતી પરંતુ અત્યાર સુધી એરોપ્લેન કેમ ન આવ્યાં તે અમરેલીવાળાને પૂછજો. અમે અમરેલીવાળા તો ભાજપને ઓળખી ગયા છીએ. પરંતુ રાજકોટવાળા ઝડપથી ઓળખી જજો નહિતર વિકાસ કરવા માટે આગામી સમયમાં આજી નદીનું પાણી પણ બંધ કરી દેશે.ભાજપના પ્રવક્તા રાજુ ધ્રુવે કહ્યું કે, ધાનાણી સ્વપ્નમાં રાચવાનું બંધ કરી દો છે, ત્યારે રૂપાલાને તેઓ સંભવિત ઉમેદવાર કઈ રીતે કહી શકે. સાથે જ રૂપાલા 5 લાખથી વધુની લીડથી જીતશે તેવું કહ્યું હતું. રાજકોટમાં રૂપાલાનો ભવ્ય વિજય થવાનો છે અને આપની ઐતિહાસિક હાર લખાયેલી છે.