1. ગુજરાતી સમાચાર
  2. લોકસભા ચૂંટણી 2024
  3. લોકસભા ચૂંટણી સમાચાર 2024
Written By
Last Modified: રવિવાર, 9 જૂન 2024 (14:26 IST)

નરેન્દ્ર મોદીનો આજે શપથગ્રહણ સમારોહ, મોદી સરકાર 3.0માં કોણ કોણ બની શકે છે મંત્રી?

ચાર જૂને લોકસભા ચૂંટણી 2024નાં પરિણામ જાહેર થયાં બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે સતત ત્રીજી વાર વડા પ્રધાનપદના શપથ લેશે.
 
રાષ્ટ્રપતિ ભવનની પ્રેસ રિલીઝ અનુસાર, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ 9 જૂને, સાંજે 7.15 વાગ્યે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય મંત્રીમંડળના અન્ય સભ્યોને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવશે.
 
શુક્રવારે એનડીએની બેઠકમાં સંસદીય દળના નેતા અને લોકસભામાં ગઠબંધનના નેતા તરીકે ચૂંટાયા બાદ કાર્યવાહક વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરીને સરકાર રચવાનો દાવો રજૂ કર્યો હતો.
 
શપથગ્રહણ સમારોહમાં અનેક દેશોના પ્રમુખોને આમંત્રણ અપાયું છે.
 
જે પાડોશી દેશોના નેતાઓને નિમંત્રણ આપવામાં આવ્યું છે તેમાં બાંગ્લાદેશનાં વડાં પ્રધાન શેખ હસીના, શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે, ભુતાનના વડા પ્રધાન શેરિંગ ટોબગે, સેશેલ્સના ઉપરાષ્ટ્રપતિ અહમદ અફીક, નેપાળના વડા પ્રધાન પુષ્પકમલ દહલ પ્રચંડ, મોરેશિયસના વડા પ્રધાન પ્રવિંદ જગન્નાથ અને માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇજ્જુ સામેલ છે.
 
માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇજ્જુનું સામેલ થવું બંને દેશો વચ્ચે તણાવ ઓછો કરવામાં મહત્ત્વપૂર્ણ હોઈ શકે છે. વર્ષ 2014માં મોદીના શપથગ્રહણ સમારોહમાં માલદીવના તત્કાલીન રાષ્ટ્રપતિ અબ્દુલ્લા યામીન પણ આવ્યા હતા.
 
પ્રેસ રિલીઝ અનુસાર, પાડોશી દેશોના નેતાઓએ ભારતની ‘નેબરહૂડ પૉલિસી’ અને ‘સાગર’ વિઝન હેઠળ બોલાવવામાં આવ્યા છે.
 
એનડીએનાં સહયોગી દળોના કેટલા મંત્રીઓ હશે?
 
ઇન્ડિયન એક્સપ્રેસ અનુસાર તેલુગુ દેશમ પાર્ટીના 16 સાંસદો છે. પાર્ટીને બે મંત્રીપદ મળી શકે છે. પવન કલ્યાણની જન સેના (બે સાંસદ)ને પણ એક મંત્રીપદ મળી શકે છે.
 
જે નામોની ચર્ચા ચાલી રહી છે તેમાં શ્રીકાકુલમના સાંસદ રામમોહન નાયડુ, ગુંટૂરના સાંસદ ચંદ્રશેખર પેમ્માસાની અને ચિત્તૂરના સાંસદ ડૉ. પ્રસાદ રાવ સામેલ છે.
 
નીતીશ કુમારની જનતા દળ (યુનાઇટે) પાર્ટના ત્રણ સાંસદોને પણ કેબિનેટમાં સ્થાન મળી શકે છે. ચિરાગ પાસવાનની પાર્ટી લોકજનશક્તિ (રામવિલાસ)ને એક મંત્રીપદ મળી શકે છે.
 
એનડીટીવી અનુસાર જેડીયુના પૂર્વ અધ્યક્ષ રાજીવરંજન સિંહ 'લલ્લન' અને બિહારના મુખ્ય મંત્રી નીતીશ કુમારના વિશ્વાસપાત્ર સંજય ઝાને પણ કૅબિનેટમાં સ્થાન મળી શકે છે.
 
યુપીમાંથી સામેલ થઈ શકે છે કોઈ દલિત નેતા?
 
એનડીટીવીએ લખ્યું છે કે ચાર ડઝન મંત્રીઓ શપથ લઈ શકે છે. સૂત્રો અનુસાર, ભાજપ તરફથી સહયોગી દળોને કહેવામાં આવ્યું છે કે તેઓ અત્યારે દબાણ ન કરે. મંત્રીમંડળ વિસ્તારના બીજા તબક્કામાં તેમની માગોનું ધ્યાન રાખવામાં આવશે. આની પર સહમતી બન્યા બાદ કયા દળને કેટલી ભાગીદારી મળશે એ નક્કી કરવામાં આવ્યું છે.
 
એનડીટીવી લખે છે કે ઉત્તર પ્રદેશમાં ભાજપને મળેલા ઝટકાની ઝલક પણ મોદી મંત્રીમંડળમાં જોવા મળી શકે છે.
 
વિપક્ષી દળો જે રીતે બહુમતી મળવા પર બંધારણ અને અનામત ખતમ કરવાની ભાજપની છબિ તૈયાર કરવામાં સફળ રહ્યાં. તેને નવી ટીમ મોદી મારફતે જવાબ આપવામાં આવી શકે છે.
 
ભાજપ આને લઈને બહુ જ ગંભીર છે અને યુપીમાંથી દલિત નેતાની ઍન્ટ્રી મોદી કેબિનેટમાં થઈ શકે છે.
 
નીતીશ અને ચિરાગની કેટલી ભાગીદારી હશે
જનતા દળ યુનાઇટેડના 12 સાંસદ ચૂંટાયા છે. પાંચ સાંસદ ચિરાગ પાસવાનની પાર્ટીના છે.
 
બિહારમાં આવતા વર્ષે વિધાનસભા ચૂંટણી છે એટલે રાજ્યને સાંસદોના મંત્રીમંડળમાં વધુ જગ્યા મળી શકે છે.
 
ટાઇમ્સ ઑફ ઇન્ડિયા અનુસાર કર્ણાટકના પૂર્વ મુખ્ય મંત્રી એચડી કુમારસ્વામીને પણ મંત્રી બનાવી શકાય છે. અખબરા સૂત્રોને ટાંકતા લખે છે કે ગુરુવારે એનડીએની બેઠકમાં ફૉર્મ્યુલા નક્કી થશે.
 
સહયોગી દળોને દર પાંચ સીટ પર એક મંત્રીપદ મળશે. જોકે કુમારસ્વામીના જનતા દળ (સેક્યુલર)ની બે જ બેઠકો છે એટલે એક રાજ્યકક્ષાના મંત્રી બની શકે છે.
 
પરંતુ કુમારસ્વામીના રાજનીતિક કદને જોતાં તેમને કેબિનેટ સ્તરના મંત્રી બનાવી શકાય છે. કુમારસ્વામી કર્ણાટકના મુખ્ય મંત્રી રહી ચૂક્યા છે.
 
કોને કેટલું પ્રતિનિધિત્વ મળી શકે?
 
ઇન્ડિયન એક્સપ્રેસ અનુસાર, મંત્રીમંડળમાં મહારાષ્ટ્રનું પણ પ્રતિનિધિત્વ જોવા મળશે, કેમ કે ત્યાં પણ આ વર્ષે વિધાનસભા ચૂંટણી થવાની છે. મહારાષ્ટ્રમાં ભાજપના ગઠબંધનનું પ્રદર્શન સારું નથી રહ્યું.
 
શિવસેના (શિંદે જૂથ)ને સાત બેઠક મળી છે અને એનસીપી (અજિત પવાર)ને એક મળી છે. જ્યારે ભાજપને બાર બેઠક મળી છે.
 
મહારાષ્ટ્રમાં ઇન્ડિયા ગઠબંધનની વાપસી જોવા મળી રહી છે. આથી ભાજપ ત્યાં પોતાના સહયોગીને નબળી સ્થિતિમાં જોવા નહીં માગે.
 
ભાજપની વાત કરીએ તો પૂર્વ મુખ્ય મંત્રીઓ શિવરાજસિંહ ચૌહાણ, મનોહરલાલ ખટ્ટર, બિપ્લવકુમાર દેવ અને બાસવરાજ બોમ્મઈને મંત્રીપદ મળી શકે છે.
 
તો રાજનાથસિંહ, નીતિન ગડકરી, જેપી નડ્ડા અને અશ્વિન વૈષ્ણવને ફરી મોકો મળી શકે છે.
 
અખબારે સૂત્રોના હવાલાથી લખ્યું કે એનડીએ પોતાનો વિસ્તાર કરી શકે છે, આથી અપક્ષોને પણ સંદેશા મોકલાઈ રહ્યા છે. 18મી લોકસભામાં ચૂંટાઈને આવેલા સાત અપક્ષોમાંથી એક સાંગલીના પ્રકાશ બાબુ પાટીલ ઇન્ડિયા ગઠબંધનમાં સામેલ થઈ ગયા છે.
 
ભાજપના નેતા વાયએસઆરસીપીના સાંસદોના સંપર્કમાં પણ છે. પાર્ટીના ચાર સાંસદો જીતીને આવ્યા છે.
 
શિવરાજ અને ખટ્ટર ભાજપ અધ્યક્ષપદની રેસમાં
કહેવામાં આવી રહ્યું છે કે ભાજપ અને આરએસએસના નેતા પાર્ટી અધ્યક્ષ પણ બદલાઈ શકે છે.
 
હાલના ભાજપ અધ્યક્ષ જે પી નડ્ડાનો કાર્યકાળ આ મહિને ખતમ થઈ રહ્યો છે. મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્ય મંત્રી શિવરાજસિંહ ચૌહાણ અને હરિયાણાના પૂર્વ મુખ્ય મંત્રી મનોહરલાલ ખટ્ટરનાં નામ ભાદપ અધ્યક્ષપદ માટેની રેસમાં હોવાનું કહેવાઈ રહ્યું છે.
 
આ ચૂંટણીમાં ભાજપને 240 બેઠકો મળી છે જે બહુમતીના આંકડાથી 32 ઓઠી છે. પાર્ટીએ 2019ની ચૂંટણીમાં 303 બેઠકો જીતી હતી. ભાજપ અને એનડીએના તેનાં સાથી દળોને કુલ 293 બેઠકો મળી છે.
 
કૉંગ્રેસના નેતૃત્વમાં ચૂંટણી લડેલા ઇન્ડિયા ગઠબંધનને 233 બેઠકો મળી છે.
 
કૉંગ્રેસને ગત ચૂંટણીમાં 52 બેઠકો મળી હતી પરંતુ આ વખતે તેને 99 બેઠકો મળી છે. ઇન્ડિયા ગઠબંધનનાં અન્ય દળોમાં સમાજવાદી પાર્ટીને 37 બેઠકો, ટીએમસીને 29, ડીએમકેને 22, શિવસેના યુબીટીને નવ, આમ આદમી પાર્ટીને ત્રણ અને ઝારખંડ મુક્તિ મોરચાને ત્રણ બેઠકો મળી છે.
 
વિપક્ષી ગઠબંધનના નેતાઓએ કહ્યું- આમંત્રણ નથી મળ્યું
 
આ દરમિયાન કૉંગ્રેસ નેતા કેસી વેણુગોપાલે કહ્યું કે વિપક્ષી નેતાઓને સરકાર તરફથી શપથગ્રહણ સમારોહમાં સામેલ થવા માટે આમંત્રણ નથી મળ્યું.
 
કૉંગ્રેસના નેતા જયરામ રમેશે કહ્યું હતું છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના શપથગ્રહણ સમારોહ માટે ઇન્ડિયા ગઠબંધનના નેતાઓને આમંત્રણ મળ્યું નથી.
 
જયરામ રમેશે પ્રેસ-કૉન્ફરન્સમાં જણાવ્યું હતું કે, "9 જૂનના શપથગ્રહણ સમારોહ માટે માત્ર આંતરરાષ્ટ્રીય નેતાઓને જ આમંત્રિત કરવામાં આવ્યા છે. અમને હજુ સુધી આમંત્રણ આપવામાં આવ્યું નથી."
 
"જ્યારે અમારા ઇન્ડિયા ગઠબંધનના નેતાઓને આમંત્રણ મળશે, તો અમે તેના પર વિચાર કરીશું."
 
તો પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી અને ટીએમસી લીડર મમતા બેનરજીએ પણ આમંત્રણ ન મળ્યાની વાત કરી છે.
 
મમતા બેનરજીએ કહ્યું કે તેઓ સમારોહમાં સામેલ નહીં થાય. તેમણે કહ્યું, "તૃણમૂલ કૉંગ્રેસના કોઈ પણ નેતા આ સમારોહમાં સામેલ નહીં થાય."
 
મમતા બેનરજીએ ભાજપ પર નિશાન સાધતા કહ્યું, "એક ગેરબંધારણીય અને ગેરકાયદે પાર્ટીને સરકાર બનાવવા માટે શુભકામનાઓ ન આપી શકાય. આ સરકારની રચના ગેરકાયદે અને અલોકતાંત્રિક રીતે કરાઈ રહી છે. અમે ભાજપને તોડશું નહીં. પણ એ અંદરથી તૂટી ગયો છે. એ પાર્ટીના લોકો ખુશ નથી."
 
મમતાએ કહ્યું, "ચારસો પારનો નારો આપનારા પોતાની રીતે બહુમતી પણ મેળવી શક્યા નથી. એનડીએએ સરકાર રચવાનો દાવો કર્યો છે. પરંતુ તેનો મતલબ એ નથી કે આગળ કંઈ પણ નહીં થાય. અમે રાહ જોઈએ છીએ અને પરિસ્થિતિઓ પર નજર રાખી રહ્યા છીએ. બધું બદલાતું હોય છે."
 
તેમણે વધુમાં રાજકીય પરિદૃશ્યમાં મોટા ફેરફારનો સંકેત આપતા કહ્યું કે "ઘણી વાર સરકારો એક દિવસ જ ટકતી હોય છે. કંઈ પણ થઈ શકે છે. કોણ જાણે આ સરકાર 15 દિવસ પણ ચાલી શકશે કે કેમ?"
 
મમતા બેનરજીની પાર્ટી પશ્ચિમ બંગાળમાં 42માંથી 29 બેઠકો જીતવામાં સફળ રહી છે. મમતા બેનરજીની તૃણમૂલ કૉંગ્રેસ ઇન્ડિયા ગઠબંધનનો ભાગ છે.
 
10 વરસ બાદ કૉંગ્રેસને મળશે લોકસભામાં વિપક્ષ નેતાનું પદ
 
આ દરમિયાન શનિવારે કૉંગ્રેસ સંસદીય દળની બેઠકમાં સોનિયા ગાંધીને સંસદીય દળનાં નેતા ચૂંટવામાં આવ્યાં છે.
 
કૉંગ્રેસના રાજ્યસભાના સાંસદ પ્રમોદ તિવારીએ સમાચાર એજન્સી એએનઆઈને કહ્યું, "બધા નવા સાંસદોને અભિનંદન આપ્યાં. સંસદીય દળના નેતા તરીકે સોનિયા ગાંધીનો નામનો પ્રસ્તાવ રખાયો હતો અને તેમને ચૂંટવામાં આવ્યાં છે."
 
અગાઉ કૉંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક પણ મળી હતી.
 
તિવારીએ કહ્યું કે "લોકસભામાં નેતા વિપક્ષના પદ માટે બધાએ એકમત થઈને રાહુલ ગાંધીનો નામનો પ્રસ્તાવ રાખ્યો છે. રાહુલ ગાંધીને કહેવાયું કે તેઓ આ પ્રસ્તાવને સ્વીકારે."
 
લોકસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળના એનડીએ ગઠબંધનને 293 બેઠક મળી છે અને ઇન્ડિયા ગઠબંધનને 234 બેઠક મળી છે.
 
આ ચૂંટણીમાં કૉંગ્રેસને 99 બેઠક મળી છે. 10 વરસ બાદ કૉંગ્રેસને લોકસભામાં વિપક્ષ નેતાનું પદ મળશે.
 
તો સોનિયા ગાંધી આ વર્ષની શરૂઆતમાં રાજસ્થાનથી રાજ્યસભાનાં સાંસદ ચૂંટાયાં હતાં.
 
સહયોગી પક્ષો સાથે તાલમેલ
 
લોકસભા ચૂંટણીમાં એનડીએને 293 બેઠક મળી છે, પણ ભાજપને 240 બેઠક મળી છે.
 
હવે એનડીએમાં તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)ના પ્રમુખ ચંદ્રબાબુ નાયડુ અને જેડીયુના પ્રમુખ નીતીશકુમાર મહત્ત્વના સાથીદાર છે અને કહેવાઈ રહ્યું છે કે બંનેની ભૂમિકા મહત્ત્વની રહેશે.
 
2019 અગાઉ ચંદ્રબાબુ નાયડુ આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માગ મામલે એનડીએથી અલગ થઈ ગયા હતા.
 
તો બિહારના મુખ્ય મંત્રી નીતીશકુમાર પણ ઘણા લાંબા સમયથી રાજ્યને વિશેષ દરજ્જો આપવાની માગ કરી રહ્યા છે. જેડીયુ રાષ્ટ્રીય સ્તરે જાતિઆધારિત ગણતરીની પણ માગ મૂકી શકે છે.
 
બંને પક્ષો આ સરકારમાં પોતાની માગ પણ વધુ ભાર મૂકી શકે છે, જોકે બંનેનું કહેવું છે કે તેઓ કોઈ પણ શરત વિના મોદી 3.0 સરકારને સમર્થન આપી રહ્યા છે.
 
પરંતુ જેડીયુના વરિષ્ઠ નેતા કેસી ત્યાગીએ અગ્નિવીર યોજના પર પુનર્વિચાર કરવાની માગ કરી છે, જેનું સમર્થન ચિરાગ પાસવાને પણ કર્યું છે.
 
મંત્રીમંડળમાં સ્થાન મેળવવા માટે પણ ખેંચતાણ થવાની શક્યતા છે.
 
સાત બેઠકવાળી શિવસેના (એકનાથ શિંદે જૂથ), પાંચ બેઠકવાળી લોક જનશક્તિ (રામવિલાસ પાસવાન, જૂથ, લોજપા) અને ઉત્તર પ્રદેશની બે બેઠક જીતીને સંસદમાં આવેલી રાષ્ટ્રીય લોકદળ (રાલોદ) પણ ભાજપ માટે મહત્ત્વનાં છે.
 
નવભારત ટાઇમ્સમાં છપાયેલા એક રિપોર્ટમાં સૂત્રોના હવાલાથી કહેવાયું કે મુખ્ય મંત્રી શિંદેએ કેન્દ્ર એક કૅબિનેટ અને બે રાજ્યમંત્રીપદ માગ્યાં છે.