નિર્મલા સીતારમણે લોકસભાની ચૂંટણી લડવાની ના કેમ પાડી?
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે બુધવારે કહ્યું કે તેમણે લોકસભાની ચૂંટણી ન લડવાનો નિર્ણય કર્યો છે.
નિર્મલા સીતારમણે કહ્યું કે મારી પાસે ચૂંટણી લડવા લાયક પૈસા નથી. આંધ્ર પ્રદેશ અને તામિલનાડુની ચૂંટણીમાં જ્ઞાતિ અને ધર્મનાં જે સમીકરણો છે તેમાં હું ફિટ બેસતી નથી.
અટકળો હતી કે નિર્મલા સીતારમણ આંધ્ર પ્રદેશ કે તમિલનાડુથી ચૂંટણી લડી શકે છે. હાલમાં તેઓ રાજ્યસભા સાંસદ છે.
નિર્મલા સીતારમણ નરેન્દ્રી મોદીના બન્ને કાર્યકાળમાં મંત્રી રહ્યાં અને બન્ને વખતે રાજ્યસભા થકી જ સંસદ પહોંચ્યાં.
ભાજપ આ વખતે રાજ્યસભા દ્વારા સંસદમાં પહોંચેલા મંત્રીઓને લોકસભાની ચૂંટણીમાં ઉતાર્યા છે.
કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ ઉપરાંત પર્યાવરણ અને શ્રમ મંત્રી ભૂપેન્દ્ર યાદવ લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે. હાલ બન્ને રાજ્યસભાના સાંસદ છે.
લોકસભાની ચૂંટણી 19 એપ્રિલથી શરૂ થઈ રહી છે. નિર્મલા સીતારમણને ન્યૂઝ ચેનલ ટાઇમ્સ નાઉના એક કાર્યક્રમમાં સવાલ પૂછવામાં આવ્યો કે શું તેઓ ચૂંટણી લડશે?
આ સવાલનો જવાબ આપતા તેમણે કહ્યું, "ના. પાર્ટીએ મને આ વિશે કહ્યું હતું પરંતુ દસ દિવસ સુધી વિચાર કર્યા પછી મેં કહ્યું કે કદાચ નહીં. પાર્ટી અધ્યક્ષે મને કહ્યું હતું કે શું તમે દક્ષિણનાં રાજ્યો તમિલનાડુ કે આંધ્ર પ્રદેશથી ચૂંટણી લડવાનુ પસંદ કરશો?"
નિર્મલા સીતારમણે કહ્યું, "ચૂંટણી લડવા લાયક રૂપિયા મારી પાસે નથી. મારી સાથે અન્ય એક સમસ્યા છે. આંધ્ર પ્રદેશ અથવા તમિલનાડુમાં ચૂંટણી જીતવા માટે જે માપદંડો છે હું તે માપદંડો પર ખરી નથી ઊતરતી. કેટલાક ખાસ સમાજ અને ધર્મને લગતાં પર સમીકરણો હોય છે. આ કારણે મેં ના પાડી કારણ કે હું આ માપદંડો પર ખરી નથી ઊતરતી. હું આભારી છું કે પાર્ટીએ મારી વાતનો સ્વીકાર કર્યો. અધ્યક્ષ કહ્યું કે જો તમારું મન ન હોય તો કોઈ વાંધો નહીં. હું ચૂંટણી નથી લડી રહી."
નિર્મલા સીતારમણનો રાજ્યસભાનો કાર્યકાળ 2029 સુધી છે.
નિર્મલા સીતારમણે નરેન્દ્ર મોદીના પહેલા કાર્યકાળમાં સપ્ટેમ્બર 2017માં રક્ષા મંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. તેઓ દેશના પ્રથમ પૂર્ણકાલીન નાણા મંત્રી છે.