ચૂંટણીના ચોથા તબક્કાનું મતદાન એકંદરે શાંતિપૂર્ણ રહ્યું હતું. પશ્ચિમ બંગાળ તેમજ પંજાબમાં સામાન્ય સંઘર્ષના બનાવોને બાદ કરતા આઠ રાજ્ય અને કેન્દ્ર શાસિત વિસ્તારોમાં યોજાયેલ ૮૫ બેઠકો માટેનું મતદાન પ્રથમ ત્રણ તબક્કા કરતા એકંદરે સારું રહ્યું હતું. સરેરાશ ૫૭ ટકા જેટલું મતદાન નોંધાયું હતું.
જેમાં બિહારમાં ૪૦ ટકા, દિલ્હીમાં ૫૦ ટકા, પંજાબમાં ૬૫ ટકા, ઉત્તરપ્રદેશમાં ૫૦ ટકા, હરિયાણામાં ૬૩ ટકા, રાજસ્થાનમાં ૫૦ ટકા, પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ ૭૫ ટકા અને કાશ્મીરમાં સૌથી ઓછું ૨૪ ટકા મતદાન નોંધાયું હતું.
લોકસભાની ચૂંટણીના ચોથા તબક્કાના મતદાન દરમિયાન પશ્ચિમ બંગાળમાં ત્રણ મૃત્યુ થયાં હતાં. વિદેશપ્રધાન પ્રણવ મુખર્જી ચૂંટણી લડી રહ્યા છે. તે ર્મુશિદાબાદના જાંગીપુર જિલ્લાના ઈરોલી ગામમાં મતદાન કરીને પાછા ફરતા કાશીનાથ માંડલ નામના યુવાન પર બોમ્બ ફેંકાતાં, તેનું મૃત્યુ નીપજ્યું હતું. પૂર્વ મિદનાપુરના ખેજુરી અને ભક્તનગર મતદાનમથકોએ મતદાન માટે લાઈનમાં ઊભા રહેવાથી લૂ લાગતાં એક-એક મતદારોના મૃત્યુ થયાં હતાં.
નંદીગ્રામમાં તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરોએ અને ગોકુલનગરમાં સીપીએમનાં કાર્યકરોએ ગોળીબાર થયાની ફરિયાદ કરી હતી. અથડામણોમાં કોંગ્રેસના બે કાર્યકરો ઘવાયા હતા. બર્ધમાન, બિરભૂમ અને ર્મુશિદાબાદમાં એક- એક મતદાનમથકે મતદાનનો બોયકોટ કરવામાં આવ્યો હતો.
રાજસ્થાનમાં પોલીસ અધિકારીઓએ હેલિકાપ્ટરમાં બેસીને અતિ- સંવેદનશીલ મતદાનમથકો પર નજર રાખી હતી. ગવર્નર એસ કે સિંઘ, મુખ્યપ્રધાન અશોક ગેહલોત અને વિરોધ પક્ષના વસુંધરા રાજેએ મતદાન કર્યું હતું. રાજસ્થાનની ૨૫ બેઠકો માટે એક જ તબક્કે મતદાન યોજાયું હતું. સવાઈ માધોપુરના ઓલવારા ગામમાં બુથ કેપ્ચર કરી રહેલા ટોળા પર સલામતી જવાનોએ ગોળીબાર કરતાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું અને એક વ્યક્તિ ઘાયલ થઈ હતી.
હુર્રીયત તથા અન્ય અલગતાવાદી જૂથોના બહિષ્કારના એલાન છતાં કાશ્મીરમાં કોઠીબાગ મતદાનમથકને બાદ કરતાં શ્રીનગરના અન્ય બધાં જ મતદાનમથકોએ ૨૫થી ૪૦ ટકા મતદાન થયું હતું.
પંજાબમાં બરનાલા ખાતે એક બૂથ પર તોફાન દરમિયાન અકાલી દળની યુવા પાંખના એક કાર્યકરને અજાણ્યા તત્ત્વોના ગોળીબારમાં બે ગોળી વાગી હતી અને કોંગ્રેસના પાંચ કાર્યકરો ઘવાયા હતા. અનેક ઠેકાણે શિરોમણિ અકાલી દળ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે અથડામણો થઈ હતી. અહીં ચાર બેઠકો પર મતદાન હતું. બાકીની નવ બેઠકો પર આખરી તબક્કામાં મતદાન થશે.
હરિયાણામાં મુખ્યપ્રધાન ભૂપિન્દરસિંહ હૂડા, પુર્વ મુખ્યમંત્રી ઓમપ્રકાશ ચૌટાલા અને ભજનલાલે વહેલી સવારે મત આપ્યા હતા. અહીં પ્રથમ છ કલાકમાં ૪૦ ટકા મતદાન થયું હતું.દિલ્હીમાં પણ મતદાન સારૂ રહ્યું હતું. સવારે ઓછું મતદાન થયુ હતું પણ ધીમે ધીમે મતદાન વધવા લાગ્યું હતું.