1. ગુજરાતી ન્યુઝ
  2. વિધાનસભા ચૂંટણી 2023
  3. મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી 2023
Written By
Last Modified: શુક્રવાર, 1 ડિસેમ્બર 2023 (11:25 IST)

મધ્યપ્રદેશમાં ભાજપ-કૉંગ્રેસ વચ્ચે તીવ્ર હરીફાઈનું અનુમાન, છત્તીસગઢ-રાજસ્થાનમાં કોણ ‘આગળ’?

exit poll
મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, તેલંગણા અને મિઝોરમ- આ પાંચ રાજ્યોમાં યોજાયેલી ચૂંટણીના અંતિમ તબક્કામાં આજે તેલંગણામાં થયેલા મતદાન બાદ અલગ-અલગ સમાચાર ચેનલો અને સર્વે એજન્સીના ઍક્ઝિટ પોલ આવવાના શરૂ થઈ ગયા છે.
 
જે પ્રમાણે છત્તીસગઢમાં એક એજન્સીના ઍક્ઝિટ પોલ પ્રમાણે કૉંગ્રેસ પ્રદેશમાં સત્તા જાળવવામાં સફળ રહી છે. જ્યારે ત્રણ ઍક્ઝિટ પોલમાં ભાજપ-કૉંગ્રેસ વચ્ચે ‘ખરાખરીનો મુકાબલો’ જોવા મળી રહ્યો છે.
 
જ્યારે વિવિધ ઍક્ઝિટ પોલના આંકડા અનુસાર મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં બંને મુખ્ય પક્ષો ક઼ૉંગ્રેસ અને ભાજપ વચ્ચે તીવ્ર હરીફાઈ જોવા મળી રહી છે.
 
તો તેલંગણામાં મોટાભાગના ઍક્ઝિટ પોલ અનુસાર કૉંગ્રેસનું પલ઼઼ડું ભારે છે અને બીઆરએસના વડા ચંદ્રશેખર રાવને સત્તામાં પાછા ફરવું મુશ્કેલ બનશે તેવા સંકેતો મળી રહ્યા છે.
 
છત્તીસગઢમાં બે તબક્કામાં એટલે કે સાતમી અને 17મી નવેમ્બરે, મિઝોરમ અને મધ્યપ્રદેશમાં સાતમી નવેમ્બરે, રાજસ્થાનમાં 23 નવેમ્બરે અને તેલંગણામાં આજે 30મી નવેમ્બરે મતદાન થયું હતું.
 
અમુક ઘટનાઓને બાદ કરતાં પાંચ રાજ્યોમાં શાંતિપૂર્ણ મતદાન સંપન્ન થયું હતું.
 
મધ્યપ્રદેશમાં આ ચૂંટણીમાં 76.22 ટકા, છત્તીસગઢમાં 76.31 ટકા, રાજસ્થાનમાં 74.13 ટકા અને મિઝોરમમાં 80.66 ટકા મતદાન થયું છે.
 
મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં મુખ્ય મુકાબલો ભાજપ અને કૉંગ્રેસ વચ્ચે, તેલંગણામાં મુકાબલો ભારત રાષ્ટ્ર સમિતિ અને કૉંગ્રેસ વચ્ચે, તો મિઝોરમમાં મુખ્ય મુકાબલો મિઝો નૅશનલ ફ્રન્ટ, કૉંગ્રેસ અને ઝોરામ પીપલ્સ મૂવમૅન્ટ વચ્ચે છે. આ પાંચ રાજ્યોની ચૂંટણી 2024ની લોકસભા ચૂંટણીની સેમિફાઇનલ મનાઈ રહી છે.
 
પાંચેય રાજ્યોનાં ચૂંટણીપરિણામો એક સાથે 3જી ડિસેમ્બર, રવિવારે જાહેર થશે.
 
અહીં એ વાત યાદ અપાવી દઈએ કે બીબીસી સ્વતંત્ર રીતે કોઈ ઍક્ઝિટ પોલ કે ઓપિનિયન પોલ કરતું નથી કે કોઈ સંસ્થા દ્વારા કરાવતું નથી. આ પ્રકારના સર્વે સાચા જ હોય તેવું નથી હોતું.
 
મધ્યપ્રદેશમાં જોરદાર ટક્કર?
મધ્યપ્રદેશમાં વિધાનસભાની કુલ 230 બેઠકો છે. સરકાર બનાવવા માટે કુલ 116 બેઠકો જીતવી જરૂરી છે.
 
ન્યૂઝ 24-ટુડેઝ ચાણક્યના ઍક્ઝિટ પોલ અનુસાર ભારે બહુમતીથી ભાજપ મધ્યપ્રદેશમાં સત્તામાં આવશે. તેમના અનુમાન મુજબ ભાજપને મધ્યપ્રદેશમાં 151 બેઠકો અને કૉંગ્રેસને 74 બેઠકો મળી શકે છે.
 
ઇન્ડિયા ટુડે-એક્સિસ માય ઇન્ડિયાના ઍક્ઝિટ પોલ અનુસાર પણ પ્રચંડ બહુમતીથી ભાજપ મધ્યપ્રદેશમાં સત્તામાં આવી શકે છે. તેમના અનુમાન મુજબ ભાજપને મધ્યપ્રદેશમાં 140-162 બેઠકો અને કૉંગ્રેસને 68-90 બેઠકો મળી શકે છે.
 
એબીપી ન્યૂઝ- સી વોટરના સર્વે પ્રમાણે કૉંગ્રેસને મઘ્યપ્રદેશમાં બહુમતી મળી શકે છે. તેમના અનુમાન મુજબ ભાજપને મધ્યપ્રદેશમાં 88-112 બેઠકો અને કૉંગ્રેસને 113-137 બેઠકો મળી શકે છે. જ્યારે અન્ય પક્ષોને 2-8 બેઠકો મળી શકે છે.
 
ટીવી9 ભારતવર્ષ-પોલસ્ટ્રેટના અનુમાન પ્રમાણે કૉંગ્રેસને મધ્યપ્રદેશમાં પાતળી બહુમતી મળી શકે છે. તેમના અનુમાન મુજબ કૉંગ્રેસને મધ્યપ્રદેશમાં 111-121 બેઠકો અને ભાજપને 106-116 બેઠકો મળવાનું અનુમાન છે.
 
હાલ પ્રદેશમાં ભાજપની સરકાર છે. જોકે, નોંધનીય છે કે વર્ષ 2018ની ચૂંટણીમાં મધ્યપ્રદેશમાં ભાજપ-કૉંગ્રેસ વચ્ચે જબરદસ્ત ટક્કર જોવા મળી હતી.
 
અંતિમ પરિણામ મુજબ 114 બેઠકો મેળવીને કૉંગ્રેસ રાજ્યની સત્તામાં પરત ફરી હતી. જોકે, અમુક સમય બાદ ફરીથી રાજકીય સમીકરણો કંઈક એવાં સર્જાયાં કે ભાજપના હાથમાં મધ્યપ્રદેશ સરકારની ધુરા આવી ગઈ હતી.
 
છત્તીસગઢમાં ફરી સત્તામાં કૉંગ્રેસ આવશે?
 
છત્તીસગઢમાં વિધાનસભાની કુલ 90 બેઠકો છે અને બહુમતી માટે 46 બેઠકો જીતવી અનિવાર્ય છે.
 
ઇન્ડિયા ટુડે-એક્સિસ માય ઇન્ડિયાના ઍક્ઝિટ પોલ અનુસાર છત્તીસગઢમાં ભાજપ અને કૉંગ્રેસ વચ્ચે જોરદાર મુકાબલો છે. તેમના અનુમાન મુજબ કૉંગ્રેસને છત્તીસગઢમાં 40-50 બેઠકો, ભાજપને 36-46 બેઠકો મળવાનું અનુમાન છે.
 
એબીપી ન્યૂઝ-સી વોટરના અનુમાન પ્રમાણે પણ છત્તીસગઢમાં ભાજપ અને કૉંગ્રેસ વચ્ચે જોરદાર મુકાબલો છે. તેમના સર્વે મુજબ કૉંગ્રેસને છત્તીસગઢમાં 41-53 બેઠકો અને ભાજપને 36-48 બેઠકો મળવાનું અનુમાન છે.
 
રાજસ્થાનમાં ગેહલોત ટ્રેન્ડ બદલી શકશે કે નહીં?
રાજસ્થાનમાં વિધાનસભાની કુલ 200 બેઠકોમાંથી 199 બેઠકો પર મતદાન થયું છે અને બહુમતી માટે 100 બેઠકો જીતવી અનિવાર્ય છે.
 
ટીવી9 ભારતવર્ષ-પોલસ્ટ્રેટના અનુમાન પ્રમાણે ભાજપને રાજસ્થાનમાં પાતળી બહુમતી મળી શકે છે. તેમના અનુમાન મુજબ ભાજપને રાજસ્થાનમાં 100-110 બેઠકો અને કૉંગ્રેસને 90-100 બેઠકો મળવાનું અનુમાન છે. ઇન્ડિયા ટુડે-એક્સિસ માય ઇન્ડિયાના ઍક્ઝિટ પોલ અનુસાર રાજસ્થાનમાં કૉંગ્રેસને સત્તા મળી શકે છે. તેમના અનુમાન મુજબ કૉંગ્રેસને રાજસ્થાનમાં 86-106 બેઠકો, ભાજપને 80-100 બેઠકો મળે તેવી શક્યતા છે.
 
એબીપી ન્યૂઝ-સી વોટરના અનુમાન પ્રમાણે રાજસ્થાનમાં ભાજપને કૉંગ્રેસ કરતાં થોડી બેઠકો વધુ મળી શકે છે. તેમના અનુમાન મુજબ કૉંગ્રેસને રાજસ્થાનમાં 71-91 બેઠકો, ભાજપને 94-114 બેઠકો મળે તેવી શક્યતા છે.
 
ન્યૂઝ 24-ટુડેઝ ચાણક્યના ઍક્ઝિટ પોલ અનુસાર પૂર્ણ બહુમતીથી રાજસ્થાનમાં કૉંગ્રેસ સત્તામાં આવશે. તેમના અનુમાન મુજબ કૉંગ્રેસને રાજસ્થાનમાં 101 બેઠકો અને ભાજપને 89 બેઠકો મળી શકે છે.
 
તેલંગણામાં ચંદ્રશેખર રાવ તેમની સત્તા બચાવી શકશે?
 
તેલંગણામાં વિધાનસભાની કુલ 119 બેઠકો છે અને બહુમતી માટે 60 બેઠકો જીતવી અનિવાર્ય છે.
 
ટીવી9 ભારતવર્ષ-પોલસ્ટ્રેટના અનુમાન પ્રમાણે કૉંગ્રેસ તેલંગણામાં સત્તામાં પુનરાગમન કરી શકે છે. તેમના સર્વે મુજબ કૉંગ્રેસને 49-59 તો બીઆરએસને 48-58 બેઠકો મળી શકે છે.
 
ન્યૂઝ 24-ટુડેઝ ચાણક્ય અનુમાન પ્રમાણે પણ કૉંગ્રેસ તેલંગણામાં સત્તામાં ભારે બહુમતીથી પુનરાગમન કરી શકે છે. તેમના સર્વે મુજબ કૉંગ્રેસને 71 બેઠકો તો બીઆરએસને 33 બેઠકો મળી શકે છે.
 
એબીપી ન્યૂઝ-સી વોટરના અનુમાન પ્રમાણે તેલંગણામાં કૉંગ્રેસને બીઆરએસ કરતાં બેઠકો વધુ મળી શકે છે. તેમના અનુમાન મુજબ કૉંગ્રેસને તેલંગણામાં 49-65 બેઠકો, બીઆરએસને બેઠકો મળે તેવી શક્યતા છે.
 
નોંધનીય છે કે હાલ તેલંગણામાં કે. ચંદ્રશેખર રાવની ભારત રાષ્ટ્ર સમિતિની સરકાર છે. ગત 2018ની ચૂંટણીમાં તેલંગણામાં પાર્ટીએ 88 બેઠકો સાથે સરકાર બનાવી હતી.
 
જ્યારે કૉંગ્રેસ 19 બેઠકો સાથે બીજા ક્રમે રહી હતી.
 
મિઝોરમમાં કોનું શાસન આવશે?
 
 
 
મિઝોરમમાં વિધાનસભાની કુલ 40 બેઠકો છે અને બહુમતી માટે 21 બેઠકો જીતવી અનિવાર્ય છે.
 
એબીપી ન્યૂઝ-સી વોટરના અનુમાન પ્રમાણે મિઝોરમમાં ત્રિશંકુ વિધાનસભા રચાવાના એંધાણ છે. સર્વે પ્રમાણે મિઝો નૅશનલ ફ્રન્ટ સૌથી મોટી પાર્ટી બનશે. મિઝો નૅશનલ ફ્રન્ટને 15-21 બેઠકો, ઝોરામ પીપલ્સ મૂવમેન્ટને 12-18 બેઠકો અને કૉંગ્રેસને 2-8 બેઠકો મળી શકે છે.
 
મિઝોરમમાં ઇન્ડિયા ટુ઼ડે- એક્સિસ માય ઇન્ડિયા પ્રમાણે ઝોરામ પીપલ્સ મૂવમેન્ટ 28 થી 35 બેઠકો જીતીને સંપૂર્ણ બહુમતીથી સરકાર બનાવશે તેવું અનુમાન છે.
 
હાલ રાજ્યમાં મુખ્ય મંત્રી ઝોરમથંગાની આગેવાનીમાં મિઝો નૅશનલ ફ્રન્ટની સરકાર છે.
 
2018ની ચૂંટણીમાં પક્ષ 26 બેઠકો મેળવીને સત્તા પર આવ્યો હતો.