ચૂંટણી કમિશ્નર પણ નિષ્પક્ષ નથી !

હવે તો હદ થાય છે....કોના સમ ખાવા...

W.D

દેશના વહીવટી તંત્રના ઘણા ખરા ભાગમાં ભ્રષ્ટાચાર, લાગવગ સહિતનો સડો દેશની ઘોર ખોદી રહ્યો છે. આવા સમયે ન્યાયતંત્ર અને ચૂંટણી પંચ સમ ખાવા માટે બાકી હતા. પરંતુ હવે તો હદ થાય છે એ સમ પણ વિશ્વસનીય રહ્યા નથી.

દેશના બંધારણે પણ દેશમાં નિષ્પક્ષ ચૂંટણી થાય, લોકોને નિષ્પક્ષ ન્યાય મળે એ માટે આ વિભાગોને સ્વંતત્ર રાખ્યા છે. પરંતુ એમાં પણ હવે આ બદી ઝડપથી પ્રસરી રહી છે. આજે દેશના ન્યાયાધીશો સામે પણ ભ્રષ્ટાચારની ફરિયાદો ઉઠી રહી છે. તાકાતવર ગણ્યાગાંઠ્યા લોકોની ગોઠવાયેલી વ્યવસ્થિત લોબીને લીધે બેબસ લોકોને ન્યાય માટે વલખા મારવા પડે છે. આ સ્થિતિની વચ્ચે દેશમાં નિષ્પક્ષ ચૂંટણી કરાવવા માટે વખણાયેલ ચૂંટણી પંચ પણ વિવાદમાં આવતાં કયા તંત્રમાં વિશ્વાસ રાખવો એ ફાનસ લઇ કાળી રાતમાં કોલસા શોધવા જેવું છે.

દેશના મુખ્ય ગોપાલસ્વામીએ પોતાના સાથી એવા ચૂંટણી કમિશ્વર નવિલ ચાવલાની કામગીરી સામે મોટો પ્રશ્નાર્થ લગાવતાં દેશના ઇતિહાસમાં મોટો વિવાદ ઉભો થયો છે. ગોપાલસ્વામીએ રાષ્ટ્રપતિને એક ચીઠ્ઠી લખી જાણ કરી છે કે, ચૂંટણી કમિશ્નર નવિન ચાવલાની કામગીરી નિષ્પક્ષ નથી. માટે તેમને તેમના પદેથી હટાવવામાં આવે.

આગામી બે-ત્રણ મહિનામાં દેશમાં જયારે લોકસભાની ચૂંટણી યોજાનાર છે ત્યારે ઉભા થયેલા આ વિવાદે વિશ્વના ફલક પર ગંભીર અસર છોડી છે. આપણા દેશમાં થતી નિષ્પક્ષ ચૂંટણીઓ અન્ય દેશો માટે ઉદાહરણ રૂપ હતી ત્યારે આ વિવાદે મોટો સવાલ ખડો કર્યો છે. કોઇ એમ કહી રહ્યું છે ભાજપના ઇશારે આમ કરવામાં આવી રહ્યું છે. આમાં જે કંઇ પણ રાજનીતિ હોય, પરંતુ આ બધુ દેશ માટે સારૂ નથી.

તજજ્ઞો અને જાણકારોનું આ અંગે કહેવું છે કે, દેશના ઇતિહાસમાં આવા પ્રકારનો આ પ્રથમ બનાવ છે અને મુખ્ય ચૂંટણી કમિશ્નરને વિશ્વાસમાં લીધા સિવાય ચૂંટણી કમિશ્વરને હટાવી શકાતા નથી. પરંતુ ખુદ મુખ્ય ચૂંટણી કમિશ્નરે જ આવી માંગ કરી છે ત્યારે રાષ્ટ્રપતિ અને સરકાર શુ નિર્ણય લે છે એ આવનાર સમય માટે મહત્વની છાપ પાડશે....
હરેશ સુથાર|
કોઇએ સાચેજ કહ્યું છે કે, આ દેશ રામ ભરોસે જ ચાલે છે.


આ પણ વાંચો :