ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. »
  3. આજ-કાલ
  4. »
  5. મંથન
Written By જનકસિંહ ઝાલા|

ને..રંગીલો... રાહુલ મહાજન...!

લગ્ન તો કર્યા પણ હનીમૂનના વાંધા !

PIB
PIB
સ્વયંવર... સાંભળવામાં કેટલું સુંદર લાગે છે આ નામ.. આવો જ એક સ્વયંવર રામાયણ યુગમાં યોજાયો હતો જેમાં દેવી સીતાએ શ્રીરામના ગળામાં વરમાળા પહેરાવી હતી. બદલામાં શ્રીરામે પણ પરશુરામનું ધનુષ્ય તોડીને પોતાની વીરતાનો પરિચય આપ્યો હતો એક એ સ્વયંવર હતો જેના માટે વડીલો અને પરિવારના સભ્યોને કેન્દ્રસ્થાને રાખવામાં આવતા અને એક આજના સ્વયંવરો છે જ્યાં પરિવારનો સભ્ય તો દૂર ચિરપરિચિતો પણ નજરે ચડતા નથી.

હું આજકાલ ટીવી પર દેખાડવામાં આવી રહેલા સ્વયંવરોની વાત કરું છું. થોડા મહિના પહેલા રાખી સાવંતનો સ્વયંવર યોજાયેલો જેમાં તેમણે સુદર દેખાડવડા અને વાળ વગરના યુવાન ઈલેશ સાથે સગાઈ કરેલી, થોડો સમય એકાદ બે સીરિયલોમાં તેઓ સાથે પણ જોવા મળ્યાં અને અંતે રાખીએ કહી દીધું કે, ઈલેશ અને મારા વિચારો મળતા નથી તેથી લગ્ન કરવાનું અમે માંડી વાળ્યું. ખૈર એ સમયે જેટલુ દુખ રાખી અને ઈલેશને ન હતું થયું એટલું દુ:ખ એ લોકોને થયું હતું જેમણે પોતાના ખિસ્સામાંથી રૂપિયા બગાડીને આ જોડીને પસંદ કરવા એસએમએસ કર્યા હતાં.

આવો જ એક બીજો સ્વયંવર તાજેતરમાં પૂર્ણ થયો.. શું નામ હતું એનું...દિલવાલે દુલ્હનિયા લે જાએગે.. ન ના... તેનું નામ હતું 'રાહુલ દુલ્હનિયા લે જાયેંગા' સ્વયંવરનો વરરાજો હતો એક સમયના ભાજપના વરિષ્ઠ નેતા પ્રમોદ મહાજનનો સુપુત્ર રાહુલ મહાજન..આ સ્વયંવરમાં રાહુલને પરણવા માટે કેટલીયે યુવતીઓનો તાંતો લાગ્યો અને અંતે કોલકાતાની ડિમ્પીને રાહુલ મળી ગયો. રાહુલે બંગાળની પરંપરા અનુસાર જાહેરમાં ડિમ્પી સાથે લગ્ન કર્યાં અને હવે માલેગાવમાં હનીમૂન મનાવવા માટે જઈ રહ્યો છે.

ખૈર હાલ તેના પાસપોર્ટને લઈને સમસ્યા ઉભી થઈ છે જે પટિયાલાની હાઈકોર્ટે અગાઉ જપ્ત કરી લીધું છે. આમ પણ આ રાહુલનો રેકોર્ડ કંઈ વખાણવો જેવો નથી. માનવામાં આવતું નથી કે, આખરે શું જોઈને ડિમ્પીને આ છુટાછેડા લીધેલો વ્યક્તિને પોતાનો ભરથાર બનાવી લીધો. રાહુલના જ આ કાર્યક્રમમાં ફાઈનલ સુધી પહોંચેલી ફરીદાબાદની નિકુંજ મલિકે તો મીડિયાને ત્યાં સુધી કહી દીધું કે, રાહુલ જેવો પહેલા હતો તેવો જ હાલ છે. તેનામાં કોઈ પણ પ્રકારનું પરિવર્તન આવ્યું નથી. મારો તેની સાથે લગ્ન કરવાનો કોઈ ઈરાદો ન હતો પરંતુ હું ટીવી ચેનલ સાથે કરવામાં આવેલા મારા કરારને લઈને મજબૂર હતી. મેં અગાઉથી જ રાહુલને કહી દીધેલું કે, તું મને પસંદ ન કરતો. માત્ર નિકુંજ નહીં પરંતુ મહિલા આયોગે પણ રાહુલના લગ્નને અયોગ્ય ઠેરાવ્યાં.

ખૈર ડિમ્પી સાથે લગ્ન કરીને રાહુલ ભૈયાએ ભલે પોતાનું ભવિષ્ય ઉજળુ કરી નાખ્યું હોય પરંતુ તેમનો ભૂતકાળ તો ખરાબ હતો અને રહેશે. એક સમયના નશાખોર આ યુવાને બે ત્રણ કાર્યક્રમો ટીવીમાં શુ કરી નાખ્યાં ભાઈ સાહેબ સેલિબ્રિટી જ બની ગયાં. કહેવાય છે કે, રાહુલના આ બીજા લગ્ન છે તેણે પ્રથમ લગ્ન પોતાની નાનપણની મિત્ર શ્વેતા સાથે કર્યા હતાં અને તે પણ લવ મેરેજ હતાં. (ડિમ્પી થોડો વિચારી લેજે હો).

PTI
PTI
સગા ભાઈ દ્વારા પિતા પ્રમોદ મહાજનનું મૃત્યુ, કાકા પ્રવીણ મહાજનનું જેલમાં જવું અને પોતાનું નશાખોરીમાં શામેલ હોવાના પ્રકરણનું બહાર આવવું ન તો માત્ર મહાજન પરિવાર પરતું ભાજપના વરિષ્ઠ નેતાઓ માટે પણ એક સમયે મુશ્કેલરૂપ બની ગયું હતું. પરંતુ ધીરે ધીરે બધુ થાળે પડતું ગયું. શ્વેતા સાથે તલાક લીધા બાદ રાહુલ ટીવી કાર્યક્રમો તરફ વળ્યો.બીગ બોસ અને બાળકોના એક કોમેડી શો એ તેને પુષ્કળ પ્રસિદ્ધિ અપાવી. એટલું જ નહીં આવા જ એક શો ' રાહુલ દુલ્હનિયા લે જાએંગે' મારફત આ છુટાછેડાવાળા ભાયડાને એક બાયડી મળી ગઈ.એ વાત જુદી છે કે, તે હજુ સુધી વિદેશમાં હનીમૂન નથી મનાવી શક્યો !

રાહુલના લગ્નમાં બહેન પૂનમ મહાજન પણ ન દેખાઈ. તેમાં પણ કોઈ પણ પ્રકારનું આશ્વર્ય કરવાની જરૂર નથી. આવા લગ્નોમાં પરિજનોને હાજરી આપવાનો સમય જ ક્યાં મળે છે. ( રાખીના લગ્નમાં પણ તેની માં ક્યાં આવી હતી...! ) આ બન્ને સ્વયંવરો એવા સ્વયંવરો હતાં જેમાં ટીવીના માધ્યમ થકી આખી દુનિયા તો હાજર રહી પરંતુ ઘરનો વરિષ્ઠ અને પ્રેમાળ સભ્ય ઉપસ્થિત ન રહ્યો. તેમ છતાં રાહુલ માટે આ સ્વયંવર 'ભાવતું તુ નૈ વૈદ્યે કીધું'' એવો સાબિત થયો. પૂરા કાર્યક્રમમાં તે યુવતીઓ સાથે નાચતો, ઝુમતો અને તેમને ગળે લગાડતો નજરે ચડ્યો. જેણે પડદા સામે આટલું બધુ કર્યું તેણે પડદા પાછળ શું શું કર્યું હશે તેની તો કલ્પના કરવાની જ રહી.

ખૈર રાહુલનો આ કોન્ફિડેન્સ જોઈને હાલ છુટાછેડા લીધેલા પતિઓમાં પણ ગજબની હિમ્મત આવી ગઈ છે. કાલ સુધી જે વ્યક્તિ સમાજમાં હિન્ન ભાવના અનુભવતો હતો તેનામાં રાહુલનો આ શો જોઈને ગજબની હિમ્મત આવી ગઈ છે. હવે તે પોતાનું માથુ ઉંચુ કરીને ફરી રહ્યો છે. તેઓ માટે રાહુલ મહાજન આદર્શ બની ગયો છે. તેઓ પણ વિચારી રહ્યાં છે કે, એક આવો કાર્યક્રમ તેમના માટે પણ યોજાય જેથી તેમને પણ કોઈ ડિમ્પી મળી જાય. રાહુલે તેમની વાત માની પણ લીધી છે અને તે આવા પતિઓ માટે નવેસરથી એક સ્વયંવર યોજવા જઈ રહ્યો છે.