ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. »
  3. આજ-કાલ
  4. »
  5. મંથન
Written By જનકસિંહ ઝાલા|

શું મોદીની મર્દાનગી વખાણવા જેવી ખરી ?

'સીટ'ના 68 પ્રશ્નોના નિડરપણે જવાબ આપ્યાં

W.D
W.D
ગુજરાતમાં વર્ષ 2002 માં સર્જાયેલો નરસંહાર અને તેમાં રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની કથિત સંડોવણીનો આરોપ. આ બન્ને એવા મુદ્દાઓ છે જે આજકાલ ચર્ચાના ચગડોળે ચડ્યાં છે.

તાજેતરમાં જ સર્વોચ્ચ ન્યાયલય દ્વારા નિયુક્ત વિશેષ તપાસ ટુકડી (એસઆઈટી)નું એક કહેણ નરેન્દ્ર મોદી માટે મુશ્કેલીઓ લઈને આવી ચડ્યું હતું.

જેમાં વર્ષ 2002 માં ગુજરાતમાં સર્જાયેલા લોહીયાળ રમખાણોને રોકવાનો પૂરતો પ્રયત્ન ન કરવા અને આ રમખાણોમાં સંડોવણી હોવાના આરોપોમાં પુછપરછ માટે નરેન્દ્ર મોદીને તેમની સામે હાજર થવા માટે કહેવામાં આવેલું.

શરૂઆતમાં એવા સમાચારો પણ વહેતા થયાં કે, 21 માર્ચના રોજ મોદી એસઆઈટી સામે રજૂ થશે. તરત જ બીજા દિવસે સ્વયં નરેન્દ્ર મોદીના હસ્તે લિખિત એક લેખ ગુજરાતના તમામ વર્તમાન પત્રોમાં વહેતો થયો જેમાં તેમણે કહ્યું કે, એસઆઈટીએ તેમને 21 માર્ચના રોજ કોઈ પણ પ્રકારની પુછપરછ માટે બોલાવ્યાં નથી. પણ પછી છાપાઓમાં 27 માર્ચના રોજ શનિવારનો દિવસ મોદીની પુછપરછ માટે ફાઈનલ થઈ ગયો હોવાની વાત સામે આવી.

ગાંધીનગરના જૂના સચિવાલય પરિસરમાં સ્થિત એસઆઈટી મુખ્યાલયમાં નિર્ધારિત સમયે મોદીની પુછપરછ કરવામાં આવી. એક પછી એક કરીને પૂરા 68 પ્રશ્નો મુખ્યમંત્રી મોદીને પુછવામાં આવ્યાં જેમનો તેમણે વિસ્તારપૂર્વક જવાબ આપ્યો. જો કે, એ વાત અલગ છે કે, આ પ્રશ્નોના તેમણે શું જવાબ આપ્યાં છે તેનો ઉલ્લેખ તેમણે મીડિયા સમક્ષ કર્યો નથી.

ભારત દેશને આઝાદ થયાં બાદનો આ પ્રથમ એવો દાખલો હતો જેમાં કોઈ મુખ્યમંત્રીની નવ કલાક સુધી પુછપરછ કરવામાં આવી હોય. મોદીના માથે પણ એસઆઈટીએ પુષ્કળ માછલા ધોયાં અર્થાત મોદીને એસઆઈટી દ્વારા તૈયાર કરાયેલા એક, બે અથવા ત્રણ નહીં પરંતુ પૂરા 68 પ્રશ્નોના કરોડિયારૂપી જાળામાંથી પ્રસાર થવું પડ્યું.

પ્રશ્નો પણ ભલભલા રાજનેતાઓને પરસેવો છોડાવી દે તેવા.. મોદીને સૌથી પહેલો પ્રશ્ન ગોધરા કાંડ મુદ્દે પુછવામાં આવ્યો તેમની પાસેથી આ પ્રકરણ સાથે જોડાયેલા તથા 27 ફેબ્રુઆરીની સાંજે ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ ટુકડીની બેઠકનું વર્ણન માંગવામાં આવ્યું. સાબરમતી એક્સપ્રેસની છ બોગીઓમાં તેમણે શું જોયુ ? મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું હતું ?

મૃતદેહો વિશ્વ હિન્દુ પરિષદના નેતા જયદીપ પટેલને સોંપવામાં આવવા કોઈ મોટી યોજનાનો ભાગ હતો તથા મૃત્યુ પામેલા કારસેવકોને વિધાનસભામાં શ્રદ્ધાંજલિ આપવા પાછળ શી મંશા હતી ? ગુજરાત બંધનું આહ્વાન કોણે કર્યું હતું આ તમામ મોદી માટે એક વ્રજઘાત સમાન હતાં જેમણો તેમણે હસ્તા મોઢે સામનો કર્યો.

નિયત કાર્યક્રમ અનુસાર મુખ્યમંત્રી મોદી સવારે 11 વાગ્યેને 55 મિનિટે એસઆઈટી કાર્યાલયે પહોંચી ગયાં હતાં. તેમના હાવભાવને જોતા લાગી રહ્યું હતું કે, તેઓ ઘરેથી પૂરુ હોમવર્ક કરીને આવ્યાં છે. સચિવાલયથી માત્ર સો ડગલાના અંતરે જ આવેલા આ એસઆઈટી કાર્યાલયની અંદર મોદીની મુખમુદ્રા પ્રસન્નોચિત્ત જોવા મળી, પોતાને પુછવામાં આવેલા પ્રશ્નોથી તેઓ ભયભીત ન હોવાનો અંદાજો તેના પરથી લગાડી શકાય છે કે, સ્વયં તેમને પણ ખબર ન પડી કે, એસઆઈટીએ તેમને કેટલા પ્રશ્નો પુછ્યાં. મોદીએ કહ્યું કે, મને પ્રશ્નોની ગણતરી યાદ નથી.

ભાજપના જણાવ્યાનુસાર મોદી એસઆઈટી સામે વગર વકીલે રજૂ થયાં પરંતુ પુછપરછમાં વિરામ દરમિયાન તેમની પાર્ટીના નેતા અરુણ જેટલીની તેમણે સલાહ લીધી. રાજ્યસભામાં વિપક્ષના નેતા જેટલી સવોચ્ચ ન્યાયાલયમાં વકીલ પણ છે. જેટલી વિશેષ રૂપે આ માટે ગાંધી નગર પહોંચ્યાં હતાં.

W.D
W.D
મોદીએ પુછપરછ માટે દેશના કાયદાને સર્વોપરિ જણાવ્યો. પુછપરછ બાદ મોદીએ કહ્યું કે, એક નાગરિક અને એક મુખ્યમંત્રી હોવાના કારણે દેશના બંધારણ સાથે હું જોડાયેલો છું. કોઈ પણ વ્યક્તિ તેનાથી ઉપર નથી એટલા માટે હું એસઆઈટી સામે રજૂ થયો. મારું કામ આલોચકોને જવાબ આપવાનું હતું. બીજી તરફ કોંગ્રેસે મોદીની આલોચના કરવામાં કોઈ કસર ન છોડી

કોંગ્રેસે જણાવ્યું કે, એસઆઈટી સમક્ષ તેમના રજૂ થવાના કારણે મુખ્યમંત્રીનું પદ બદનામ થયું છે જ્યારે ભાજપે આ વાતથી ઈનકાર કર્યો. કોંગ્રેસ પ્રવક્તા મનિષ તિવારીએ કહ્યું કે, 'આ અપ્રત્યાશિત છે કે, કોઈ બંધારણીય પદ પર બેઠેલો વ્યક્તિ, તે પણ મુખ્યમંત્રીને તપાસકર્તાઓએ નરસંહારના મામલામાં તપાસ માટે બોલાવ્યાં. તેમણે ઉમેર્યું કે, ' જો ભાજ્પમાં જરા પણ નૈતિકતા હોય તો તેણે આ ઉચ્ચ પદને બદનામ કરવામાં આવે તે પહેલા મોદીને પદ પરથી હટી જવાનું કહ્યું હોત.'

કોંગ્રેસ પ્રવક્તા જયંતી નટરાજને કહ્યું કે, જનતાની નજરમાં મોદી દોષી છે. મને નથી લાગતું કે, ગુજરાત રમખાણોની તપાસ કરી રહેલી એસઆઈટી સમક્ષ રજૂ થઈને તેમણે કોઈ અજૂબો કર્યો છે ?

ખૈર મોદીએ કોઈ અજૂબો કર્યો છે કે, નહીં તે તો આવનારો સમય જ જણાવશે પરંતુ એક વાતમાં મોદીની પ્રશંસા કરવાનું જરૂર મન થાય છે. તેને તેમની હિમ્મત, તેમનું ધૈર્ય, તેમનું હાજરજવાબીપણું. અહીં મોદીએ દેશના કાયદાનું પૂરપર્ણે સન્માન કર્યું છે જે રાજ્યનો મુખ્યમંત્રી કાયદો અને વ્યવસ્થાને અનુસરે તે રાજ્યની જનતા તો પછી શા માટે પાછળ રહે. જે રાજ્યનો મુખ્યમંત્રી ન્યાયપાલિકાનું સન્માન કરે, કાયદો અને સુપ્રીમ કોર્ટ દ્વારા રચિત સંસ્થાઓનું પાલન કરે તે વ્યક્તિ જનતાની નજરમાં દોષી કેવી રીતે ઠરી શકે.

અહીં એક વાત એ પણ જણાવીશ કે, નરેન્દ્ર મોદી વિરુદ્ધ હજુ સુધી કોઈ પણ ફરિયાદ દાખલ કરવામાં આવી નથી તેમ છતાં તેઓ બેજિજક રીતે 'સીટ' સામે રજૂ થયાં તેમનાં પ્રશ્નોના નિડરપણે જવાબ આપ્યાં. મિત્રો શું ગુજરાતના ઈતિહાસમાં આનાથી મહત્વપૂર્ણ કોઈ અન્ય ઘટનાક્રમ હોય શકે ?

કારણ કે, મહાભારતમાં અભિમન્યુંએ તો શત્રુઓ દ્વારા રચવામાં આવેલા સાત કોઠાઓના ચક્રવ્યુહને પાર કરવાનો પ્રયાસ કરેલો જ્યારે ગુજરાતના આ મુખ્યમંત્રીએ 68 પ્રશ્નોના ચક્રવ્યુહને પાર કરવાનો પ્રયાસ કર્યો છે. ખૈર અભિમન્યુ તો છળ પ્રપંચના કારણે તેમાં સફળતા પ્રાપ્ત કરી ન શક્યો પરતું આપને શું લાગે છે ? આ કળયુગના મહાભારતમાં કોંગી કૌરવોના પ્રપંચથી નમો બહાર નિકળી શકશે ખરા !

લાસ્ટ શોટ

'સીટ' ની પુછપરછ બાદ એસઆઈટી કાર્યાલયમાંથી બહાર આવેલા નરેન્દ્ર મોદીને એક મીડિયાકર્મીને પ્રશ્ન પુછ્યો, 'સર આપને 68 પ્રશ્નોમાંથી ક્યા પ્રશ્નનો જવાબ આપવો ખુબ જ મુશ્કેલરૂપ લાગ્યો. મોદીએ હસ્તા મોઢે કહ્યું, ખૈર તેમાંથી તો એક પણ ન લાગ્યો પણ તમે જે આ 69 મો પુછી રહ્યાં છો તે ઘણો મુશ્કેલ લાગી રહ્યો છે.'